નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતે ૨૫ નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે બે મેચની સિરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ ૨૫ નવેમ્બરથી કાનપુરમાં રમાશે. જ્યારે શ્રેણીની બીજી અને છેલ્લી મેચ મુંબઈમાં યોજાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ૧૬ સભ્યોની ટીમના નામની જાહેરાત કરી હતી. અજિંક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. વાઇસ કેપ્ટનની જવાબદારી ચેતેશ્વર પૂજારા પર છે. વિરાટને આ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. આ પૂર્વે ભારતીય ટીમ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૭થી ૨૧ નવેમ્બર દરમિયાન ત્રણ ટી૨૦ મેચ રમાશે.
મોટા નામોને આરામ
હિટમેન રોહિતને ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતને પણ આરામ અપાયો છે. બૂમરાહ પણ ટેસ્ટ ટીમનો ભાગ નથી. પંતની જગ્યાએ રિદ્ધિમાન સહાને વિકેટકિપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કે. એસ. ભરત બેકઅપ વિકેટકિપર છે. મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ આ ટેસ્ટ શ્રેણીનો ભાગ નથી.
ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ
આ શ્રેણી ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે. ભારતીય ટીમ છેલ્લે ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૧૯-૨૦૨૧ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાઈ હતી. આ ટીમમાં કે. એસ. ભરત એક નવું નામ છે. ભરત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ હતો. તેણે વિકેટપાછળ સારું પ્રદર્શન કર્યું એટલું જ નહીં. તેણે બેટથી ઉપયોગી ઇનિંગ્સ પણ રમી હતી.
રોહિત કેપ્ટન બનવાનો હતો?
આ પહેલાં એવા સમાચાર હતા કે, રોહિત શર્મા પ્રથમ મેચમાં કેપ્ટનશિપ કરશે અને બીજી મેચમાં તેને આરામ આપવામાં આવશે. જોકે બાદમાં બીસીસીઆઈએ તેની વિરુદ્ધ નિર્ણય લીધો હતો. ભારતીય ખેલાડીઓ લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યા છે અને બાયો બબલના થાકની ફરિયાદ પણ કરી છે.
ટીમઃ અજિંક્ય રહાણે (કેપ્ટન), ચેતેશ્વર પૂજારા (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), કે. એસ. ભરત (વિકેટકિપર), રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.