લીડ્સઃ યજમાન ઇંગ્લેન્ડે અત્યંત રસાકસીભરી મેચમાં ટીમ ઇંડિયાને હરાવીને પાંચ ટેસ્ટની સીરિઝનો શુભારંભ કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતના 371 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેઝ કરી લીધો છે. ભારતની બેટિંગ મજબૂત રહી હતી, જોકે બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી છે. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.
ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. મુકાબલામાં ભારતની પહેલી ઇનિંગ 471 અને ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ 467 પર સમેટાઈ હતી. આમ પહેલી ઇનિંગના આધાર પર ભારતીય ટીમને 6 રનની લીડ મળી હતી.
આ પછી ભારતે પોતાની બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા. ત્યાર બાદ ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ઇંગ્લેન્ડે પાંચ વિકેટે ચેઝ કરી લીધો છે. ડકેટે 149 રન બનાવ્યા અને ક્રાઉલીએ 65 રન બનાવ્યા. જ્યારે રૂટે પણ 53 રન ફટકાર્યા હતા.
93 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં
એક જ ટેસ્ટમાં 5 સદી
ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત અને ઓપનર કે.એલ. રાહુલે બીજી ઈનિંગમાં સદી ફટકારતાં ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ હેડિંગ્લે ટેસ્ટમાં ભારત તરફથી કુલ પાંચ સદી નોંધાઈ હતી. ભારતના 93 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે, જ્યારે એક જ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા તરફથી પાંચ સદી નોંધાઈ હોય તેવી ઘટના બની હતી.
રસપ્રદ બાબત એ છે કે, રોહિત-કોહલી જેવા ધુરંધરોની નિવૃત્તિ બાદની પ્રથમ ટેસ્ટમાં જ યુવા બેટ્સમેનોએ કૌવત બતાવતા ઐતિહાસિક સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. હેડિંગ્લે ટેસ્ટમાં ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કે.એલ. રાહુલે 137 રન અને રિષભ પંતે 118 રન નોંધાવ્યા હતા.
અગાઉ ભારતની પ્રથમ ઈનિંગમાં ઓપનર જયસ્વાલે 101, કેપ્ટન શુબ્મન ગીલે 147 અને રિષભ પંતે 134 રન નોંધાવ્યા હતા.
પંતે બંને ઈનિંગમાં સદી ફટકારનારા ભારતના સૌપ્રથમ વિકેટકિપર બેટ્સમેન તરીકેનો રેકોર્ડ પણ સર્જ્યો હતો. જ્યારે કે.એલ. રાહુલ ઈંગ્લેન્ડની ભૂમિ પર સૌથી વધુ સદી ફટકારનારો ભારતીય ઓપનર બન્યો હતો.