ભારતને ટ્રાયેન્ગ્યુલર સીરિઝ ચેમ્પિયન બનાવતી કાર્તિકની સિક્સર

Monday 19th March 2018 07:23 EDT
 
 

કોલંબોઃ ટીમ ઇંડિયાએ રવિવારે રમાયેલી અત્યંત રોમાંચક ફાઇનલમાં ટ્રાયેન્ગ્યુલર ટી૨૦ સીરિઝ જીતીને શ્રીલંકામાં વિજયપતાકા લહેરાવ્યા છે. ભારતના આ વિજયનો હીરો હતો દિનેશ કાર્તિક. બાંગ્લાદેશ સામે રમાયેલી ફાઇનલમાં તેણે છેલ્લી બે ઓવરમાં (આઠ બોલમાં અણનમ ૨૯ રન) સ્ફોટક ઇનિંગ રમી ટીમને ચાર વિકેટે વિજય અપાવ્યો હતો. મેન ઓફ ધ મેચ કાર્તિક જાહેર થયો હતો જ્યારે વોશિંગ્ટન સુંદર મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો.
બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરના અંતે આઠ વિકેટ ગુમાવી ૧૬૬ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે ૨૦મી ઓવરના અંતિમ બોલે દિનેશ કાર્તિકની સિક્સરની મદદથી વિજય મેળવી લીધો હતો. ૧૬૭ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે શરૂઆત મિશ્ર રહી હતી. ભારતે ચાર ઓવરમાં ૩૭ રન કરી લીધા હતા, પરંતુ ધવન અને રૈનાની વિકેટ ગુમાવી દીધી હતી.
બાંગ્લાદેશે પાવર પ્લેમાં સ્પિનરો પર વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ રોહિતે તેનો ફાયદો ઉઠાવતાં છ ઓવરના અંતે ટીમનો સ્કોર ૫૬ રને પહોંચાડી દીધો હતો. રોહિત અને લોકેશ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૫૧ રનની ભાગીદારી નોંધાઈ હતી. રાહુલને રુબેલે આઉટ કર્યા બાદ ભારતનો રનરેટ ધીમો પડ્યો હતો. ભારતનો સ્કોર ૯૮ રન થયો ત્યારે રોહિત પણ પોતાની અર્ધી સદી પૂર્ણ કરી નઝમુલ ઇસ્લામનો શિકાર બન્યો હતો. રોહિતે ૫૬ રન બનાવ્યા હતા.
ભારતને છેલ્લી છ ઓવરમાં જીત માટે ૬૩ રનની જરૂર હતી. ઓવરદીઠ સતત રનરેટ વધી રહ્યો હતો ત્યારે મનીષ પાંડે પણ ૧૭મી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. આ સમયે કાર્તિક મેદાનમાં આવ્યો હતો.

૮ બોલમાં અણનમ ૨૯

કાર્તિક મેદાનમાં આવ્યો ત્યારે ભારતને જીતવા માટે છેલ્લા ૧૨ બોલમાં ૩૪ રન કરવાના હતા. કાર્તિકે મેદાન પર આવતા પહેલા જ બોલે રુબેલની બોલિંગમાં સિક્સર ફટકારી હતી, જે પછીના બોલ પર ફોર અને ત્યાર બાદ ફરી સિક્સર ફટકારતાં ભારતીય ચાહકો ગેલમાં આવી ગયા હતા. કાર્તિકની તોફાની બેટીંગને સહારે ભારતે ૧૯મી ઓવરમાં ૨૨ રન ઝૂડયા હતા. જે પછી આખરી ઓવરમાં ભારતને જીતવા ૧૨ રનની જરૂર હતી. જેમાં પ્રારંભે સિંગલ લીધા બાદ શંકરે ચોથા બોલે ચોગ્ગો ફટકારતાં ભારતને જીતવા આખરી બે બોલમાં પાંચ રનની જરૂર હતી. આ સમયે શંકર કેચ આઉટ થયો હતો. જોકે બેટ્સમેનો પીચ પર ક્રોસ થઈ ચૂક્યા હોવાથી દિનેશ કાર્તિક ક્રિઝ પર આવ્યો હતો અને તેણે આખરી બોલ પર સૌમ્ય સરકારની બોલિંગમાં વિજયી છગ્ગો ફટકારીને ભારતને રોમાંચક જીત અપાવી હતી.

વિજયશિલ્પી રોહિત શર્મા

વિજય માટે ૧૬૭ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતને રોહિત શર્માએ સ્ફોટક સ્ટાર્ટ અપાવ્યો હતો. જોકે બાંગ્લાદેશે અસરકારક બોલિંગ કરતાં મેચમાં પકડ જમાવી હતી. ધવન ૧૦, રૈના શૂન્ય પર આઉટ થતાં ભારતને ફટકો પડયો હતો. જોકે રોહિત શર્માએ જીતનો પાયો નાંખતાં ૪૨ બોલમાં ૪ ચોગ્ગા અને ૩ છગ્ગા સાથે ૪૨ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા. લોકેશ રાહુલ ૧૪ બોલમાં ૨૪ રન કરીને આઉટ થયો હતો. જ્યારે મનીષ પાંડે ૨૭ બોલમાં ૩ ચોગ્ગા સાથે ૨૮ રન કરીને પેવેલિયનમાં પરત ફર્યો હતો. આ પછી કાર્તિકે બાજી પલ્ટી હતી.

ચહલ-સુંદર-ઉનડકટ ઝળક્યા

ભારતીય સ્પિનર ચહલે શાનદાર દેખાવ કરતાં ત્રિકોણીય ટી૨૦ જંગની ફાઈનલમાં માત્ર ૧૮ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ચહલે શ્રીલંકાના ડેન્જરસ ઓપનર તમીમને માત્ર ૧૫ રનના સ્કોર પર શાર્દૂલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. જે પછી તેણે સૌમ્ય સરકાર (૧) અને રહીમ (૯)ની મહત્વની વિકેટ ઝડપતાં બાંગ્લાદેશે માત્ર ૬૮ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી. વોશિંગ્ટન સુંદરે ઓપનર લિટન દાસને પેવેલિયન ભેગો કર્યો હતો અને અસરકારક દેખાવ કરતાં ૪ ઓવરમાં ૨૦ રન આપ્યા હતા. સિરાજના સ્થાને ટીમમાં પાછા ફરેલા જયદેવ ઉનડકટે બાંગ્લાદેશના હાઈએસ્ટ સ્કોરર શબ્બીર (૭૭)ની પ્રાઈઝ વિકેટ ઝડપી હતી. તેણે રુબેલને પણ આઉટ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter