યુરો કપ: યુક્રેનને કચડ્યા બાદ હવે ઇંગ્લેન્ડનો ડેન્માર્ક સામે ખરાખરીનો જંગ

Wednesday 07th July 2021 05:59 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ હવે વતન પરત ફરી છે, પરંતુ હારીને નહીં, પણ સેમિ-ફાઇનલ રમવા માટે પરત ફરી છે. યુરો કપ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડે હેરી કેનના શાનદાર પ્રદર્શનની મદદથી યુક્રેનને ૪-૦થી હરાવીને સેમિ-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અહીં તેનો મુકાબલો ડેન્માર્ક સામે થશે. ડેન્માર્કે અન્ય ક્વાર્ટર ફાઇનલમાં ચેક રાષ્ટ્રને ૨-૧થી હરાવ્યું હતું.
ઇંગ્લેન્ડની ટીમ વર્તમાન યુરો કપમાં તેના હોમ ગ્રાઉન્ડ પર એકેય મેચ રમી નહોતી, પરંતુ હવે બુધવારે તે વેમ્બલી સ્ટેડિયમ ખાતે ડેન્માર્ક સામે રમશે ત્યારે જીતવા માટે ફેવરિટ રહેશે.
હેરી કેન શનિવારે યુક્રેન સામેની મેચમાં હીરો પુરવાર થયો હતો. તેણે મેચમાં બે ગોલ નોંધાવ્યા હતા. મેચ બાદ તેણે જણાવ્યું હતું કે હું હંમેશા કહેતો આવ્યો છું કે યોગ્ય સમયે યોગ્ય ફોર્મ દાખવવું જોઇએ અને અમારા માટે આ યોગ્ય સમય છે. શનિવારે મેચની ચોથી મિનિટે જ ઇંગ્લેન્ડને ગોલની તક સાંપડી હતી. રહીમ સ્ટર્લિંગના પાસને તેણે ગોલમાં ફેરવી નાંખ્યો હતો. આમ તેણે બે મેચમાં બે ગોલ કર્યા હતા. વિરામ સમય સુધીમાં ઇંગ્લેન્ડ ૧-૦ની સરસાઇ પર હતું. હાફ ટાઇમ બાદ ઇંગ્લેન્ડ વધુ આક્રમક બન્યું હતું. બીજા હાફની દસ સેકન્ડ બાદ હેરી કેનને ફાઉલ મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, યુરો કપ ચેમ્પિયનશિપમાં આ એકમાત્ર મેચ એવી હતી જે ઈંગ્લેન્ડે વેમ્બ્લિ સ્ટેડિયમની બહાર રમી હતી. આ મેચમાં જ તેણે સૌથી વધુ દબદબાભેર પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડની આ સતત પાંચમી મેચ છે, જેમાં તેણે વિરોધી ટીમને એક પણ ગોલ કરવા દીધો નહોતો. બીજી તરફ ૧૯૬૬ના ફૂટબોલ વર્લ્ડ કપ બાદ આ પહેલી વાર ઈંગ્લેન્ડે કોઈ મોટી ટૂર્નામેન્ટમાં વિરોધી ટીમ સામે નોકાઉટ મેચમાં ચાર ગોલ કર્યા હતા. ૧૯૬૬માં તેણે પશ્ચિમ જર્મનીને ૪-૨થી હરાવ્યું હતું.
મેનેજરની ટાઈનો ટોટકો ફળ્યો?!
ઈંગ્લેન્ડના ચાહકો માને છે કે, ઈંગ્લેન્ડની ટીમના મેનેજર ગેરેથ સાઉથગેટ દ્વારા કરવામાં આવેલો ટોટકો પણ ટીમને મહત્વની મેચમાં વિજય અપાવવામાં સફળ સાબિત થયો છે. યુક્રેન સામેની મેચ દરમિયાન ગેરેથ દ્વારા નેવી બ્લૂ કલરની પોલકા ડોટવાળી ટાઈ પહેરવામાં આવી હતી. તેણે આ ટાઈ પહેરી હોવાથી ટીમ જીતી હતી. આ પહેલાં ૨૦૧૮ના વર્લ્ડ કપની એક મેચમાં ગેરેથે આવી જ ટાઈ પહેરી હતી અને ટીમ જીતી હતી. લોકોએ એવું પણ કહ્યું હતું કે, વર્તમાન ટૂર્નામેન્ટમાં સ્કોટલેન્ડ સામેની મેચમાં ગેરેથે આવી ટાઈ નહોતી પહેરી તેના કારણે મેચ ૦-૦થી ટાઈ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ ટીમના મેનેજરના કપડાં અને ટીમની હારજીત અંગેના અનેક ટોટકા ફરતા થયા હતા.
૧૯૯૬ પછી પહેલી વાર ઈંગ્લેન્ડ સેમિ-ફાઇનલમાં
યુક્રેન સામેની મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ પહેલેથી જ એટેકિંગ વલણ દાખવ્યું હતું. હેરી કેન દ્વારા મેચની ચોથી જ મિનિટે ગોલ કરવામાં આવ્યો હતો જેનો તેમની ટીમને ખૂબ જ મોટો મનોવૈજ્ઞાનિક ફાયદો મળ્યો હતો. ત્યારબાદ યુક્રેન દ્વારા એટેકના કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા પણ નિષ્ફળ ગયા હતા. આ પછી ફરીથી પાંચ જ મિનિટમાં ઈંગ્લેન્ડે વધુ બે ગોલ ફટકારી દીધા હતા.
મેચની ૪૬મી મિનિટે મેગુઆર અને હેરી કેને ૫૦મી મિનિટે ગોલ કરી દીધો હતો. આ સિવાય જોર્ડન હેન્ડરસને ૬૩મી મિનિટે ગોલ કરીને ઈંગ્લેન્ડને ૪-૦ની અજેય લીડ અપાવી દીધી હતી.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, ઈંગ્લેન્ડ આ પહેલાં ૧૯૯૬માં યુરો કપની ફાઈનલમાં પહોંચ્યું હતું. હવે તેની સામે ૧૯૯૬ના ટાઈટલ વિજયનું પુનરાવર્તન કરી શકાય તેવો મોટો અવસર છે. 
બીબીસી ઉપર રેકોર્ડ બ્રેક દર્શકો
ઈંગ્લેન્ડ અને યુક્રેન વચ્ચેની સેમિ-ફાઈનલના વ્યૂ પણ ખૂબ જ વધારે આવ્યા હતા. બીબીસીએ જણાવ્યું કે, બંને વચ્ચેની મેચ ૨૦.૯ મિલિયન લોકોએ બીબીસીના પ્લેટફોર્મ દ્વારા લાઈવ નિહાળી હતી. વર્ષ ૨૦૨૧માં ટીવી ઉપર સૌથી મોટી સંખ્યામાં જોવા આવેલી આ ઈવેન્ટ બની હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter