રંગ છે તને ટીમ ઇંડિયા: ઇંગ્લેન્ડને હરાવી વન-ડે સિરીઝ પણ કબ્જે કરી

Wednesday 31st March 2021 09:32 EDT
 
 

પૂણેઃ પહેલા ટેસ્ટ સિરીઝ, પછી ટ્વેન્ટી૨૦ સિરીઝ અને હવે વન-ડે સિરીઝ. ભારતે ઘરઆંગણે ઈંગ્લેન્ડને હરાવીને ત્રીજી સીરિઝ પણ કબ્જે કરી છે. રવિવારે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રવિવારે રમાયેલી વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી દિલધડક રહી હતી. અંતે ટીમ ઈન્ડિયાનો સાત રનથી વિજય નોંધાયો હતો.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ દાવ લેવા આમંત્રણ આપ્યું હતું, જેમાં ભારત ૪૮.૨ ઓવરમાં ૩૨૯ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ઇંગ્લેન્ડ ૫૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવી ૩૨૨ રન નોંધાવી શક્યું હતું. ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ૮૩ બોલમાં ૯૫ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. આ સાથે ભારતે ત્રણ વન ડે મેચની સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. ઇંગ્લેન્ડ તરફથી કરન ઉપરાંત મલાને ૫૦ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.
રોહિત શર્મા અને શિખર ધવનની મજબૂત ઓપનિંગ પાર્ટનરશિપ તથા મિડલ ઓર્ડરમાં પંત અને હાર્દિકની ૯૯ રનની ઝડપી ભાગીદારીની મદદથી ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ૩૩૦ રનનો મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ આપ્યો હતો.
ભારતે ઈંગ્લેન્ડ સામે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી. શિખર ધવને અર્ધસદી લગાવી તેમ છતાં ભારતે ૧૫૭ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડયા અને રિષભ પંતે ૭૩ બોલમાં ૯૯ રનની ઝડપી ભાગીદારી નોંધાવી હતી. બોલિંગમાં ભુવનેશ્વર અને શાર્દુલે ત્રણ અને ચાર વિકેટ ઝડપીને બાજી મારી હતી.

પંતની સતત બીજી ફિફ્ટી
ભારતીય વિકેટકીપર અને તોફાની બેટ્સમેન રિષભ પંત ૬૨ બોલમાં ૭૮ રન નોંધાવીને કરનના બોલ પર કેચઆઉટ થયો હતો. તેણે હાર્દિક પંડયા સાથે મળીને પાંચમી વિકેટ માટે ૯૯ રનની ભાગીદારી નોંધાવી હતી. પંતે પોતાની કેરિયરની ત્રીજી અર્ધ સદી નોંધાવી હતી. આ સિરીઝમાં તેણે સતત બીજી અર્ધસદી નોંધાવી છે. બીજી વનડેમાં પંતે ૭૭ રન નોંધાવ્યા હતા.

ડીઆરએસે અપાવી બટલરની વિકેટ
૧૦૦ રનની અંદર ઇંગ્લેન્ડે ચાર વિકેટ ગુમાવી દીધી હતી. શાર્દૂલ ઠાકુરે ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને ૧૫ રન પર એલબીડબ્લ્યૂ આઉટ કર્યો હતો. પહેલાં તો ગ્રાઉન્ડ અમ્પાયરે બટલરને નોટઆઉટ આપ્યો હતો. જોકે કેપ્ટન કોહલીએ ડીઆરએસ લીધું હતું. ત્રીજા અમ્પાયરે ટીવી રિપ્લે જોઈને બટલરને આઉટ આપ્યો હતો. આ અગાઉ ૬૮ રનના સ્કોર પર ઇંગ્લેન્ડની ત્રીજી વિકેટ બેન સ્ટોક્સની પડી હતી.
ફાસ્ટ બોલર ટી. નટરાજને સ્ટોક્સને ૩૫ રનના સ્કોર પર શિખર ધવનના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ૩૧ ઓવરના અંતે ઇંગ્લેન્ડે સાત વિકેટ ગુમાવીને ૨૦૦ રન કર્યા હતા. ૩૧મી ઓવરમાં ભુવનેશ્વરે મોઇનને ૨૯ રન પર હાર્દિક પંડયાના હાથે ઝીલાવી દીધો હતો. ત્યારે ભુવી અને શાર્દૂલે ૩-૩ અને નટરાજને એક વિકેટ ઝડપી હતી.
૩૪મી ઓવરના પાંચમા બોલે સેમ કરનને જીવતદાન મળ્યું હતું. પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગમાં હાર્દિક પંડયાએ બાઉન્ડ્રી પર આસાન કેચ છોડયો હતો. ત્યારે કરન ફક્ત ૨૨ રન પર રમતો હતો. ભારતને આ ચૂક ભારે પડી હતી, અને કરને આક્રમક બેટિંગ કરીને છેલ્લે સુધી લડત આપી હતી.

રોહિત-ધવનની જોડી નંબર-ટુ ઉપર
રોહિત શર્મા અને શિખર ધવન દુનિયાની બીજી ઓપનિંગ જોડી છે જેમની વચ્ચે ૧૭ વાર ૧૦૦થી વધારે રનની ભાગીદારી નોંધાઈ છે. બન્નેએ ૧૧૨ વન-ડેમાં સાથે ઓપનિંગ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડનને પાછળ છોડીને તેઓ બીજા સ્થાન પર આવી ગયા છે. ઓસ્ટ્રેલિયન ઓપનરોએ ૧૬ વાર આ સિદ્ધિ હાંસલ કરી છે. જોકે નંબર એકનો વર્લ્ડ રેકોર્ડ સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરના નામ પર છે. આ જોડીએ ૧૭૬ વન-ડેમાં સાથે ઓપનિંગ કરીને ૨૧ વાર ૧૦૦થી વધારે ભાગીદારી કરી છે.

૨૦૦ વન-ડેમાં સુકાન સંભાળનારો કોહલી
રવિવારે કેપ્ટન કોહલી ત્રીજી વન-ડે માટે ટોસ ઉછાળવા પૂણેના મેદાનમાં પ્રવેશ્યો ત્યારે તેણે વધુ એક સિદ્ધિ નોંધાવી હતી. હવે તે એવો ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો છે જેણે ૨૦૦ કે તેથી વધુ વન-ડે ઇન્ટરનેશનલ માટે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હોય. તેના અગાઉ મહેન્દ્રસિંહ ધોની ૩૩૨ મેચમાં અને મોહમ્મદ અઝરુદ્દીન ૨૨૧ મેચમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. જોકે રવિવારે કોહલીનું બેટ ચાલ્યું ન હતું. ૧૦ બોલમાં ફક્ત સાત રન બનાવીને આઉટ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter