ભારતીય ક્રિકેટના ધોનીયુગનો અંત

Wednesday 19th August 2020 05:24 EDT
 
 

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન ૩૯ વર્ષીય એમ. એસ. ધોનીએ તેની આગવી ઓળખસમાન કૂલ અંદાજમાં જ શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરતી જાહેરાત કરી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની ત્રણેય ટ્રોફી - ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનું બહુમાન ધરાવતા એકમાત્ર કેપ્ટનની નિવૃત્તિની જાહેરાતથી કરોડો ક્રિકેટચાહકોએ આઘાતનો આંચકો અનુભવ્યો છે.
રાહુલ દ્રવિડે કેપ્ટનશિપ છોડ્યા બાદ ટીમ ઇંડિયાનું સુકાન ધોનીને સોંપાયું હતું. તેણે ૨૦૦૭માં પ્રથમ વખત રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં યુવા ભારતીય ટીમ સાથે સાઉથ આફ્રિકામાં ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. આ પછી ૨૦૧૧માં ભારતે વન-ડે વર્લ્ડ કપની યજમાની કરી હતી ત્યારે ધોની એન્ડ ટીમે ઘરઆંગણે વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો. તો ૨૦૧૩માં તેના નેતૃત્વમાં ટીમ ઇંડિયાએ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ ઉપરાંત ભારતે ધોનીની કેપ્ટનશીપમાં જ બે વખત - ૨૦૧૦ અને ૨૦૧૬માં એશિયા કપ પણ જીત્યો હતો.

નિવૃત્તિ માટે ૧૫ ઓગસ્ટ જ કેમ?!

‘કેપ્ટન કૂલ’ની ધોનીની સાથે સાથે જ સુરેશ રૈનાએ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં દેશભરમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે હવે રૈનાએ રહસ્યસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે ‘મેં અને ધોનીએ સ્વતંત્રતા પર્વે નિવૃત્તિ લેવાનું નક્કી કરી રાખ્યું હતું. ધોનીનો જર્સી નંબર ૭ છે અને મારો જર્સી નંબર ૩ છે. યોગાનુયોગ દેશની સ્વતંત્રતાને પણ ૭૩ વર્ષ પૂરા થયા છે. અમે વિચાર્યું કે નિવૃત્તિ લેવા માટે આનાથી વધુ સારો દિવસ કોઈ હોઈ શકે જ નહીં.’
હવે બીજો એક સવાલ એ પણ છે કે સમય સાંજના ૭.૨૯ કલાક જ કેમ? ધોનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એવું કેમ લખ્યું કે સાંજના ૭.૨૯ કલાક બાદ મને નિવૃત્ત સમજવો. વાત એમ છે કે ધોની તેની અંતિમ વન-ડે ૧૦ જુલાઇ ૨૦૧૯ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેચમાં તે રનઆઉટ થયો ત્યારે સાંજના ૭.૨૯ વાગ્યા હતા. આથી તેણે નિવૃત્તિ માટે આ સમય પસંદ કર્યો હતો.

આર્મી પ્રત્યે અનોખો આદર

૧૫મી ઓગસ્ટે દેશ આઝાદીની ૭૪મી વર્ષગાંઠ મનાવતો હતો ત્યારે સાંજે ૭:૨૯ કલાકે ધોનીએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર જાહેરાત કરી હતી કે આ સમય પછી મને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત સમજવો. આ સાથે જ તેણે ‘મૈં પલ દો પલ કા શાયર હૂં...’ ગીત સાથેનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે તેના ક્રિકેટજીવનની યાદગાર ક્ષણોને રજૂ કરતો હતો.
ધોનીનો ઇન્ડિયન આર્મી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ૨૦૧૮માં જ્યારે તેને એક ક્રિકેટર તરીકે પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયો ત્યારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં પણ આર્મી ડ્રેસ પહેરીને જ સન્માન સ્વીકાર્યું હતું. ૨૦૧૯ના વર્લ્ડ કપની એક મેચમાં ધોનીએ પોતાના વિકેટકીપિંગ ગ્લોવ્ઝ ઉપર આર્મીનો લોગો લગાવ્યો હતો. ધોનીએ રાંચી સ્ટેડિયમમાં આર્મી કેપ પહેરીને મેચ રમી હતી. જોકે તે મેચમાં તમામ ભારતીય ક્રિકેટર્સને આર્મી કેપ પહેરવાની વિશેષ મંજૂરી મળી હતી.

ધોનીને ય કોરોના નડી ગયો

ઉલ્લેખનીય છે કે ધોની લાંબા સમયથી ક્રિકેટમાં સક્રિય નહીં હોવાના કારણે તેની કારકિર્દી અંગે વિવિધ અટકળો થઇ રહી હતી. તેણે ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે કોરોના વાઇરસની મહામારીના કારણે આઇસીસીએ તેની આ મેજર ઇવેન્ટ રદ કરી હતી. આ સ્થિતિમાં ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થવાનો નિર્ણય લઇ લીધો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી જે રીતે ધોની નિવૃત્ત થયો હતો તે જ રીતે તેણે કોઇ પણ આગોતરા સંકેત વિના જ્યારે દેશના અખબારો બંધ હતા ત્યારે મોટી જાહેરાત વિના ક્રિકેટને અલવિદા કરી દીધી હતી.

પ્રારંભ અને અંત રનઆઉટથી...

એક વર્ષ સુધી ભારતીય ટીમથી દૂર રહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ આખરે ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધી છે. તેના આ નિર્ણયથી વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓ સ્તબ્ધ થઇ ગયા છે. ધોનીએ ક્રિકેટ અને ખાસ કરીને ભારતીય ક્રિકેટ માટે જે સિદ્ધિ હાંસલ કરી છે તે ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઇ ચૂકી છે. ધોનીની ઇન્ટરનેશનલ કારકિર્દી રનઆઉટથી શરૂ થઇ હતી અને રનઆઉટ દ્વારા જ પૂરી થઇ હતી.
ધોની ૨૦૦૪માં પહેલી વખત બાંગ્લાદેશના ચિતાગોંગ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં ઉતર્યો હતો. તેણે બાંગ્લાદેશ સામે પહેલી વન-ડે રમી હતી અને પ્રથમ બોલે જ રનઆઉટ થઇને પેવેલિયન પરત ફર્યો હતો. ધોનીએ છેલ્લે ૨૦૧૯ની ૧૦મી જુલાઇએ ભારતીય ટીમની જર્સી પહેરી હતી. ત્યારે તે ન્યૂઝીલેન્ડ સામે આઇસીસી વર્લ્ડ કપની સેમિ-ફાઇનલ રમ્યો હતો. આ મેચમાં તેણે ૫૦ રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે આ મેચમાં પણ રનઆઉટ થયો હતો. જોકે તેના આઉટ થયા બાદ ઘણો વિવાદ થયો હતો. તેને જે બોલમાં રનઆઉટ અપાયો હતો તે નો-બોલ હતો.

દાદા, ઈસકે હાથ મેં ‘ઝટકા’ હૈઃ સચિન

ભારતના લેજન્ડરી ખેલાડી સચિન તેંડુલકરે ભૂતકાળને વાગોળતાં કહ્યું હતું કે મેં સૌપ્રથમ વખત ધોનીને વર્ષ ૨૦૦૪માં બાંગ્લાદેશમાં વન-ડે ટુર્નામેન્ટ દરમિયાન જોયો હતો. તેના વિશે મેં સાંભળ્યું હતું ખરું, પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સ્ટ્રોક્સ ફટકારવા અલગ બાબત છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટ્રોક ફટકારવા જુદી વાત છે. તેણે પ્રેક્ટિસ મેચમાં બે બાઉન્ડ્રી ફટકારી હતી, તે જોઈને મેં સૌરવને કહ્યું હતુંઃ દાદા, ઈસકે હાથ મેં ‘ઝટકા’ હૈ. તેંડુલકરે ગાંગુલીને કહ્યું હતું કે, તે તેના હાથના ઝટકાનો ઉપયોગ કરીને બોલને ફટકારે છે. તેના સ્ટ્રોક જોઈને કોઈ પણ કહી શકે તેમ હતું કે આ છોકરો એક દિવસ મોટું નામ કાઢશે.

‘કેપ્ટન કૂલ’ની ક્રિકેટ કારકિર્દી

આઇસીસીની ત્રણ મેજર ટ્રોફી જીતનાર ધોનીએ સૌથી સફળ વિકેટકીપર - બેટ્સમેનથી સુકાની બનવાની સફરમાં ઘણી સિદ્ધિ હાંસલ કરી હતી. ધોનીએ ૫૦.૫૭ની સરેરાશથી ૧૦,૭૭૩ રન સાથે વન-ડે કારકિર્દીનો અંત આણ્યો છે, જેમાં ૧૦ સદી છે. ટી૨૦માં તેણે ૩૭.૬૦ની સરેરાશથી ૧,૬૧૭ રન કર્યા છે. ધોનીએ વન-ડેમાં બોલિંગ કરીને એક વિકેટ પણ ઝડપી છે. તેણે ૨૦૦૯માં વેસ્ટ ઇન્ડિઝ સામે ટ્રેવિસ ડાઉલિનની એકમાત્ર વિકેટ ઝડપી હતી.

ધોની વિકેટકીપર તરીકે
• ધોનીએ વન-ડે ક્રિકેટમાં સર્વાધિક ૪૪૪ શિકાર કર્યા છે. સ્ટમ્પિંગની બાબતે ધોની (૧૨૩) પ્રથમ ક્રમાંકે છે. અન્ય કોઇ વિકેટકીપર ૧૦૦ સ્ટમ્પિંગના આંકડા સુધી પણ પહોંચી શક્યો નથી. ધોનીએ ટી૨૦ ક્રિકેટમાં ૩૪ સ્ટમ્પિંગ સાથે ૯૧ શિકાર કર્યા હતા, જે આ ફોર્મેટમાં કોઇ પણ ક્રિકેટર માટે સર્વાધિક છે.
• ધોનીએ સુકાની તથા વિકેટકીપર તરીકે વન-ડેમાં ૬૬૪૧ રન કર્યા છે. આ ભૂમિકામાં અન્ય કોઇ ક્રિકેટરે આટલા રન કર્યા નથી. ધોનીએ ૨૦૦ મેચમાં સુકાની તથા વિકેટકીપરની બેવડી ભૂમિકા ભજવી છે. વિશ્વના એકેય વિકેટકીપરે ૪૬ મેચથી વધારે મેચોમાં પોતાના દેશની ટીમનું નેતૃત્વ કર્યું નથી. સંગાકારાએ શ્રીલંકા માટે ૪૫ મેચમાં બેવડી ભૂમિકા ભજવીને ૧,૭૫૬ રન બનાવ્યા હતા.

ધોની બેટ્સમેન તરીકે
• વન-ડે ક્રિકેટમાં ધોનીની ૫૦.૫૭ રનની એવરેજ વિરાટ કોહલી બાદ બીજા ક્રમે છે. ધોની અને કોહલીની એવરેજ ૫૦ પ્લસ છે. ત્રીજા ક્રમે સચિન છે જેની વન-ડેમાં એવરેજ ૪૪.૮૩ રનની છે.
• વન-ડેમાં સફળ રનચેઝ દરમિયાન ધોની હાઇએસ્ટ ૪૭ વખત નોટઆઉટ રહ્યો છે. રસપ્રદ બાબત એ છે કે ધોની નોટઆઉટ હોય અને ભારત હાર્યું હોય તેવા બે બનાવ બન્યા છે.
• રનચેઝ દરમિયાન ૯ વખત સિક્સર ફટકારી ભારતને વિજય અપાવ્યો છે. વિશ્વના કોઇ ખેલાડીના નામે આવી સિદ્ધિ નથી.
• વન-ડેમાં ધોનીએ ૨૨૯ સિક્સર ફટકારી છે. તે ભારતીય ક્રિકેટર્સમાં રોહિત શર્મા બાદ બીજા ક્રમે છે. ઓવર ઓલ વિશ્વ ક્રિકેટમાં ધોની હાઇએસ્ટ સિક્સરના મામલે પાંચમા ક્રમે છે.
• પાંચમા કે તેનાથી નીચલા ક્રમે બેટિંગ કરીને ૭ સદી ફટકારી છે. ધોનીએ ત્રીજા ક્રમે બેટિંગ કરીને પોતાની વન-ડે કારકિર્દીની બે સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. જેમાં તેણે શ્રીલંકા સામે અણનમ ૧૮૩ તથા પાકિસ્તાન સામે ૧૪૮ રનની ઇનિંગ રમી હતી.

ધોની કેપ્ટન તરીકે
• ધોનીની કેપ્ટનશિપમાં ભારતે ટોચની ત્રણ આઇસીસી ટૂર્નામેન્ટ જીતી હતી. ભારતીય કેપ્ટન તરીકે આ સર્વાધિક છે. માત્ર રિકી પોન્ટિંગે ધોની કરતાં વધારે આઇસીસી ટાઇટલ્સ જીત્યાં હતાં.
• ધોનીએ કુલ ૩૩૨ મેચમાં કેપ્ટનશિપ કરી છે. જેમાં ૨૦૦ વન-ડે, ૭૨ ટી૨૦ અને ૬૦ ટેસ્ટ સામેલ છે. મર્યાદિત ઓવર્સની ક્રિકેટમાં ધોનીએ બીજા ક્રમે સર્વાધિક ૧૫૧ વિજય મેળવ્યા છે. પોન્ટિંગે ૧૭૨ વિજય હાંસલ કર્યા હતા, જે હાઇએસ્ટ છે.
• ધોનીની કેપ્ટનશિપ દરમિયાન બેટ્સમેન તરીકે ૫૩.૫૫ રનની શાનદાર એવરેજ છે. વન-ડેમાં ૫૦૦૦ પ્લસ રન કરનાર બેટ્સમેનમાં તે કોહલી બાદ બીજા ક્રમે છે. સુકાની તરીકે રિકી પોન્ટિંગ ધોની કરતાં આગળ છે.
• આઇસીસી વનડે વર્લ્ડ કપમાં ધોનીએ સુકાની તરીકે માત્ર ૨ પરાજય હાંસલ કર્યા છે. પોન્ટિંગ અને ક્લાઇવ લોઇડનો ધોની કરતાં વધારે સારો વિનિંગ રેશિયો છે. ધોનીએ ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૦ વિજય અને ૧૧ પરાજય મેળવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter