યુએસ ઓપનઃ જોકોવિચ મેન્સ સિંગલ્સ ચેમ્પિયન

Tuesday 15th September 2015 09:13 EDT
 
 

ન્યૂ યોર્ક: યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવીને સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ટાઇટલ કબ્જે કર્યું છે. જોકોવિચે ફેડરરને ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી હરાવીને યુએસ ઓપનમાં બીજું ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે સાથે સ્વીસ ખેલાડી ફેડરરનું ૧૮મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સ્વપ્ન પણ રોળી નાંખ્યુ છે.
આ પહેલાં બંને વિમ્બલ્ડનની ફાઇનલમાં ટકરાયા હતા ત્યારે પણ જોકોવિચે ફેડરરને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે નોવાક જોકોવિચે યુએસ ઓપનમાં બીજું અને કારકિર્દીનું ૧૦મું ટાઇટલ જીત્યું છે. જોકોવિચ યુએસ ઓપનમાં ચાર વખત રનર-અપ રહી ચૂક્યો છે. ટાઇટલ જીતનાર નોવાક જોકોવિચને ૩૩ લાખ ડોલરની પ્રાઇસ મની મળી હતી. ફાઇનલ મુકાબલા પહેલાં વરસાદ શરૂ થતાં મેચ ત્રણ કલાક વિલંબથી શરૂ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં જોકોવિચ ૨૦૧૧માં યુએસ ઓપનમાં ચેમ્પિયન બન્યો હતો.
૧૭ ગ્રાન્ડ સ્લેમ જીતનાર રોજર ફેડરર છ વર્ષ બાદ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો. યુએસ ઓપનમાં પાંચ ગ્રાન્ડ સ્લેમ જીતનાર ફેડરરને અહીં છઠ્ઠું ટાઇટલ જીતવાની આશા હતી. જોકોવિચ આ વર્ષે જોરદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. જોકોવિચ આ વર્ષે ચારેય ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન અને યુએસ ઓપનનું ટાઇટલ જીત્યું હતું જ્યારે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં વાવરિંકા સામે હારી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter