રેસવોકર અમિત ખત્રીએ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીત્યો

Friday 27th August 2021 07:00 EDT
 
 

નૈરોબી: ભારતના ૧૭ વર્ષના રેસ વોકર અમિત ખત્રીએ વર્લ્ડ અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્ડર મેડલ જીત્યો છે. અમિતે ૧૦ હજાર મીટર રેસ વોક ઇવેન્ટમાં ૪૩ મિનિટ ૧૭.૯૪ સેકન્ડનો સમય લીધો. ભારતને ચેમ્પિયનશિપના ઇતિહાસમાં પહેલી વાર વોકિંગ ઇવેન્ટમાં મેડલ મળ્યો છે. આ પહેલીવાર બન્યું કે ભારતે ચેમ્પિયનશિપની એક સિઝનમાં ૨ મેડલ જીત્યા હોય. આ પહેલા ૧૮ ઓગસ્ટે ૪ X ૪૦૦ મીટરની રિલેમાં કાંસ્ય જીત્યો.
અમિતનો આ પહેલો આંતરરાષ્ટ્રીય મેડલ હતો. તે રેસ વોકમાં ૯ હજાર મીટર સુધી આગળ હતો, પણ કેન્યાના હેરિસ્ટોન વેનયોએ અંતિમ બે લેપમાં ગતિ પકડી અને અમિતથી આગળ નીકળી ગયો. તેણે ૪૨ મિનિટ ૧૦.૮૪ સેકન્ડમાં નિયત અંતર કાપીને ગોલ્ડ જીત્યો હતો. સ્પેનનો પોલ મેકગ્રાએ ૪૨ મિનિટ ૨૬.૧૧ સેકન્ડનો સમય લીધો અને કાંસ્ય જીત્યો. રોહતકના અમિતના પ્રદર્શન પર કેન્યાની હાઇ એલ્ટીટ્યુડ કંડીશનની અસર થઇ હતી અને તેને રેસ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. નૈરોબી સમુદ્રતટથી ૧૮૦૦ મીટર ઉપર છે. અમિતે કહ્યું ‘આ તે પરિણામ નથી જે હું ઇચ્છતો હતો, પણ હું સિલ્વર મેડલથી ખુશ છું. હું અહીંના માહોલમાં પોતાને ઢાળવા માટે ૫ દિવસ વહેલો આવ્યો હતો, પણ હાઇ એલ્ટીટ્યુડે મારી રમતને પ્રભાવિત કરી. રેસમાં ઘણી વાર એવું થયું હતું હું સારી રીતે શ્વાસ પણ લઇ શકતો ન હતો.’
અમિતના કોચ ચંદનસિંહે જણાવ્યું કે જ્યારે નૈરોબીને ચેમ્પિયનશિપની યજમાની મળી ત્યારે મેં અમિતને ગત વર્ષે ઉત્તરાખંડમાં પાંચ મહિના હાઇ એલ્ટીટ્યૂડમાં ટ્રેનિંગ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter