રિયો ઓલિમ્પિક મશાલનું અનાવરણ

Saturday 11th July 2015 07:43 EDT
 
 

રિયોઃ આવતા વર્ષે બ્રાઝિલના રિયો શહેરમાં ઓલિમ્પિક્સ યોજાશે. આ રમતોત્સવના ૩૯૯ દિવસ પૂર્વે ઓલિમ્પિક ગેમ્સની મશાલની ડિઝાઇન બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે બ્રાઝિલના પ્રેસિડેન્ટ દિલમા રોઉસેફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓલિમ્પિક માટેની મશાલની ડિઝાઇન સેલેસ એન્ડ હયાશી નામની સ્થાનિક કંપનીએ બનાવી છે. ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ પાંચ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ થશે.
રમતના આયોજકોએ જણાવ્યું હતું કે, બ્રાઝિલની કુદરતી સંપત્તિ અને બ્રાઝિલના લોકોની કોમી એકતાની વિવિધતા અને શક્તિ દર્શાવતા થીમના આધારે આ ડીઝાઇન તૈયાર કરાઇ છે, જેમાં ઓલિમ્પિક ગેમ્સના જુસ્સાનું નિરુપણ કરાયું છે. એલ્યુમિનિયમ અને રેઝિનમાંથી આ ટોર્ચનું નિર્માણ કરાયું છે. તેના જુદા-જુદા તબક્કા પણ તૈયાર કરાયા છે, જેમાં જમીન, દરિયો, પર્વતો, આકાશ અને સૂર્યને સમાવાયા છે. બ્રાઝિલના રાષ્ટ્રધ્વજમાં સમાવિષ્ટ રંગોનો પણ તેમાં ઉપયોગ કરાયો છે અને લીલો, પીળો, વાદળી અને સફેદ રંગથી તેને મઢવામાં આવી છે. આ ટોર્ચ ઓલિમ્પિક ગેમ્સની ઉત્કૃષ્ટતા, મિત્રતા અને ગૌરવના મુલ્યો પ્રતિબિંબિત કરે એ રીતે તેને તૈયાર કરાઈ છે.

મશાલ વિશે જાણવા જેવું
• ટોર્ચ રિલે બ્રાઝિલિયાથી શરૂ થશે અને ૧૦૦ દિવસ ચાલશે • ૧૨,૦૦૦ ટોર્ચ બેરર દ્વારા તેને ૩૦૦ શહેરોમાં લઇ જશે • બ્રાઝિલના ૨૬ રાજ્યોમાં અને ફેડરલ જિલ્લામાં ટોર્ચ રિલે કરાશે • ટોર્ચ બેરરની પસંદગી બે મહિના પછી શરૂ કરાશે • આવતા વર્ષના મે મહિનાથી ટોર્ચ વિશ્વના વિવિધ શહેરોમાં ફરશે • વિશ્વના ૧૯ સંવેદનશીલ શહેરોમાં વિશેષ સુરક્ષા સાથે યાત્રા • મશાલ વિશ્વમાં ૨૮,૦૦૦ કિમી ફરશે • દરેક ટોર્ચ બેરર ૩૦૦ મીટર સુધી તેને લઈને દોડશે • ૫ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ ઓપનિંગ સેરેમની


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter