બર્મિંગહામઃ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરોએ પાકિસ્તાન સામેની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સની ટી20માં રમવાની અનિચ્છા દર્શાવ્યા બાદ વિવાદ વધતો જોઈને આયોજકોએ જ ભારત અને પાકિસ્તાનની લેજન્ડ્સ ટી20ને રદ કરવાનો નિર્ણય લીધો હતો. યુવરાજ, હરભજન, ધવન સહિતના ખેલાડીઓએ આ મુકાબલામાં રમવાના હતા. જોકે ભારતના દિગ્ગજ ખેલાડીઓએ મેચના એક દિવસ અગાઉના ડિનરમાં જ પાકિસ્તાન સામે નહીં રમવાની જાણ આયોજકોને કરી દીધી હતી.
ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં આ મુકાબલો ખેલાવાનો હતો. જોકે ભારતના દિગ્ગજ ક્રિકેટરો પાકિસ્તાન સામે રમવા તૈયાર થયા ન હતા. પાકિસ્તાનની ટીમમાં આફ્રિદી તેમજ હાફિઝ સહિતના ખેલાડીઓનો સમાવેશ થતો હતો. ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને સોશિયલ મીડિયામાં લખ્યું હતુ કે, હું આ મેચમાં રમવાનો નથી, તેવી જાણ મેં અગાઉ જ આયોજકોને કરી દીધી છે. આ પછી તબક્કાવાર ભારતના મોટાભાગના ખેલાડીઓએ આ મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો.