રિયોમાં ભારતને સિલ્વર સન્માન અપાવતો સિંધુનો શૌર્યપૂર્ણ સંઘર્ષ

Saturday 20th August 2016 06:30 EDT
 
 

રિયો ડી’ જાનેરોઃ રિયો ઓલિમ્પિકમાં ભારત માટે શુક્રવાર ઐતિહાસિક દિવસ સાબિત થયો હતો. બેડમિન્ટન સિંગલ્સની ફાઇલનમાં ઉતરેલી પી. વી. સિંધુ ગોલ્ડ મેડલ તો જીતી શકી નહોતી, પણ તેણે કરોડો ભારતીયોના દિલ જરૂર જીતી લીધાં હતાં. સ્પેનની કેરોલિન મારિન સામે આક્રમક સંઘર્ષ દાખવીને સિંધુએ સિલ્વર મેડલ જીત્યો છે. ભારતના ઓલિમ્પિક ગેમ્સના ૧૨૦ વર્ષના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા ખેલાડીએ દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં સાઈના નહેવાલ સેમિ-ફાઈનલ સુધી જ પહોંચી શકી હતી. આમ બેડમિન્ટનમાં ઓલિમ્પિકની ફાઈનલ સુધી પહોંચનારી સિંધુ પહેલી ખેલાડી હતી.
પહેલો સેટ જીત્યા બાદ બીજા અને ત્રીજા સેટમાં કેરોલિન મારિને સિંધુની આક્રમકતાને પોતાના પર હાવી ન થવા દેતા ગેમ પોતાની તરફેણમાં કરી હતી. ત્રણ ગેમના અંતે કેરોલિને સિંધુને ૧૯-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૫થી પરાજય આપ્યો હતો. ૮૦ મિનિટ ચાલેલી મેચમાં સિંધુએ દેશવાસીઓ ઉપરાંત પોતાની પ્રતિસ્પર્ધીનું દિલ પણ જીતી લીધું હતું. વિશ્વમાં દસમા ક્રમે રહેલી સિંધુએ ટોચના ક્રમની કેરોલિનને અંતિમ પોઈન્ટ સુધી લડત આપી હતી. નારીશક્તિ તરીકે ઊભરેલી સિંધુએ દેશને ઉજવણી માટેનો બીજો એક અવસર આપ્યો હતો.

પ્રથમ સેટ સિંધુનાં નામે
ફાઇનલમાં પ્રથમ ગેમથી જ કેરોલિન મારિને પોતાનો દબદબો જાળવ્યો હતો અને ૩-૦થી શરૂઆત કરી હતી. જોકે સિંધુએ પણ બાદમાં આક્રમક રમત રમતાં એક સમયે ૧૦-૧૪ સુધી પહોંચી ગઈ હતી. પ્રથમ ગેમમાં ઢીલી શરૂઆત બાદ તેણે જોરદાર પ્રહાર કરતાં એક વખતે ૧૪-૧૫ સુધી પહોંચી ગઈ હતી. કેરોલિને કેટલીક ભૂલો કરતાં સિંધુએ તેનો ફાયદો ઉઠાવી એક વખતે ૧૬-૧૬ની બરાબરી કરી લીધી હતી. જોકે બાદમાં ફરી બાજી પલટાતાં કેરોલિને સતત બે પોઇન્ટ મેળવતાં તે આગળ નીકળી હતી. જોકે સિંધુએ જોરદાર પ્રહારો કરતાં ૧૯-૧૯ની બરાબરી કરવાની સાથે જ ૨૦-૧૯ની સરસાઈ મેળવી હતી. સિંધુએ પ્રથમ ગેમમાં ચાર પોઇન્ટ પાછળ હોવા છતાં આક્રમક રમત દાખવીને પ્રથમ ગેમમાં ૨૧-૧૯થી શાનદાર વિજય મેળવ્યો હતો.
બીજા સેટમાં બાજી બદલાઈ
બીજી ગેમમાં કેરોલિન મારિને સર્વિસની શરૂઆત કરતાંની સાથે જ સિંધુને એક પણ તક આપી નહોતી અને ૪-૦ની સરસાઈ મેળવી હતી. જોકે સિંધુએ તે બાદ જોરદાર સ્મેશિંગ દ્વારા બીજી ગેમનો પ્રથમ પોઇન્ટ મેળવ્યો હતો. બીજી ગેમમાં કેરોલિન મારિન આક્રમક જણાતી હતી અને તેણે પોતાની લીડને વધારી ૬-૧ કરી હતી. તેણે આ આક્રમક રમત ચાલુ રાખી સિંધુની સામે પોઇન્ટ મેળવી સરસાઈ ૧૨-૪ની કરી હતી. કેરોલિને ત્યાર બાદ ૧૮ સુધી સતત પોઇન્ટ મેળવતાં ગેમ જીત તરફ આગળ વધી હતી. જોકે સિંધુએ ફરી એક વાર મેચમાં પુનરાગમન કર્યું હતું. તેના ૧૮ પોઇન્ટ પર જ બે પોઇન્ટ મેળવી લીધા હતા. બાદમાં કેરોલિન મારિને છેલ્લે તેને ૧૨ પોઇન્ટ પર રોકી સતત ત્રણ પોઇન્ટ મેળવતાં ૨૧-૧૨થી જીત નક્કી કરી હતી.
ત્રીજા સેટમાં ઈતિહાસ રચાયો
ત્રીજી તથા આખરી ગેમમાં કેરોલિને મજબૂત શરૂઆત કરતાં સતત બે પોઇન્ટ મેળવ્યા હતા. આ સમયે સિંધુએ એક પોઇન્ટ મેળવી ખાતું ખોલાવ્યું હતું. જોકે બાદમાં કેરોલિન મારિને સતત ત્રણ પોઇન્ટ મેળવતાં સિંધુનાં મનોબળને તોડવાનો પ્રયાસ કર્યો હતો. કેરોલિન મારિનને એક સમયે ૬-૧ની સરસાઈ મેળવી હતી અને બાદમાં સિંધુએ પુનરાગમન કરતાં આ સરસાઈને ઘટાડી ૩-૬ કરી હતી. એક સમયે સિંધુએ વધુ સતર્કતાથી રમતાં ૧૦-૧૦ની બરાબરી કરી હતી. જોકે કેરોલિને લીડ જાળવી રાખી હતી. ૧૮-૧૪ની સરસાઈ બાદ સિંધુ હતાશ જણાતી હતી અને કેરોલિને સતત પોઇન્ટ મેળવતાં સરસાઈ ૨૦-૧૪ કરી હતી. ત્યાર બાદ કેરોલિને ગેમ પોતાના નામે કરી લીધી જ્યારે સિંધુએ હારવા છતાં ભારત માટે ઈતિહાસ રચી દીધો.

મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય ખેલાડી

પી. વી. સિંધુ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની ફાઇનલમાં સ્પેનની કેરોલિન મારિન સામે હારી જતા તેને સિલ્વર મેડલ મળ્યો હતો. તે ભારત તરફથી ઓલિમ્પિકમાં મેડલ મેળવનારી સૌથી નાની વયની પ્રથમ ખેલાડી બની હતી. ગુગલે શુક્રવારે જાહેરાત કરી હતી કે, ઓલિમ્પિકમાં મેદાનમાં ઉતરનારા ખેલાડીઓમાં સિંધુ સૌથી વધુ સર્ચ થનારી ખેલાડી બની હતી. આ પહેલા ભારતીય મહિલા ખેલાડીઓમાં એમ. સી. મેરિ કોમ, સાઈના નેહવાલ, કર્ણમ્ મલ્લેશ્વરી અને સાક્ષી મલિકે દેશ માટે ઓલિમ્પિકમાં વિવિધ રમતોમાં મેડલ અપાવ્યા છે.

આક્રમકતા માટે કલાકો સુધી બૂમો પાડતી હતી

દેશને જેના નામ પર ગર્વ છે તેવી બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ ભારતના લોકોને ઉજવણી કરવાની તક આપી દીધી છે. સિંધુની ફાઇનલ મેચ પર સમગ્ર દેશની નજર હતી ત્યારે તેણે આ માટે કેટલી મહેનત કરી છે તે પણ જાણવું રોચક છે. સિંધુ સિવાય તેનો પરિવાર, કોચ અને મિત્રોએ પણ તેના માટે ઘણી કુરબાની આપી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુ હૈદરાબાદમાં ગોપીચંદની બેડમિન્ટન એકેડેમીમાં સાઇના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંત સાથે ટ્રેનિંગ લઈ રહી છે. ગોપીચંદ સૌથી વધુ ધ્યાન શટલર્સની ફિટનેસ પર આપે છે. તેઓ પ્લેયર્સને બહારથી પાણી પીવાની પરવાનગી પણ આપતા નથી. ગોપીચંદે એકેડેમીમાં બ્રેડ અને શુગર પર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, ગોપીચંદે સિંધુ પર હૈદરાબાદી વેજ બિરયાની ખાવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ગોપીચંદે આ ત્રણેય ખેલાડીઓને મેચમાં આક્રમકતા જાળવી રાખવા માટે કલાકો સુધી બૂમો પાડવાની ટ્રેનિંગ પણ આપી હતી.
સિંધુના કોચની મહેનત બાદ તેના પરિવારમાંથી જો કોઇએ સૌથી વધુ બલિદાન આપ્યું હોય તો તેના પિતા રમન્નાનું છે. સિંધુના પિતાના સમર્પણ વિશે આમ તો ઘણા લોકો જાણે જ છે, પરંતુ આ વખતે તેમણે તેના મેડલની સફળતા માટે આઠ મહિનાની રજા લીધી હતી.

આ કારણોસર સિંધુનો પરાજય થયો

કેરોલિન ડાબોડી હતીઃ સિંધુને કેરોલિન સામે રમવાનું સૌથી વધારે મુશ્કેલ એટલે પડ્યું કે, કેરોલિન ડાબોડી હતી. સિંધુ મોટા ભાગે જે મેચ રમી છે તેમાં જમણા હાથના ખેલાડીઓનો જ સામનો કર્યો છે. કેરોલિન ડાબોડી હોવાથી સિંધુને શોટ રમવામાં વધારે તકલીફ પડતી હતી.
• કેરોલિન સતત ફોર્મમાં હતીઃ કેરોલિન છેલ્લા એક વર્ષથી વર્લ્ડમાં ટોચના સ્થાને છે. તે ઓલિમ્પિકની પણ દરેક મેચમાં તેવું જ પ્રદર્શન કરતી આવી હતી. કેરોલિન ફાઈનલમાં પણ પોતાની પોઝિશનને ધ્યાનમા રાખીને જ પ્રદર્શન કર્યું હતું. સિંધુએ ઘણા પ્રયાસ કર્યા પણ તે કેરોલિનના સ્મેસનો યોગ્ય જવાબ આપી શકતી નહોતી.
સિંધુની લંબાઈઃ સિંધુની લંબાઈ અત્યાર સુધી તેને વિજય માટે મદદ કરતી હતી, પણ કેરોલિન સામે તેને મદદ મળી નહીં. કેરોલિને સિંધુને નેટ પર રમવા જ નહોતી દીધી. તે સતત સિંધુને સ્ટ્રેચ કરાવતી હતી. વધુ લંબાઈ ધરાવતી સિંધુને તેના કારણે શોટ્સ મારવામાં મુશ્કેલ પડતી હતી.
કેરોલિનની ઝડપઃ કેરોલિને ત્રણેય ગેમ દરમિયાન પોતાની ઝડપને કાબૂમાં રાખી હતી. તે ખૂબ જ ઝડપી શોટ લેતી હતી અને વારંવાર શોટના એંગલમાં પણ ફેરફાર કર્યાં કરતી હતી. જેના લીધે સિંધુ તેની ગેમ અંગ કોઈનક્કર ધારણા ન કરી શકી.
અનુભવનો અભાવઃ સિંધુ પાસે કેરોલિનની સરખામણીએ અનુભવનો ઘણો અભાવ હતો. કેરોલિન ફાઇનલમાં જીતવા માહેર છે. જ્યારે સિંધુ ઘણી મેચમાં ફાઈનલમાં સુધી પણ પહોંચી શકી નથી. આ કારણે કેરોલિનનો મહાવરો સિંધુ પર ભારે પડ્યો.
મનોવૈજ્ઞાનિક દબાણઃ કેરોલિન અને સિંધુ વચ્ચે અત્યાર સુધી સાત મુકાબલા થયા છે તેમાં ચાર વખત કેરોલિનનો વિજય થયો છે. આ કારણે કેરોલિને પહેલેથી જ સિંધુ પર મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કર્યું હતું તે સિંધુને નડી ગયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter