રાજસ્થાન રોયલ્સના સોદામાંથી પૂર્વ સ્પિનર શેન વોર્નના પરિવારને મળશે રૂ. 450 કરોડ

Wednesday 01st April 2026 06:51 EDT
 
 

નવી દિલ્હી: આઇપીએલ માટે ગયા મંગળવારનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો. ટૂર્નામેન્ટની બે મોટી ફેન્ચાઇઝીઓ રાજસ્થાન રોયલ્સ અને આરસીબીના માલિકો બદલાઈ ગયા હતા. રાજસ્થાન રોયલ્સને NRI બિઝનેસમેન કાલ સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે ખરીદી લીધી હતી. રાજસ્થાન રોયલ્સ અને સોમાનીની ડીલ બાદ અચાનક જ ઓસ્ટ્રેલિયાનો દિવંગત ક્રિકેટર શેન વોર્ન ચર્ચામાં આવ્યો છે.
વોર્નના પરિવારને આ નવી ડીલથી 450 કરોડ જેટલી રકમ મળે તેવી સંભાવના છે. 2008માં આઈપીએલના પહેલા સત્રમાં વોર્ન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે જોડાયો હતો અને ત્યારે વોર્ને કથિત રીતે પોતાના કોન્ટ્રાક્ટમાં એવી શરત સામેલ કરાવી હતી, જે લગભગ બે દાયકા બાદ તેના પરિવારને મોટી નાણાકીય ભેટ આપનાર છે. આ ક્લોઝ ત્યારે એક્ટિવ થઈ હતી જયારે સોમાનીના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમે 1.63 બિલિયન ડોલરની બોલી (લગભગ 15,290 કરોડ) લગાવીને ફ્રેન્ચાઈઝી ખરીદી લીધી હતી.
2008માં ફ્રેન્ચાઈઝીએ જ્યારે વોર્નને ટીમમાં સામેલ કર્યો હતો ત્યારે તેને કેપ્ટન તરીકે જ નહીં પરંતુ ફેન્ચાઈઝીમાં ક્રિકેટ સંચાલનની પણ સત્તા અપાઈ હતી. આ સોદાના એક ભાગરુપે વોર્નને ટીમ માટે રમાયેલા દરેક વર્ષ માટે 0.75 ટકા માલિકીની ભાગીદારી અપાઈ હતી. વોર્ને એક વાર ધ હેરાલ્ડ સનને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે મારી ડીલનો હિસ્સો એ હતો કે તેમણે મને કેપ્ટન, કોચ અને મારી મરજી પ્રમાણે ક્રિકેટ ટીમ ચલાવવા કહ્યું હતું. આ એક વનસ્ટોપ શોપ હતી.
વોર્ન ફ્રેન્ચાઇઝી સાથે ચાર સીઝન રહ્યો હતો જેમાં 2008માં ટીમને ચેમ્પિયન બનાવવી સામેલ હતી. ચાર વર્ષ ફ્રેન્ચાઈઝી સાથે રહેવા અને 0.75 ટકા દરેક સીઝનની માલિકી હક સાથે તેની કુલ ભાગીદારી વધીને 3 ટકા થઈ ગઈ
હતી અને હવે જ્યારે ટીમ વેચાઇ ગઈ છે ત્યારે તેની માલિકી ભાગીદારી અનુસાર તે રકમ લગભગ 450-460 કરોડ જેટલી થવા પામે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter