ભારતનો ઘરઆંગણે સતત 17મો શ્રેણીવિજયઃ ઈંગ્લેન્ડના સૂપડાં સાફ

Wednesday 28th February 2024 06:24 EST
 
 

રાંચીઃ યજમાન ભારતે પાંચ ટેસ્ટની શ્રેણીની ચોથી ટેસ્ટમાં સોમવારે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે પરાજય આપીને 3-1ની સરસાઈ સાથે શ્રેણીવિજય નક્કી કર્યો છે. આ સાથે જ ભારતે ઘરઆંગણે વિક્રમજનક સતત 17મો શ્રેણીવિજય પણ મેળવ્યો છે.

ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં 353 કરીને જેના જવાબમાં ભારતે પહેલી ઇનિંગમાં 307 રન કર્યા હતા. નજીવી સરસાઇ સાથે ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં 145 રન કરતાં ભારતને મેચ અને શ્રેણી જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યાંક નીચું હતું, પરંતુ સ્પીનરને મદદગાર પીચ પર વિકેટ ટકાવીને રન કરતા રહેવાનું કસોટીરૂપ હતું. જોકે ગીલ અને જુરેલની યુવા જોડી ભારતને વિજયપથ પર દોરી ગઇ હતી.

ગીલ-જુરેલની અણનમ ભાગીદારી
સોમવારે ચોથા દિવસની રમતમાં ભારતની કસોટી થઈ હતી અને એક તબક્કે 192 રનના ટાર્ગેટ સામે 120 રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી ત્યારે ગીલે 124 બોલમાં બે છગ્ગા સાથે 52 અણનમ અને પ્લેયર ઓફ ધ મેચ વિકેટકિપર બેટ્સમેન જુરેલે 77 બોલમાં બે ચોગ્ગા સાથે અણનમ 39 રન ફટકારીને ભારતનો વિજય નિશ્ચિત કર્યો હતો. ગીલ-જુરેલની જોડીએ 72 રનની છઠ્ઠી વિકેટની અણનમ ભાગીદારી નોંધાવી ભારતને પાંચ વિકેટથી વિજય અપાવ્યો હતો.
ત્રીજા દિવસના રમતના અંતે વિના વિકેટે 40 રનથી આગળ રમતા ભારતે 84રને જયસ્વાલ (37)ની વિકેટ ગુમાવી હતી. આ પછી પણ એક વિકેટે 99 રનનો સ્કોર હોઈ ભારત નિશ્ચિંત બનીને આગેકૂચ કરી રહ્યું હતું. રોહિત શર્મા (55) તે સ્કોરે આઉટ થયો. વધુ એક રન ઉમેરાયો અને રજત પાટીદાર છ બોલ રમીને શૂન્ય રને આઉટ થયો તો પણ ભારતના કેમ્પમાં તે હદે તનાવ નહોતો.

બશીરની બોલિંગે સોંપો પાડી દીધો
જોકે આ પછી 20 વર્ષીય જમણેરી ઓફ સ્પિનર બશીરે જાડેજા (33 બોલમાં 4 રન) અને સરફરાઝ ખાનને ઝીરોમાં આઉટ કરીને ભારતીય કેમ્પમાં સોંપો પાડી દીધો હતો. હજુ ભારતને જીતવા માટે 72 રનની જરૂર હતી અને વધુ એક વિકેટ ઝડપથી પડી તો ભારત હારી પણ શકે તેવો માહોલ હતો. બશીરે 79 રનમાં 3 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડના સ્પિનરો અને ફિલ્ડરો પણ ભારે આક્રમક મૂડમાં હતા. ત્યારે ગીલ અને અને જુરેલે બાજી સંભાળી લીધી હતી.

ગીલે તેની આક્રમક શૈલીથી વિપરીત સ્પિનરો સામે ફૂટવર્ક બતાવીને રમત રમી હતી તો બીજી તરફ પ્રથમ ઈનિંગમાં 90 રન નોંધાવી ઈંગ્લેન્ડને નિર્ણાયક લીડથી દૂર રાખનાર જુરેલે પણ ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની તમામ યોજનાઓનો મક્કમ પ્રતિકાર કર્યો હતો.

બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડની બેટિંગ હરોળને 145 રનમાં હચમચાવી નાંખનાર કુલદિપ યાદવની ચાર વિકેટ અને અશ્વિનની પાંચ વિકેટે ભારતના વિજયનો પાયો રચ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter