રૂ. 13 હજાર કરોડઃ વર્લ્ડ કપથી જંગી કમાણીની આશા

Wednesday 04th October 2023 09:43 EDT
 
 

મુંબઇઃ ભારત 12 વર્ષ બાદ વર્લ્ડ કપનું યજમાન બન્યું છે, પણ આ વર્લ્ડ અઢળક કમાણી લઇને આવ્યો છે તેમ કહી શકાય. ભારત વર્લ્ડ ચેમ્પિયન બનશે કે નહીં એ તો સમય કહેશે, પણ વર્લ્ડ કપને કારણે ભારતીય અર્થતંત્રને જોરદાર ફાયદો થશે તેમાં બેમત નથી. એક બિઝનેસ વેબસાઈટ દ્વારા જાહેર કરાયેલ એક રિપોર્ટના અંદાજ અનુસાર ભારતને આ વખતના વર્લ્ડ કપથી અગાઉના વર્લ્ડ કપ કરતાં ત્રણ ગણો ફાયદો થશે.

આ અંદાજ માટે બીક્યુ પ્રાઇમ વેબસાઇટે અગાઉનાં વર્લ્ડ કપની રિપોર્ટની સમીક્ષા કરી છે. જે અનુસાર, 2015માં રમાયેલા વર્લ્ડ કપમાં સંયુક્ત યજમાન ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે કુલ 2860 કરોડની કમાણી કરી હતી. જ્યારે 2019માં યજમાન ઈંગ્લગ્લેન્ડને 3230 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વેબસાઇટનાં રિપોર્ટ અનુસાર, આ વખતનો વર્લ્ડ કપ ભારતમાં યોજાઇ રહ્યો હોવાથી રૂ. 13,300 કરોડની આવક થવાનો અંદાજ છે.

5 લાખ વિદેશી ભારત પહોંચે તેવી આશા

વર્લ્ડ કપ માટે વિદેશી દર્શકો ભારતીય સ્ટેડિયમ પહોંચશે. વર્લ્ડ કપ કુલ 10 સ્ટેડિયમમાં રમાશે. આ 10 સ્ટેડિયમમાં યોજાનાર કુલ મેચમાં દર્શકોની સંખ્યાનો આંક 24.82 લાખ રહેશે. અગાઉનાં રેકોર્ડ અનુસાર, 20 ટકા દર્શકો વિદેશી મૂળનાં હોય છે. તેનો અર્થ એ છે કે, કુલ 4.96 લાખ વિદેશી અને 9.93 લાખ ભારતીય દર્શકો વર્લ્ડ કપની મેચ નિહાળે તેવી શક્યતા છે.

આ દર્શકોએ મોંઘી ફ્લાઈટથી લઈ યજમાન શહેર સુધી પહોંચવાનો ખર્ચ ઉઠાવવો પડશે. દિલ્હીથી મુંબઈની સરેરાશ રાઉન્ડ ટ્રિપનું ભાડું 14 હજાર રૂપિયા છે. મેચના દિવસોએ તેમાં વધારો થઈ શકે છે. આ સાથે મુંબઈમાં હોટેલમાં એક રાત્રિ રોકાણનું ભાડું 9 હજાર હોય છે. મુંબઈના સ્ટેડિયમમાં રમાતી મેચની ટિકિટની કિંમત 3500 છે. મુંબઈમાં એક દિવસમાં એક વ્યક્તિ ભોજન સહિતની વસ્તુઓમાં 2000થી વધુનો ખર્ચ કરશે. શહેરમાં ફરવા જશે તો ખર્ચ વધી શકે છે. આમ કોઈ વ્યક્તિએ એક મેચ જોવા માટે 29,600 રૂપિયા ખર્ચ કરવા પડશે. જો દર્શક યજમાન શહેરનો જ હોય તો પણ તેણે સરેરાશ 7600 રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.

જ્યારે વિદેશી પ્રવાસીઓ ભારતમાં મેચ જોવાની સાથે ફરવા માટે અન્ય સ્થળોએ જશે જ. ડેટા અનુસાર મોટાભાગે વિદેશી પ્રવાસીઓ પોતાના બજેટનાં 30 ટકા માત્ર ફ્લાઈટ પાછળ ખર્ચે છે અને બાકી ફરવા માટે વાપરે છે. વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે 9 દેશનાં પ્રવાસીઓ સરેરાશ 63 હજાર રૂપિયા ફ્લાઈટ પર ખર્ચ કરશે. જ્યારે 1.47 લાખ રૂપિયા જેટલો ખર્ચો ફરવા સહિતની બાબતો પાછળ ખર્ચી શકે છે. આંકડા અનુસાર કુલ 4 લાખથી વધુ વિદેશી વર્લ્ડ કપ દરમિયાન ભારતીય અર્થતંત્રમાં 5705 કરોડ રૂપિયાનું યોગદાન આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter