અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 90 હજારથી વધુ દર્શકોનો કાન ફાડી નાખે તેવો શોર અને 18મી ઓવરનો એ છેલ્લો બોલ જેણે ઇતિહાસ રચી દીધો. વિરાટ કોહલીએ અરશદ ખાનના બોલ પર લોંગ-ઓન ઉપરથી છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. રવિવારે રમાયેલી લો-સ્કોરિંગ મેચમાં ગુજરાત ટાઇટન્સે 8 વિકેટે 155 રન કર્યા હતા જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (આરસીબી) 18 ઓવરમાં જ પાંચ વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. આ સાથે જ આરસીબીએ સતત બીજી વખત ટ્રોફી જીતીને મુંબઇ ઇંડિયન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની હરોળમાં સ્થાન મેળવ્યું છે. આરસીબીના શાનદાર વિજયમાં કોહલીનું 42 બોલમાં અણનમ 75 રનનું શાનદાર યોગદાન હતું.
ટ્રોફી વિક્ટરી પરેડના મૃતકોને સમર્પિતઃ રજત
આઇપીએલ 2026ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5વિકેટે હરાવીને સતત બીજી વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ના કેપ્ટન રજત પાટિદારે ટ્રોફી જીત્યા બાદ એક ભાવુક જાહેરાત કરી છે. પાટિદારે આ ઐતિહાસિક ખિતાબ ગત વર્ષે (2025) બેંગલુરુના એમ. ચિન્તાસ્વામી સ્ટેડિયમ બહાર જીતના જશ્ન દરમિયાન મચેલી જીવલેણ ભાગદોડ માં જાન ગુમાવનારા 11 પ્રશંસકોને સમર્પિત કર્યો હતો. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં ભાવુક બનેલા કેપ્ટને જણાવ્યું હતું કે, ‘તેઓ માત્ર પ્રશંસકો નહોતા, પરંતુ અમારા પરિવારના સભ્યો હતા અને હું આ ટ્રોકી તેમને સમર્પિત કરું છું.’ ઉલ્લેખનીય છે કે, ફ્રેન્ચાઈઝીએ આ સમગ્ર સીઝનમાં તે મૃતકોની યાદમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 બેઠકો કાયમી ખાલી રાખીને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી.
વિરાટના સળંગ 4 સીઝનમાં 600 પ્લસ રન
75 રનની મેચ વિનિંગ ઈનિંગ સાથે કોહલીએ આઈપીએલની સતત ચાર સિઝનમાં 600 પ્લસ રન બનાવનાર પહેલા ખેલાડી બનવાની સિદ્ધિ પોતાના નામે કરી છે. આ સીઝનમાં કોહલીએ 16 મેચોમાં 165ના શાનદાર સ્ટ્રાઇક રેટથી કુલ 675 રન બનાવ્યા છે અને તે આ સીઝનમાં સર્વાધિક રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા સ્થાને છે. આ ઉપરાંત, તેણે ચાલુ સીઝનમાં ગુજરાતના ફાસ્ટ બોલર રબાડા સામે રમેલી મેચોમાં કુલ 82 રન ફટકાર્યા છે, જે આઇપીએલની કોઈ એક સીઝનમાં કોઈ બેટ્સમેન દ્વારા ચોક્કસ બોલર સામે કરાયેલા સૌથી વધુ રનનો નવો રેકોર્ડ છે. આરસીબી આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બાદ પોતાનું ટાઇટલ ડિફેન્ડ કરનારી (સતત બે વાર જીતનારી) લીગની ત્રીજી ટીમ બની છે.
રોયલ ચેલેન્જર્સઃ જીતના 5 મુખ્ય કારણ
• કોહલીનું શાનદાર પ્રદર્શન: વિરાટ કોહલીએ ફાઇનલ જેવા મોટા મંચ પર 42 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 75 રનની ઇનિંગ રમી. તેણે માત્ર 25 બોલમાં આઈપીએલ કરિયરની સૌથી ફાસ્ટ ફિફટી ફટકારીને ચેઝ સાવ સરળ બનાવી દીધો.
• રાસિખ સલામની ઘાતક બોલિંગ: યુવા બોલર રાસિખ સલામે મિડલ ઓવર્સમાં ગુજરાતની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી. તેણે 4 ઓવરમાં માત્ર 27 રન આપીને 3 મહત્વપૂર્ણ વિકેટો ઝડપી, જેના કારણે ગુજરાત મોટો સ્કોર બનાવી શક્યું નહીં.
• ઓપનર્સનો ધમાકેદાર પ્રારંભ: કોહલી અને વેન્કટેશ અય્યરે (16 બોલમાં 32 રન) પ્રથમ વિકેટ માટે માત્ર 27 બોલમાં 62 રનની તોફાની ભાગીદારી કરી. બન્નેએ પર્પલ કેપ વિજેતા રબાડાની પ્રથમ બે ઓવરમાં જ 37 રન ફટકારી દીધા હતા.
• પેસ બોલરોની સચોટ યોજના: ભુવનેશ્વર કુમાર (2 વિકેટ) અને જોશ હેઝલવુડ (2 વિકેટ)ની જોડીએ પાવરપ્લેમાં શોર્ટ પિચ બોલિંગ અને સચોટ લાઇન-લેન્થથી ગુજરાતના ઓપનર્સ પર પ્રેશર બનાવ્યું અને શરૂઆતમાં જ મોટો આંચકો આપ્યો.
• કોહલીનો એન્કર રોલ અને ધીરજ: રાશિદ ખાને બે વિકેટ લઈને મેચમાં રોમાંચ જગાવ્યો ત્યારે પણ કોહલીએ ધૈર્ય ગુમાવ્યું નહીં. તેણે ટીમ ડેવિડ સાથે 41 રનની ભાગીદારી કરી ટીમને 18મી ઓવરમાં જ જીત સુધી પહોંચાડી દીધી.
ગુજરાત ટાઇટન્સઃ હારના 5 મુખ્ય કારણ
• ટોપ ઓર્ડરનો ધબડકો: પાવરપ્લેની અંદર જ ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન સસ્તામાં પેવેલિયન ભેગા થયા. ગિલ માત્ર 3 ઓવરમાં હેઝલવુડનો શિકાર બન્યો, જેના કારણે મિડલ ઓર્ડર પર દબાણ વધી ગયું.
• રબાડાની મોંઘી બોલિંગ: સીઝનમાં વિરોધી ટીમોને ધ્રુજાવનાર રબાડા ફાઇનલ મેચમાં સાવ આઉટ ઓફ ફોર્મ લાગ્યો. રોયલ ચેલેન્જર્સના ઓપનર્સે તેને લય પકડવા જ ન દીધી.
• રનની ધીમી ગતિ: જોસ બટલર અને નિશાંત સિંધુ ક્રિઝ પર હોવા છતાં રન રેટ વધારી શક્યા નહીં. બટલરે ખૂબ જ ધીમી બેટિંગ કરી, જેના લીધે 12.1 ઓવર સુધી ટીમ માત્ર 73 રન જ બનાવી શકી હતી.
• કોઈની લડત નહીં: સુંદરે કટોકટીના સમયે 37 બોલમાં અણનમ 50 રન બનાવીને ટીમને 155 સુધી પહોંચાડી, પરંતુ બીજા છેડેથી સતત વિકેટો પડતી રહેતા કોઈ મોટી ભાગીદારી થઈ નહીં.
• રાશિદને સાથ ન મળવો: રાશિદ ખાને 9મી ઓવરમાં બે વિકેટ ઝડપી ગુજરાતની મેચમાં વાપસી કરાવી હતી, પરંતુ અરશદ ખાન અને અન્ય બોલરો કોહલીને અંકુશમાં રાખવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યા.
•••
એવોર્ડ્સ અને પ્રાઇઝ મની
એવોર્ડ રકમ વિજેતા ખેલાડી
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ ફાઈનલ રૂ. 1 લાખ વેંકટેશ અય્યર
સુપર સિક્સેસ ઓફ ધ ફાઈનલ રૂ. 1 લાખ વિરાટ કોહલી
ઓન ધ ગો 4s ઓફ ધ ફાઈનલ રૂ. 1 લાખ વિરાટ કોહલી
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ ફાઈનલ રૂ. 1 લાખ ભુવનેશ્વર કુમાર
પ્લેયર ઓફ ધ મેચ (ફાઇનલ) રૂ. 5 લાખ વિરાટ કોહલી
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન રૂ. 10 લાખ વૈભવ સૂર્યવંશી
સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન કાર વૈભવ સૂર્યવંશી
સુપર સિક્સેસ ઓફ ધ સીઝન રૂ. 10 લાખ વૈભવ સુર્યવંશી
ઓન ધ ગો 4s ઓફ ધ સીઝન રૂ. 10 લાખ સાઈ સુદર્શન
ગ્રીન ડોટ બોલ્સ ઓફ ધ સીઝન રૂ. 10 લાખ મોહમ્મદ સિરાજ
કેચ ઓફ ધ સીઝન રૂ. 10 લાખ મનીષ પાંડે
ફેર પ્લે એવોર્ડ ટ્રોફી પંજાબ કિંગ્સ
પર્પલ કેપ રૂ. 10 લાખ કગિસો રબાડા
ઓરેન્જ કેપ રૂ. 10 લાખ વૈભવ સૂર્યવંશી
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર રૂ. 15 લાખ વૈભવ સૂર્યવંશી
પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ રૂ. 50 લાખ ઈડન ગાર્ડન્સ
પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ રૂ. 25 લાખ ધર્મશાલા


