રાજકોટઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા 37 વર્ષના પૂજારાએ 13 વર્ષ લાંબી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 103 ટેસ્ટમાં 43.60 રનની સરેરાશથી કુલ 7195 રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં 19 સદી ને 35 અડધી સદી નોંધાવી હતી.
સચિનની એક્સ પર પોસ્ટ
પૂજારા લાંબો સમય ભારતીય ટેસ્ટ ટીમની કરોડરજ્જુ બની રહ્યો હતો. રાહુલ દ્રવિડ પછી તેણે ટીમમાં નંબરનું ત્રણનું સ્થાન સંભાળીને દ્રવિડની ‘ધ વોલ’ની ઓળખને જાળવી હતી. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની છેલ્લી ટેસ્ટ મેચમાં પૂજારાએ સદી ફટકારી હતી. સચિને ‘એક્સ’ પર લખ્યું છે કે ચેતેશ્વર પૂજારાની મજબૂત ટેકનિક ભારતની ટેસ્ટ મેચોમાં ઘણી જીતનો આધાર હતી. 2018-19માં ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત પૂજારાની ભાગીદારી વિના શક્ય નહોતી. તમને નંબર ત્રણ પર બેટિંગ કરતા જોઈને હંમેશા રાહત થતી. તમે હંમેશા શાંત, હિંમત અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેના ઊંડા પ્રેમ સાથે મેદાનમાં ઉતર્યા છો. પ્રેશર હેઠળ તમારી મજબૂત ટેકનિક, ધીરજ અને સંયમ ટીમ માટે આધારસ્તંભ બની રહ્યા હતા.’
લાગણીસભર પોસ્ટ દ્વારા જાહેરાત
રવિવારે પૂજારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને સંન્યાસની જાહેરાત કરી હતી. આ ભાવુક નોટમાં તેણે લખ્યું હતુંઃ ભારતીય જર્સી પહેરવી, રાષ્ટ્રગાન ગાવું અને દરેક વખતે મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું... તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે કે આ કેટલું ખાસ હતું પરંતુ કહેવાય છે દરેક સારી વસ્તુનો એક અંત હોય છે અને અત્યંત આભાર સાથે હું આ જાહેરાત કરું છું કે મેં ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. રાજકોટના એક નાના શહેરમાં રહેનાર હું બાળપણમાં મારા માતા-પિતા સાથે આકાશને સ્પર્શ કરવાના સ્વપ્ન જોવા લાગ્યો હતો અને ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ બનવાનું સ્વપ્ન જોયું હતું. ત્યારે ખબર નહોતી કે આ રમત મને આટલું બધું આપશે. અણમોલ પ્રસંગ, અનુભવ, ઉદ્દેશ્ય, પ્રેમ ને બધાથી પણ વધીને રાજ્ય અને આ મહાન દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક. હું બીસીસીઆઈ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘનો આભાર માનવા માગું છું, જેણે મને મારી ક્રિકેટ કેરિયરમાં તક ને સમર્થન આપ્યું છે. હું તે તમામ ટીમો, ફેન્ચાઈઝીઓ અને કાઉન્ટી ટીમોનો આભારી છું, જેનો હું વર્ષો સુધી ભાગ રહ્યો હતો. જો મારા માર્ગદર્શકો, કોચ અને આધ્યાત્મિક ગુરુનું માર્ગદર્શન ન હોત તો હું અહીં ન હોત. હું હંમેશા તેમનો ઋણી રહીશ.
2023માં છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ
તાજેતરમાં ટીમ ઇંડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસમાં તે કોમેન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. તેણે અંતિમ ટેસ્ટ જૂન 2023માં ઇંગ્લેન્ડમાં જ રમી હતી. તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે કેનિંગ્ટન ઓવલમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ હતી. આ મેચમાં ભારત હાર્યું હતું. ટીમ ઇન્ડિયાથી બહાર થયા બાદ પૂજારાએ ઘરેલુ ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું પરંતુ તે નેશનલ ટીમ માટેની રેસમાં નહોતો. તેને દુલીપ ટ્રોકી માટે પણ નજરઅંદાજ કરાયો હતો. પૂજારાએ સેહવાગના સ્થાને 2013માં વન-ડે ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેણે 2013માં ઝિમ્બાબ્વે સામે વન-ડે ડેબ્યુ કર્યું હતું. પુજારા પાંચ વન-ડે રમ્યો હતો જેમાં તેણે 51 રન કર્યા હતા ને બે વાર શુન્ય પર આઉટ થયો હતો.
પૂજારાની આંતરરાષ્ટ્રીય કેરિયર
પૂજારાએ પોતાની આંતરરાષ્ટ્રીય કેરિયરમાં 103 ટેસ્ટ અને પાંચ વન-ડે મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં 176 ઇનિંગમાં 43.61ની સરેરાશથી 7195 રન બનાવ્યા છે. તેમાં 19 સદી અને 35 અડધી સદી સામેલ છે. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 206 રનનો રહ્યો છે. વન-ડેમાં તેણે 39.24ની સરેરાશથી 51 રન કર્યા છે. તે સિવાય પૂજારા આઇપીએલમાં 30 મેચ રમ્યો છે. જેમાં 22 ઇનિંગમાં તેણે 99.75ના સ્ટ્રાઇક રેટ સાથે 390 રન કર્યા હતા. તેમાં એક અડધી સદી પણ સામેલ છે.