માત્ર એક ઓવર માટે ૩૩ હજાર કિ.મી.નો પ્રવાસ!

Thursday 03rd September 2015 06:42 EDT
 
 

કાર્ડિફઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમેરોન બોએસે ઇતિહાસ સર્જ્યો છે. ના, ક્રિકેટના મેદાનમાં નહીં, મેદાનની બહાર! ઇંગ્લેન્ડ સામે રમાયેલી એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ દરમિયાન તેણે આ ‘સિદ્ધ’ નોંધાવી છે. તેને એકમાત્ર ટ્વેન્ટી૨૦ મેચ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને તેણે મેચમાં ફક્ત એક ઓવર બોલિંગ કરી હતી. વાત અહીં પૂરી નથી થતી. આ ઓવર માટે વિક્રમજનક ૩૩,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડવો પડ્યો હતો. કોઇ એક ઓવર માટે માપવામાં આવેલો વિક્રમી સૌથી મોટો પ્રવાસ છે.
ક્વિન્સલેન્ડના આ લેગ સ્પિનરે ઇંગ્લેન્ડ સામે એક ઓવર નાખી હતી અને તેમાં તેણે ૧૯ રન આપ્યા હતા. કેપ્ટન સ્મિથે જણાવ્યું હતું કે બોયેસ આગામી વર્ષે રમાનારી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપ માટેની અમારી યોજનાનો એક ભાગ છે. તેથી તેને મેચ માટે બોલાવાયો હતો.
બોયેસ ગયા મહિને બ્રિસબેનથી ઓસ્ટ્રેલિયા-એ ટીમ સાથે વન-ડે શ્રેણી રમવા માટે ચેન્નઇ ગયો હતો. ત્યારબાદ તેણે પૂરા વિશ્વનું ચક્કર મારીને કાર્ડિફની યાત્રા કરી હતી. મેચ પૂરી થયા બાદ તે ક્વિન્સલેન્ડ પરત ફર્યો ત્યારે તેની પૂરી યાત્રાનું અંતર ૩૩,૦૦૦ કિલોમીટર થઇ ગયું હતું.
ઇંગ્લેન્ડ સામેની ટ્વેન્ટી૨૦ મેચમાં બોએસને ૧૪મી ઓવર સોંપવામાં આવી હતી, જે કોઇ પણ રીતે લેગ સ્પિનર માટે સારી રહી નહોતી. ઇયોન મોર્ગન તથા મોઇન અલીએ બે સિક્સર તથા એક બાઉન્ડ્રીની મદદથી ૧૯ રન બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter