ભારતમાં ક્રિકેટ જ ક્રિકેટઃ ૨૧૨ દિવસમાં ૯૧૮ મેચ

Sunday 12th June 2016 08:04 EDT
 
 

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) ભારતીય ક્રિકેટના ડોમેસ્ટિક ટાઇમટેબલની જાહેરાત કરી છે. જે અનુસાર, ઓક્ટોબર-નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીથી સત્રની શરૂઆત થશે. જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ દરમિયાનના ૨૧૨ દિવસમાં ૯૧૮ મેચના ૧૮૮૨ પ્લેઈંગ ડે હશે. જેમાં સ્થાનિક જૂનિયર સ્પર્ધાઓથી લઈને રાષ્ટ્રીય કક્ષાની રણજી ટ્રોફી ટૂર્નામેન્ટનો પણ સમાવેશ થાય છે. આ સમય દરમિયાન ટીમ ઈન્ડિયા ઘરઆંગણે ૧૩ ટેસ્ટ, ૮ વન-ડે અને ૩ ટ્વેન્ટી૨૦ રમશે. વિદેશી ટીમ ૭૮ દિવસ ભારતમાં રમશે.
ન્યૂ ઝીલેન્ડ સામે ૩ ટેસ્ટ, ૫ વન-ડેઃ ન્યૂ ઝીલેન્ડ સામે ઈન્દોર, કાનપુર, કોલકતામાં ટેસ્ટ. જ્યારે ધર્મશાલા, દિલ્હી, મોહાલી, રાંચી, વિશાખાપટ્ટનમમાં વન-ડે રમાશે.
ઈંગ્લેન્ડ સામે ૫ ટેસ્ટ, ૩ વન-ડે, ૩ ટી૨૦ઃ ઈંગ્લેન્ડ સામે મોહાલી, રાજકોટ, મુંબઈ, વિશાખાપટ્ટનમ્ અને ચેન્નઈમાં ટેસ્ટ રમાશે. પૂણે, કટ્ટક અને કોલકતામાં વન-ડે જ્યારે બેંગલોર, નાગપુર અને કાનપુરમાં ટી૨૦ યોજાશે.
ઓસ્ટ્રેલિયા સામે ૪, બાંગ્લાદેશ સામે ૧ ટેસ્ટઃ ૨૦૧૭ ફેબ્રુઆરી-માર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે બેંગલોર, ધર્મશાલા, રાંચી અને પૂણેમાં ટેસ્ટ મેચ જ્યારે બાંગ્લાદેશ યજમાન દેશ ભારતમાં હૈદરાબાદમાં ટેસ્ટ રમશે.
૨૧૨ દિવસમાં ૯૧૮ મેચઃ સપ્ટેમ્બર ૨૦૧૬થી માર્ચ ૨૦૧૭ના ૨૧૨ દિવસના સત્રમાં બોર્ડ દ્વારા કુલ ૯૧૮ મેચો યોજાશે અને જેના ૧૮૮૨ પ્લેઈંગ ડે થશે. મેચોમાં આંતરરાષ્ટ્રીય મેચો ઉપરાંત રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી, વિજય હજારે ટ્રોફી, મુસ્તાક અલી ટ્રોફી, દેવધર ટ્રોફી, ઈરાની ટ્રોફી, વુમન્સ ક્રિકેટ અને તમામ વય જૂથના ક્રિકેટ સ્પર્ધાની મેચો યોજાશે.
દુલિપ ટ્રોફી ગુલાબી બોલમાંઃ સ્થાનિક સત્રમાં પહેલી વખત દુલિપ ટ્રોફીની મેચો ફ્લડ લાઈટ અને ગુલાબી બોલ પર રમાશે.
છત્તીસગઢ પહેલી વખત રણજીમાંઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ટે કરેલા કેટલાક અન્ય નિર્ણય અનુસાર છત્તીસગઢ પ્રથમ વખત રણજી ટ્રોફીમાં ભાગ લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter