માયામી: આર્જેન્ટીનાના વિશ્વ કપ વિજેતા કેપ્ટન લિઓનેલ મેસીએ ઈન્ટર માયામી તરફથી નેશવિલે સામે કોન્કાકાફ ચેમ્પિયન્સ કપની મેચમાં ગોલ ફટકાર્યો હતો. આ સાથે જ તેણે કારકિર્દીમાં 900 ગોલ નોંધાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. મેસી ઓફિશિઅલ 900 ગોલના માઈલસ્ટોનને હાંસલ કરનારો રોનાલ્ડો પછીનો બીજો ફૂટબોલર બન્યો છે.‘કોન્કાકાફ’ એ ઉત્તર-મધ્ય અમેરિકા અને કેરિબીયન દેશોના ફૂટબોલ સંઘનું નામ છે. મેસીએ કારકિર્દીની 1142મી મેચમાં 900 ગોલ પૂરા કરવાની સિદ્ધિ મેળવી હતી. જ્યારે રોનાલ્ડોએ 900મો ગોલ 1236મી મેચમાં નોંધાવ્યો હતો. રોનાલ્ડોના હાલ 995 ગોલ છે અને તે 1000 ગોલના માઈલસ્ટોનની નજીક છે.


