રિયો પેરાલિમ્પિકમાં ગાંધીનગરના દેવેન્દ્ર ઝાઝરિયાને ગોલ્ડ મેડલ

Thursday 15th September 2016 04:38 EDT
 
 

રિયો ડી જાનેરોઃ ભારતના દેવેન્દ્ર ઝાઝરિયાએ રિયો પેરાલિમ્પિકમાં જેવલિન થ્રો (બરછી ફેંક) એફ-૪૬ કેટેગરીમાં પોતાનો જ ઓલિમ્પિક રેકોર્ડ તોડતાં ફરી એક વાર ગોલ્ડ મેડલ જીતીને ભવ્ય સિદ્ધિ મેળવી છે. મૂળ રાજસ્થાનના વતની એવા દેવેન્દ્રે ૨૦૦૪માં એથેન્સ પેરાલિમ્પિકમાં રેકોર્ડ ૬૨.૧૫ મીટર સાથે વર્લ્ડ રેકોર્ડ સર્જીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે તેણે ૬૩.૯૭ મીટર જેવલિન ફેંકીને પોતાનો જ રેકોર્ડ ધ્વસ્ત કરીને નવો વિક્રમ સર્જ્યો હતો. વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતો ૩૬ વર્ષનો દેવેન્દ્ર હાલ ગુજરાતમાં ગાંધીનગર સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇંડિયા (સાઇ)માં જ્વેલિન થ્રોના કોચ તરીકે ફરજ બજાવે છે. દેવેન્દ્ર બે ઓલિમ્પિકમાં બે ગોલ્ડ જીતનારો પ્રથમ ભારતીય ખેલાડી તો બન્યો જ છે. સાથોસાથ હવે તેને વિશ્વમાં નંબર વન પેરાલિમ્પિક ખેલાડી બનવાની તક મળી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દેવેન્દ્રને અભિનંદન આપતા લખ્યું હતુંઃ દેવેન્દ્ર ઝાઝરિયાને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન. દેશને તેની સિદ્ધિ માટે ગૌરવની લાગણી છે.’
સ્પર્ધામાં હાલ વિશ્વમાં નંબર વન ખેલાડી ચીનના ચુનલિયાંગ ગુઓએ સિલ્વર મેડલ (૫૯.૯૩ મીટર) જીત્યો હતો જ્યારે શ્રીલંકાના દિનેશ હેરાથ પ્રિયંથાએ પોતાનો નવો રેકોર્ડ બનાવતા બ્રોન્ઝ મેડલ (૫૮.૨૩ મીટર) જીત્યો હતો. અન્ય તમામ ખેલાડીઓએ મેડલ જીતવાની કોશિશમાં કુલ છ પ્રયાસ કર્યા હતા. દેવેન્દ્ર ઝાઝરિયા પોતાના દરેક પ્રયાસમાં નવી સિદ્ધિ સર કરતો ગયો અને પ્રથમ પ્રયાસમાં ૫૭.૨૫ મીટર, બીજા પ્રયાસમાં વધુ સુધારા સાથે ૬૦.૭૦ મીટર અને ત્રીજા પ્રયાસમાં ૬૩.૯૭ મીટર સાથે નવો રેકોર્ડ સર્જી દીધો હતો. આ સાથે જ તેણે પોતાનો રેકોર્ડ પણ તોડયો હતો અને ગોલ્ડ મેડલ પણ જીતી લીધો હતો.
દેવેન્દ્ર અન્ય ભારતીય રિંકુ હુડા તથા સુંદરસિંહ ગુર્જર સાથે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો હતો, પરંતુ રિંકુ પોતાના વ્યક્તિગત બેસ્ટ સ્કોર ૫૪.૩૯ મીટર સાથે પાંચમાં ક્રમે જ્યારે સુંદરસિંહ પોતાની ઇવેન્ટમાં સમયસર હાજર થઇ શક્યો નહોતો. ઝાઝરિયાના ગોલ્ડ મેડલથી ભારત પાસે હવે પેરાલિમ્પિકમાં કુલ બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળી ચાર મેડલ થઈ ગયા છે.

પુત્રીએ કહ્યું હતુંઃ પપ્પા, હવે તમારો વારો

દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ જણાવ્યું કે, હું જ્યારે ઇવેન્ટ માટેની તૈયારીઓ કરી રહ્યો હતો ત્યારે મારી છ વર્ષની પુત્રી પણ મારી સાથે હતી. જે શાળામાં જઈ રહી છે અને તેણે કિન્ડરગાર્ટનમાં ટોપ ક્લાસ મેળવતા મને કહ્યું હતું કે, પપ્પા હું મારા ક્લાસમાં ટોપર બની છું અને હવે ગોલ્ડ મેડલ જીતવાનો તમારો વારો છે. દેવેન્દ્રએ કહ્યું કે, મારી આ સિદ્ધિથી તે ઘણી ખુશ થશે અને તેને પણ પ્રેરણા મળશે.

તો બીજો ગોલ્ડ મેડલ પણ જીતી શક્યો હોત...

વર્ષ ૨૦૦૪માં એથેન્સમાં રમાયેલી પેરાલિમ્પિકમાં પણ દેવેન્દ્રે નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ જીત્યો હતો અને ૧૨ વર્ષના લાંબા ગાળા બાદ ફરી ફિલ્ડમાં આવતાંની સાથે જ ફરી એક વાર ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ૨૦૦૮ની બૈજિંગ અને ૨૦૧૨માં લંડનમાં રમાયેલી પેરાલિમ્પિકમાં જેવલિન ગેમનો સમાવેશ કરાયો નહોતો તેથી તે અન્ય ગોલ્ડ જીતવાનું ચૂકી ગયો હતો.

૯ વર્ષની ઉંમરે હાથ છીનવાયો

રાજસ્થાનના ચુરુ જિલ્લાના જયપુરીયા ખાલસા નામના નાનકડા ગામના વતની દેવેન્દ્ર ઝાઝરિયાનું બાળપણ ગરીબીમાં વીત્યું છે. પિતા રામસિંહ ખેતીકામ કરીને પરિવારનો નિર્વાહ કરતા હતા. દેવેન્દ્ર બાળપણમાં નવ વર્ષની ઉંમરે ગામમાં એક ઝાડ પર ચઢતો હતો ત્યારે ૧૧૦૦ વોટના વીજળીના તારને અડી જતાં જોરદાર કરંટ લાગ્યો હતો. ડોક્ટરોએ ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હાથ બચાવી શક્યા નહોતા અને માસુમ વયે હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. દેવેન્દ્ર કહે છે કે, દુર્ઘટનાને કારણે તેણે પોતાનો ડાબો હાથ ગુમાવવો પડયો હતો, પરંતુ આત્મવિશ્વાસ ડગ્યો નહોતો. માતાએ પ્રેરણાનો સંચાર કરીને તેને હતાશામાંથી બહાર લાવવાનું કામ કર્યું હતું. પરિણામે તેણે અભ્યાસ સાથે રમતગમતમાં પણ નામના મેળવી હતી. દેવેન્દ્રે પોતાના રેકોર્ડ જાતે જ તોડ્યા છે. તે બરછી ફેંક ઉપરાંત ડિસ્ક થ્રો અને શોટપુટમાં પણ અનેક મેડલ્સ જીતી ચૂક્યો છે.

દેવેન્દ્રના નામે અનેક સિદ્ધિઓ

સાઉથ કોરિયામાં થયેલા ૨૦૦૨ એફઇએસપીઆઇસી ગેમ્સ, એથેન્સ ૨૦૦૪ પેરાલિમ્પિક, ૨૦૧૩ની વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને હવે રિયો પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૦૧૪માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ૨૦૧૨માં દેવેન્દ્રને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યો હતો. આ સન્માન મેળવનારો તે પ્રથમ પેરાલિમ્પિયન છે. વર્ષ ૨૦૦૪માં એથેન્સમાં ગોલ્ડ મેડલ જીતતા તેને અર્જુન એવોર્ડ અપાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter