રાદૂકાનૂએ રચ્યો ઇતિહાસઃ ૫૩ વર્ષ બાદ બ્રિટન માટે યુએસ ઓપન વિમેન્સ ટાઇટલ જીત્યું

Wednesday 15th September 2021 09:44 EDT
 
 

ન્યૂ યોર્કઃ બ્રિટનની ૧૮ વર્ષની એમ્મા રાદૂકાનૂએ યુએસ ઓપન ટેનિસ ટાઇટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે ૫૩ વર્ષ બાદ બ્રિટન માટે આ ખિતાબ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. ૨૦૧૨માં એન્ડી મરેએ આ ટ્રોફી હાંસલ કરી હતી તેના પછી એમ્મા બીજી બ્રિટિશર બની છે, જેણે યુએસ ઓપન સિંગલ્સ ખિતાબ હાંસલ કર્યો હોય.
એમ્માની ખાસ બાબત એ છે કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તે અજેય રહી અને તેણે એક પણ સેટ ગુમાવ્યો ન હતો. આ સાથે જ તેણે સતત ૨૦ સેટ જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. યુએસ ઓપનની ફાઇનલમાં એમ્માએ કેનેડાની ૧૯ વર્ષની લીલહ ફર્નાન્ડિઝને એક કલાક અને ૫૧ મિનિટના મુકાબલામાં ૬-૪, ૬-૩થી સીધા સેટમાં પરાજિત કરીને આ પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમને પોતાના નામે કર્યું હતું. નોંધનીય છે કે બન્ને યુવાન ખેલાડીઓ પ્રથમવાર કોઇ ગ્રાન્ડ સ્લેમમાં પહોંચી હતી. વિજેતા એમ્માને ૨.૫ મિલિયન ડોલર પ્રાઇસ મની અને ટ્રોફી હાંસલ થઇ છે.
આ રોમાંચક મુકાબલા દરમિયાન એક અઘરા શોટ માટે એમ્માએ સ્લાઈડ મારી હતી અને તેને કારણે તેના પગમાં વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું. જોકે મેડિકલ બ્રેક બાદ તે તરત કોર્ટ પર પરત આવી ગઈ હતી અને ફાઇટરની જેમ રમી હતી. સમગ્ર રમત દરમિયાન એમ્માએ લીલહને પોતાની ઉપર હાવી થવાની એક પણ તક આપી ન હતી.

ક્વીને આપ્યા અભિનંદન
૧૮ વર્ષની એમ્મા યુએસ ઓપનના વિજય સાથે સમગ્ર બ્રિટનની લાડકી થઇ ગઈ છે. ન્યૂ યોર્કમાં એમ્માના વિજયને બ્રિટિશરોએ અભૂતપૂર્વ ઉમળકા સાથે વધાવ્યો હતો અને તેની આગેવાની મહારાણી એલિઝાબેથ-દ્વિતીયે લીધી હતી. મહારાણીએ એમ્માને પાઠવેલા એક મેસેજમાં જણાવ્યું હતું કે તારી સફળતાને મારા અભિનંદન. યુવાન વયે તારી આ નોંધપાત્ર સિદ્ધિ છે, જે અથાક મહેનત અને સમર્પણનું પરિણામ છે. બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ ટ્વિટ કરીને એમ્માને અભિનંદન પાઠવ્યાં હતાં.

શારાપોવા પછી એમ્મા
અત્રે નોંધનીય છે કે ૧૯૯૯ પછી આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે યુએસ ઓપનની ફાઇનલમાં બન્ને ખેલાડી ટીનેજર હતી. મોટા ગ્રાન્ડ સ્લેમની ફાઈનલમાં બન્ને ખેલાડી ટીનેજર્સ હોય તેવું જવલ્લે જ જોવા મળે છે અને આ મેચ આવી જ હતી. આ અગાઉ ૧૯૯૯માં ૧૭ વર્ષની સેરેના વિલિયમ્સ અને ૧૮ વર્ષની માર્ટિના હિંગીસ આમનેસામને ટકરાયાં હતાં. ૨૦૦૪ની વિમ્બલ્ડનમાં ૧૭ વર્ષની મારિયા શારાપોવાએ ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતું. શારાપોવા પછી એમ્મા સૌથી નાની વયે ગ્રાન્ડ સ્લેમ જીતનારી બીજી મહિલા ખેલાડી બની છે. સાથે ૧૯૭૭માં વિમ્બલ્ડનમાં વર્જીનિયા વેડની પછી ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતવાવાળી એમ્મા રાદૂકાનૂ પ્રથમ બ્રિટિશ મહિલા પણ છે.

રેન્કિંગમાં છલાંગ
કેટલાક દિવસો અગાઉ રાદૂકાનૂની રેન્કિંગમાં ૧૫૦મા ક્રમે હતી અને લગભગ બે સપ્તાહ અગાઉ ભાગ્યે જ કોઇ તેનું નામ જાણતું હતું. જોકે સેમિ-ફાઇનલમાં ૧૭મા ક્રમે રહેલી મારિયા સકારીને ૬-૧, ૬-૪થી આસાનીથી હરાવીને ફાઇનલમાં પહોંચી ત્યારે વિશ્વભરના ટેનિસ ચાહકો અને વિશ્લેષકોનું ધ્યાન ખેંચાયું હતું. યુએસ ઓપન એમ્માની કેરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ છે અને આ જીત સાથે તે કેરિયરના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ ઉપર પહોંચી ગઇ છે. હવે તે રેન્કિંગમાં ૨૩મા સ્થાને છે. એમ્મા ક્વોલિફાયર રમ્યા બાદ ગ્રાન્ડ સ્લેમ જીતનારી પ્રથમ ટેનિસ ખેલાડી બની છે. તેના પહેલાં પુરુષ કે મહિલા બન્ને સેગમેન્ટમાં કોઇ પણ ક્વોલિફાયર આવી કમાલ દેખાડી શક્યા નથી.

મહિલા ટેનિસનું ભાવિ શાનદારઃરાદૂકાનૂ
એમ્માએ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફીને હાથમાં લેતાં જણાવ્યું હતું કે મહિલા ટેનિસનું ભવિષ્ય અને હાલમાં ખેલનું ઊંડાણ શાનદાર છે. મને લાગે છે કે મહિલા ડ્રોમાં સામેલ દરેકે દરેક ખેલાડીની પાસે ટૂર્નામેન્ટ જીતવાનો મોકો હતો.
એમ્માએ યુએસ ઓપનમાં અદભુત દેખાવ માટે લીલહ ફર્નાન્ડિઝને પણ અભિનંદન આપ્યા હતાં અને ઉમેર્યું હતું કે મને આશા છે કે ભવિષ્યમાં આ કેનેડિયન સ્ટાર સામે ટકરાવાની મને વારંવાર તક મળશે. તેણે ઉમેર્યું હતું કે લીલહ હંમેશા એક મહાન હરીફ બનશે.

ફાઇનલમાં ફરી આવીશઃ લીલહનો આશાવાદ
ઐતિહાસિક મેચના ટ્રોફી વિતરણ સમારોહ દરમિયાન પરાજિત લીલહ ફર્નાન્ડિઝે ભગ્નહૃદયે આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે મને આશા છે કે હું અહીં ફરીથી ફાઇનલમાં જગા બનાવીશ અને મારા હાથમાં યોગ્ય ટ્રોફી હશે. તેણે ૯/૧૧ ટેરર એટેકને યાદ કરતાં જણાવ્યું હતું કે તેને આશા છે કે પોતે પણ ન્યૂ યોર્કવાસીઓની માફક મજબૂત બની શકશે. તેણે જણાવ્યું હતું કે મને ખબર છે કે આજનો દિવસ ન્યૂ યોર્કવાસીઓ માટે અને સમગ્ર અમેરિકા માટે મુશ્કેલ છે. હું આશા રાખું કે હું પણ ન્યૂ યોર્ક પાછલા ૨૦ વર્ષથી છે તેવી જ મજબૂત બની શકું. આઇ લવ યુ ન્યૂ યોર્ક... આવતા વર્ષે તમને જોવાની આશા છે. જોકે પરાજય છતાં કેનેડિયન ટીનેજ પોતાની બ્રિટિશ હરીફને જીત માટે અભિનંદન આપવાનું ચૂકી નહોતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter