મોઇન અલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ

Saturday 02nd October 2021 05:32 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હું મારી ટીમના સાથી ખેલાડીઓ સાથે બહાર ફરવાનું મિસ કરીશ. હું મારા સર્વશ્રેષ્ઠ બોલ પર કોઈને પણ આઉટ કરી શકતો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની મોઇનની જાહેરાત બાદ ઇંગ્લેન્ડ ટીમને તેની કમી વર્તાશે તેમાં બેમત નથી. તે સાત વર્ષથી ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ રમી રહ્યો હતો.
મોઈનની ટેસ્ટ કરિયર
સાત વર્ષ પહેલાં ૧૨ જૂન ૨૦૧૪ના રોજ મોઈન અલીએ શ્રીલંકા સામે લોર્ડ્સમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ઈંગ્લેન્ડ તરફથી અત્યાર સુધીમાં ૬૪ ટેસ્ટ મેચ રમ્યો છે. તેણે કુલ ૨૯૧૪ રન કર્યા છે અને ૧૯૫ વિકેટ ઝડપી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૫૫ રનનો છે. જ્યારે ૫૩ રનમાં ૬ વિકેટ તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. તેણે બીજી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ લંડનના ઓવલમાં ભારત સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.
ટેસ્ટ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો
મોઈન અલીએ ૨૦૧૯માં પાંચ ટેસ્ટ મેચ રમ્યા બાદ અનિશ્ચિતકાળ માટે બ્રેક લીધો હતો. ત્યાર બાદ ભારત પ્રવાસ વેળા તેનું ટીમમાં પુનરાગમન થયું હતું. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસમાં તેણે ત્રણ ટેસ્ટ મેચ રમી હતી. જોકે આ દરમિયાન તેનો દેખાવ સરેરાશ રહ્યો હતો.
એશિઝ પૂર્વે નિવૃત્તિની જાહેરાત
વર્ષના અંતમાં ઈંગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસે એશિઝ સિરીઝ રમવા માટે જશે, જેની શરૂઆત ડિસેમ્બરથી થઇ રહી છે. આ સમયે મોઈન અલીનું ટીમમાં ગેરહાજરી ઈંગ્લેન્ડ માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે કેમ કે મોઈન અલી બોલિંગની સાથે સાથે સારી બેટિંગ કરી જાણે છે.
હાલ આઇપીએલમાં રમે છે
મોઈન અલી હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧માં ધોનીની કેપ્ટન્સી હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે આ સીઝનમાં સીએસકે માટે ખૂબ સફળ રહ્યો છે. મોઈને આઇપીએલની આ સિઝનમાં ૯ મેચમાં ૨૬૧ રન કર્યા છે, જેમાં અડધી સદીનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter