લેસ્ટર સિટી ઇપીએલ ચેમ્પિયન ૧૩૨ વર્ષમાં પ્રથમ વખત સિદ્ધિ

Wednesday 04th May 2016 09:37 EDT
 
 

લંડનઃ રેન્કિંગમાં બીજા સ્થાને રહેલી ટોટનહામ હોટ્સપુર અને ચેલ્સી કલબ વચ્ચે મંગળવારે રમાયેલો મુકાબલો ૨-૨થી ડ્રો થતાં જ ઇંગ્લેન્ડની એક નાની ફુટબોલ કલબ લેસ્ટરશાયરે ઇંગ્લિશ પ્રીમિયર લિગ (ઇપીએલ)નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. ૧૩૨ વર્ષના ઇતિહાસમાં લેસ્ટર ફુટબોલ ક્લબે પ્રથમ વખત આ સિદ્ધિ મેળવી છે. આ સાથે ૧૯૯૨ બાદ ઇપીએલનું ટાઇટલ જીતનારી લેસ્ટર છઠ્ઠી ટીમ બની છે. આમ તો લેસ્ટર પાસે ટાઇટલ જીતવાની રવિવારે જ ગોલ્ડન તક હતી, પરંતુ માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની મેચ ૧-૧થી ડ્રો થતા ચેમ્પિયન બનવા તેને વધુ એક દિવસ ઇંતઝાર કરવો પડ્યો હતો. લેસ્ટર ટીમ સમગ્ર લીગ દરમિયાન માત્ર ત્રણ મેચ હારી છે, જેને ફૂટબોલચાહકો અનોખું સિમાચિહન ગણાવી રહ્યા છે. નોંધનીય છે કે ઇપીએલની ગઈ સિઝનમાં લેસ્ટર રેલિગેશનમાંથી બચી હતી અને ૨૦૧૬માં તેણે તમામ દિગ્ગજો તથા નિષ્ણાતોની ગણતરીને ખોટી સાબિત કરી છે.

લેસ્ટરમાં ઉત્સવનો માહોલ

ટોટનહામ તથા ચેલ્સીની મેચ ડ્રો થતાંની સાથે જ લેસ્ટરના લોકો તથા સમર્થકો ખુશીના માર્યા રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા અને પોતાની ટીમના ઇપીએલમાં ચેમ્પિયન બનવાની ખુશીમાં ભવ્ય ઉજવણી કરી હતી. સમર્થકો બ્લૂ રંગની ટી-શર્ટ પહેરીને એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા. સમર્થકોએ મેનેજર રાનિએરી તથા સ્ટ્રાઇકર જેમી વાર્ડીના નામના નારા પણ લગાવ્યા હતા. વાર્ડીના નિવાસ સામે પણ મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થયા હતા. લેસ્ટરના મેનેજર રાનિએરીને શનિવારે ઘરઆંગણે મેચ રમાયા બાદ ટ્રોફી એનાયત કરાશે.

નિષ્ણાતોનું અનુમાન ખોટું પડ્યું

ઇંગ્લિશ ફૂટબોલના ચાહકો માનતા હતા કે ગઈ સિઝનમાં રેલિગેશનથી બચેલી લેસ્ટર સિટી ૨૦૧૬માં નીચલા ગ્રૂપમાં ધકેલાઈ જશે, પરંતુ કલબના નવા મેનેજર રાનિએરીના માર્ગદર્શનમાં ટીમ નવો ઇતિહાસ રચવામાં સફળ રહી છે. ૬૪ વર્ષીય રાનિએરી આ અગાઉ કોઈ પણ કલબને ચેમ્પિયન બનાવી શક્યા નથી અને ગયા વર્ષે જ્યારે તેમણે લેસ્ટર ટીમનું સુકાન સંભાળ્યું હતું ત્યારે સ્થિતિ અત્યંત ખરાબ હતી. ટીમની સફળતાનું મુખ્ય કારણ એ પણ છે કે તેના સ્ટાર ખેલાડીઓ ઇજામુક્ત રહ્યા હતા. આથી ડિસેમ્બર અને જાન્યુઆરીના વ્યસ્ત કાર્યક્રમમાં પણ ટીમ સફળ રહી હતી. ટીમના સ્ટ્રાઇકર જેમી વાર્ડીને ફૂટબોલ રાઇટર્સ દ્વારા ફૂટબોલર ઓફ ધ યરનું સન્માન એનાયત થયું છે.

રાનિએરીએ ચેલ્સી કલબનો આભાર માન્યો!

ચેલ્સી કલબે ૨૦૦૪માં કોચ રાનિએરીને તેમના હોદ્દા પરથી બરતરફ કર્યા હતા. સોમવારે ચેલ્સીએ ટોટનહામ સામેનો મુકાબલો ડ્રો કરતાની સાથે લેસ્ટર ચેમ્પિયન બની હતી. મેચ પૂરી થતાંની સાથે જ રાનિએરીએ ચેલ્સી કલબના મેનેજર ગસ હિન્ડિકને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો. હિંન્ડિકે જણાવ્યું હતું કે રાનિએરીનો ફોન આવ્યો હતો અને તેમણે મારી ટીમનો આભાર માન્યો હતો. મેં પણ તેમને ચેમ્પિયન બનવા બદલ અભિનંદન આપ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter