યુવરાજની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

Wednesday 12th June 2019 05:43 EDT
 
 

મુંબઈઃ કેન્સરની જીવલેણ બીમારી સામે વિજય હાંસલ કર્યાના આઠ વર્ષ બાદ યુવરાજે સોમવારે અનેક ચડાવઉતાર ધરાવતી પોતાની કારકિર્દીને અલવિદા કરી દીધી છે. યુવરાજે મુંબઇમાં સોમવારે પત્રકાર પરિષદ યોજીને આ જાહેરાત કરી હતી ત્યારે માતા અને પત્ની પણ તેની સાથે હતા. તેણે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી આ અંગે પરિવારજનો સાથે નિવૃત્તિ અંગે ચર્ચા કરતો હતો. આખરે તેણે નિર્ણય લઇ લીધો છે. આ પ્રસંગે કારકિર્દીની ઝલક દર્શાવતી ફિલ્મ પ્રદર્શિત થઇ ત્યારે યુવરાજની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા.
યુવરાજનું સૌથી મોટું યોગદાન ભારતને ૨૦૧૧ના વર્લ્ડ કપને જીતાડવાનું છે. વન-ડે ક્રિકેટનો પ્રતિભાશાળી ખેલાડી ગણાતા યુવરાજે ટેસ્ટ ક્રિકેટમાં અપેક્ષા મુજબનો દેખાવ નહીં કરી શકવાના અફસોસ સાથે નિવૃત્તિ જાહેર કરી હતી. ડાબોડી બેટ્સમેને ક્રિકેટને અલવિદા કરતાં પહેલા ઘણી વખત કપરી પરિસ્થિતિને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો.
યુવરાજે જણાવ્યું હતું કે ૨૫ વર્ષ સુધી ૨૨ ગજની પિચની આસપાસ રહ્યા બાદ અને લગભગ ૧૭ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા બાદ હવે આગળ વધવાનો સમય પાકી ગયો છે. ક્રિકેટ મને ઘણું બધું આપ્યું છે અને આ કારણથી આજે હું અહીંયા છું. ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતવો, મેન ઓફ ધ સિરીઝ બનવું, ચાર મેન ઓફ ધ મેચ એવોર્ડ મેળવવા તે બધું સ્વપ્નસમાન લાગે છે.
તેણે કહ્યું હતું કે કેન્સરથી પીડિત હોવાના કારણે મારે કપરી સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. જ્યારે મારી કારકિર્દી ચરમસીમા ઉપર હતી ત્યારે આ બાબત બની હતી. મને મારા પરિવારજનો તથા મિત્રો તરફથી મળેલા સહકારને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. મારી બીમારીના સમયે બીસીસીઆઈ પણ મારી પડખે ઊભું રહ્યું હતું.
યુવરાજે સૌરવ ગાંગુલી તથા મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના પસંદગીના સુકાની બતાવ્યા હતા. પોતાની કારકિર્દી દરમિયાન રમવા માટે સૌથી કપરાં બોલર તરીકે યુવીએ શ્રીલંકાના મુરલીધરન્ તથા ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાના નામ આપ્યા હતા. યુવરાજે જણાવ્યું હતું કે ક્રિકેટ સાથેનો મારે પ્રેમ તથા નફરત જેવો સંબંધ રહ્યો હતો. આ રમતમાં મેં જેટલી સફળતા હાંસલ કરી તેના કરતાં નિષ્ફળતા વધારે મળી છે, જોકે મેં ક્યારેય હાર માની નહોતી.

ફેરવેલ મેચ માટે ‘ઓફર’ મળી હતી

ભારતને ૨૦૦૭માં વર્લ્ડ ટી૨૦ તથા ૨૦૧૧માં આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનારા યુવરાજે પોતાની નિવૃત્તિની જાહેરાત કરતી વખતે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો કે મને ફેરવેલ મેચ રમવાની તક ઓફર કરાઈ હતી. જોકે તેની સામે યો યો ટેસ્ટમાં ફેઇલ થવાની શરત પણ રાખવામાં આવી હતી. યુવરાજે જણાવ્યું હતું કે મને કહેવાયું હતું કે તને ફેરવેલ મેચ રમવાની તક મળશે, પરંતુ તેની સામે તે યો યો ટેસ્ટ પાસ કરશે નહીં. આ ઓફરનો યુવરાજે એવો જવાબ આપ્યો હતો કે જો હું યો યો ટેસ્ટમાં નિષ્ફળ જઈશ તો જાતે જ ક્રિકેટ છોડી દઈશ. યુવરાજે તે સમયે યો યો ટેસ્ટ પાસ કર્યો હતો, પરંતુ પસંદગીકારો તરફથી તેની સતત અવગણના થઈ હતી. હું કોઇ વિવાદ થાય તેમ ઇચ્છતો નહોતો. યુવરાજે ૨૦૧૭માં પોતાની ફિટનેસ પુરવાર કરી હતી. તેણે ૨૦૧૭માં બેંગ્લોર ખાતેની એનસીએમાં પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી હતી. યો યો ટેસ્ટમાં યુવરાજનો સ્કોર ૧૬.૩નો રહ્યો હતો. નોંધનીય છે કે યો યો ટેસ્ટમાં કટ ઓફ સ્કોર ૧૬.૧ હોય છે. યુવરાજનું આ નિવેદન ભારતીય ટીમ મેનેજમેન્ટ ઉપર સીધો પ્રશ્નાર્થ કરે છે.

ફ્લિન્ટોફ પરનો આક્રોશ બ્રોડ પર ઠાલવ્યો

ભારતીય ટીમે જીતેલી તમામ મોટી ટૂર્નામેન્ટમાં યુવરાજની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે. નેટ વેસ્ટ ટ્રોફીની ફાઈનલ હોય કે ૨૦૦૭નો ટી૨૦ વર્લ્ડ કપ કે પછી ૨૦૧૧નો વન-ડે વર્લ્ડ કપ યુવરાજ ચોમેર છવાયેલો રહ્યો હતો. ૨૦૦૭માં પ્રથમ ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન સાઉથ આફ્રિકામાં ૧૧થી ૨૪ સપ્ટેમ્બર કરાયું હતું. ટૂર્નામેન્ટમાં યુવીએ જે ઇતિહાસ રચ્યો હતો તેની તેને ખુદને પણ આશા નહોતી. ૧૯મી સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડ સામેની મેચમાં ફિલન્ટોફ સાથે યુવરાજને ચાલુ મેચે બોલાચાલી થઇ હતી. ૧૯મી ઓવર સ્ટુઅર્ટ બ્રોડે નાખી હતી અને તમામ છ બોલમાં અમ્પાયરે સિક્સર આપવા માટે બન્ને હાથ ઉપર કરવા પડ્યા હતા.

કેન્સરની બીમારી સામે જંગ જીત્યો

૨૦૧૧ના વર્લ્ડ કપ દરમિયાન યુવરાજે કેન્સરની જીવલેણ બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. જોકે તેણે આ બાબતની કોઈને જાણ થવા દીધી નહોતી. ઓસ્ટ્રેલિયા સામેની ક્વાર્ટર ફાઇનલ પહેલા તબીબોએ તેને મેચ નહીં રમવાની સલાહ આપી હતી. જોકે તે માત્ર મેદાનમાં જ ઊતર્યો નહોતો, પરંતુ ભારતના વિજયનો હીરો પણ રહ્યો હતો. તેણે મેચમાં ૫૭ રનનો ઇનિંગ્સ રમી હતી.

આંકડાઓમાં યુવરાજ

યુવરાજે ૪૦ ટેસ્ટની ૬૨ ઇનિંગ્સમાં ૩૩.૯૨ની એવરેજથી ૧૯૦૦ રન બનાવ્યા હતા. તેમાં ત્રણ સદી તથા ૧૧ અડધી સદી પણ સામેલ છે. તેણે ૩૦૪ વન-ડેની ૨૭૮ ઇનિંગ્સમાં ૩૬.૫૫ની એવરેજથી ૮૭૦૧ રન ફટકાર્યા હતા. જેમાં તેણે ૧૪ સદી તથા બાવન અડધી સદી પણ નોંધાવી હતી. યુવરાજે ૫૮ ટી૨૦ મેચો પણ રમી છે. તેમાં ૨૮.૦૨ની એવરેજથી ૧૧૭૭ રન બનાવ્યા હતા. યુવરાજે ટેસ્ટમાં ૯, વન-ડેમાં ૧૧૧ તથા ટી૨૦ ઇન્ટરનેશનલમાં ૨૮ વિકેટો પણ હાંસલ કરી હતી.
• વન-ડેમાં ૮,૦૦૦ રન તથા ૧૦૦ વિકેટ ઝડપનાર નવ ખેલાડીઓમાં યુવરાજ સામેલ છે. તેણે ૮૭૦૧ રન નોંધાવવા ઉપરાંત ૩૮.૬૮ની સરેરાશથી ૧૧૧ વિકેટ હાંસલ કરી હતી. • વર્લ્ડ કપમાં ૫૦૦ રન તથા ૨૦ વિકેટ ઝડપનાર સાત ખેલાડીઓમાં યુવરાજનો સમાવેશ થાય છે. તેણે ત્રણ વર્લ્ડ કપની ૨૩ મેચમાં કુલ ૭૩૮ રન ઉપરાંત ૨૦ વિકેટ ખેરવી હતી. • ૨૭ વન-ડે ક્રિકેટમાં યુવરાજે કુલ ૨૭ મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા છે. યાદીમાં તે સચિન (૬૨), કોહલી (૩૨) તથા ગાંગુલી (૩૧) બાદ ચોથા ક્રમે છે. ટી૨૦માં તેણે સાત મેન ઓફ ધ મેચના એવોર્ડ જીત્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter