નવી દિલ્હી: દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ડિએગો મારાડોનાની દુબઇમાંથી ચોરાયેલી મૂલ્યવાન ઘડિયાળ આસામમાંથી મળી છે. ચોરીની આ ઘટનાને અંજામ આપનાર ભારતીયને પોલીસે આસામથી ઝડપી લઇને ઘડિયાળ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી વાજીદ દુબઇમાં એક કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે કામ કરતો હતો અને તે કંપની આર્જેન્ટીનાના દિવંગત ફુટબોલરનું સંરક્ષણ કરતી હતી. મારાડોનાનું ગયા વર્ષે ૨૫ નવેમ્બરે ૬૦ વર્ષની વયે નિધન થયું છે. આસામ પોલીસનું કહેવું છે કે, કંપનીમાં થોડોક સમય કામ કર્યા બાદ વાજીદ ગયા ઓગસ્ટમાં આસામ આવી ગયો હતો. તેણે કિંમતી હુબોલ્ટ ઘડિયાળની ચોરી કર્યાની આશંકા હતી. દુબઇ પોલીસે આ અંગે ભારતને જાણ કરતાં આરોપીને ઘડિયાળ સાથે ઝડપી લેવાયો છે.