મિતાલી રાજ - ઝૂલન ગોસ્વામીએ એકસાથે ભારતના ત્રણ દિગ્ગજનો રેકોર્ડ તોડયો

Thursday 24th June 2021 12:16 EDT
 
 

બ્રિસ્ટલઃ ભારતીય વિમેન્સ ક્રિકેટની બે સ્ટાર ખેલાડ મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીએ ૧૬ જૂને એક એવો રેકોર્ડ સર્જ્યો હતો જે ઘણા ઓછા ખેલાડીઓ નોંધાવી શકતા હોય છે. મિતાલી અને ઝૂલને ભારત માટે સૌથી વધારે સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમનાર મહિલા ક્રિકેટર તરીકેનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ બંનેએ ૨૦૦૨માં એક સાથે પ્રથમ ટેસ્ટ રમી હતી અને હવે લોંગેસ્ટ કારકિર્દીની યાદીમાં આ બંને ખેલાડીએ નામ નોંધાવ્યું છે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હવે માત્ર સચિન તેંડુલકરની કારકિર્દી જ મિતાલી તથા ઝૂલન કરતાં વધારે લાંબી છે.
ઇંગ્લેન્ડ સામેની એક માત્ર ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરતાની સાથે જ મિતાલી અને ઝૂલનની ટેસ્ટ કારકિર્દીનો સમયગાળો ૧૯ વર્ષ અને ૧૫૪ દિવસનો થઇ ગયો હતો. આ મહિલા ક્રિકેટર્સ વેરા બર્ટ અને મેરી હાઇડ બાદ લોંગેસ્ટ સમય છે. ન્યૂઝીલેન્ડની વેરા બર્ટની કારકિર્દી ૨૦ વર્ષ ૩૩૫ દિવસ અને ઇંગ્લેન્ડની મેરી હાઇડની ૧૯ વર્ષ ૨૧૧ દિવસની રહી હતી.
મિતાલી અને ઝૂલનની ટેસ્ટ કારકિર્દી જેટલી લાંબી છે તેટલી તો ભારતીય મેન્સ ક્રિકેટર રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે તથા મહેન્દ્રસિંહ ધોની જેવા દિગ્ગજોની પણ નથી. કુંબલેની કારકિર્દી ૧૮ વર્ષ ૮૮ દિવસ, દ્રવિડની ૧૫ વર્ષ ૨૨૨ દિવસ, ગાંગુલીની ૧૨ વર્ષ ૧૪૩ દિવસની રહી છે. આ દરમિયાન દ્રવિડે ૧૬૪, કુંબલેએ ૧૩૨ તથા ગાંગુલીએ ૧૧૩ ટેસ્ટ રમી હતી. મિતાલી ૧૯૯૯ કરતાં લાંબા સમયથી વન-ડે ક્રિકેટ રમી રહી છે અને વિમેન્સ ક્રિકેટમાં તેના નામે લોંગેસ્ટ વન-ડે કારકિર્દીનો રેકોર્ડ પણ નોંધાયેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter