લેજન્ડ લેગ સ્પિનર શેન વોર્નનું નિધન

મેદાનની અંદર અને બહાર હંમેશા ચર્ચાસ્પદ રહેલા ક્રિકેટરે થાઇલેન્ડમાં અંતિમ શ્વાસ લીધા

Wednesday 09th March 2022 06:29 EST
 
 

મેલબોર્ન: વિશ્વના મહાન બોલરોમાંના એક ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્નનું બાવન વર્ષની વયે હાર્ટએટેકથી મૃત્યુ થતાં ક્રિકેટજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ થાઈલેન્ડ ખાતેના વિલામાં શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃત્યુના થોડા કલાકો પહેલાં તો તેણે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રોડની માર્શના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી.
વિશ્વના મહાન સ્પિનર્સમાં સામેલ શેન વોર્ન મિત્રો સાથે થાઇલેન્ડના કોહ સામુઇમાં વેકેશન ગાળવા ગયા હતા. મિત્રોના જણાવ્યા પ્રમાણે એક વિલામાં વોર્ન બેહોશ મળી આવ્યો હતો અને ઇમરજન્સી ટ્રિટમેન્ટ છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. વોર્નના નામે શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરન બાદ હાઇએસ્ટ વિકેટ ઝડપવાનો વિક્રમ છે. વોર્ને 1992થી 2007 સુધીમાં 145 ટેસ્ટ રમીને 25.41 રનની એવરેજે 708 વિકેટ ઝડપી હતી. મુરલીધરને 800 વિકેટ પોતાના નામે કરી હતી. 1993થી 2005 સુધીમાં વોર્ને 194 વન-ડેમાં 293 વિકેટ મેળવી હતી. 1999ના ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવવામાં તેનો સિંહફાળો હતો.
1992માં ભારત સામે ડેબ્યૂ
વોર્ને ભારત સામે 1992 સિડની ટેસ્ટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તો છેલ્લી ટેસ્ટ તેણે 2007ની જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ સામે સિડનીમાં જ રમી હતી.
ન જાણ્યું જાનકી નાથે...
વોર્ને અવસાનના બાર કલાક પહેલાં કરેલી છેલ્લી ટ્વિટમાં રોડની માર્શના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો. વોર્ને લખ્યું હતું કે માર્શ રમતમાં અમારા મહાન ખેલાડી હતા. તેમણે ઘણા યુવાઓને પ્રેરિત કર્યા હતા.
વોર્નના નામે બોલ ઓફ ધ સેન્ચ્યુરી
28 વર્ષ પહેલાં માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણીમાં ઇંગ્લિશ બેટ્સમેન માઇક ગેટિંગને ક્લીન બોલ્ડ કરીને વોર્ને તમામને ચકિત કર્યા હતા. વોર્ન દ્વારા ફેંકાયેલો આ બોલ 90 ડિગ્રી એંગલથી સ્પિન થયો હતો અને ગેટિંગનું ઓફ સ્ટમ્પ ઉખેડી નાખ્યું હતું. વોર્નના આ બોલને આઇસીસી તથા વિઝડન દ્વારા બોલ ઓફ ધ સેન્ચ્યુરી ગણાવાયો છે. વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક નોંધાવવાની સિદ્ધિ પણ મેળવી હતી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 12 અડધી સદી નોંધાવી હતી અને તેનો હાઇએસ્ટ સ્કોર 99 રનનો રહ્યો હતો.
મેદાનમાં જતા પહેલાં અચૂક સ્મોકિંગ
વોર્નને સ્મોકિંગનો મોટો ચસ્કો હતો. મેચમાં જતાં પહેલાં તે ડ્રેસિંગરૂમમાં હંમેશાં સ્મોકિંગ કરતો હતો. તેને મેદાનની અંદર સિગારેટ લાવવા દેવાતી નહોતી ત્યારે તે ટ્રેનિંગ કેમ્પમાં નહીં આવવાની ધમકી આપતો હતો. એક વખત તો તેણે સામાનમાં સિગારેટના બોક્સ સમાવવા માટે પોતાની લગેજ બેગમાંથી કપડાં કાઢીને ફેંકી દીધા હતા. બેગમાં જગ્યા થતાં તેણે છ સિગારેટના બોક્સ મૂકી દીધા હતા.
સેક્સ સ્કેન્ડલ માટે બદનામ
વોર્ન પર્સનલ લાઇફ અંગે સતત ચર્ચામાં રહ્યો છે. તેનું અંગત જીવન વિવાદોથી ભરપૂર હતું. શરાબ અને સુંદરીનો શોખીન વોર્ન ડ્રગ્સની લતના કારણે પણ ચર્ચામાં હતો. 2003ના વર્લ્ડકપ અગાઉ ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવતાં તેને વર્લ્ડ કપમાંથી બહાર કરી દેવાયો હતો. તેના પર ઓસ્ટ્રેલિયન બોર્ડે એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. વોર્ન તેના રંગીન મિજાજને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. તેને સેક્સ સ્કેન્ડલ કિંગ તરીકે પણ ઓળખાવાતો હતો. ટોચની મોડેલ્સ તેની સામે ગંભીર આક્ષેપો કરી ચૂકી છે.
રાજસ્થાનને ચેમ્પિયન બનાવ્યું
વોર્ન નિવૃત્તિ બાદ રાજસ્થાન રોયલ્સમાં જોડાયો હતો. 2008માં આઈપીએલની પ્રથમ સિઝન અગાઉ રાજસ્થાને તેને 4.50 લાખ ડોલરમાં ખરીદ્યો હતો અને તેણે ટીમને ચેમ્પિયન બનાવી હતી.
સપનામાં સચિન દેખાય છેઃ વોર્ન
ભારતના લેજન્ડરી બેટ્સમેન તેંડુલકરે 1998-99માં શારજાહમાં રમાયેલી વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે સ્ફોટક બેટિંગ વોર્નની બોલિંગમાં પણ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે વોર્ને કહ્યું હતું કે મને સપનામાં પણ સચિન આવે છે અને મારા માથા પરથી સિક્ટર ફટકારતો હોય દેખાય છે. તેને અટકાવવાનો મુશ્કેલ છે.
•••
• અમે સાવ ટૂંકા ગાળામાં બે લેજન્ડ (રોડની માર્શ - શેન વોર્ન) ગુમાવ્યા. - ડેવિડ વોર્નર
• ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમને અંજલી. બોલને ટર્ન કરવામાં સૌથી મહાન ક્રિકેટર. – કોહલી
• આઘાતગ્રસ્ત, સ્તબ્ધ, દુઃખી, તારી ખોટ પડશે વોર્ની. બહુ જલ્દી વિદાય લીધી. - સચિન
• રેસ્ટ ઈન પીસ કિંગ... – કેવિન પીટરસન
• જીનિયસ ક્રિકેટર, સુપ્રીમ એન્ટરટેઈનર
– ઇયાન મોર્ગન
• માની જ નથી શકાતું. ક્રિકેટે ઘણી મોટી ખોટ અનુભવી. - વિવિયન રિચાર્ડસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter