લોર્ડ્સઃ ઇંગ્લેન્ડ-ભારત ત્રીજી ટેસ્ટનું પરિણામ ભલે ટીમ ઇંડિયાની તરફેણમાં ન આવ્યું હોય, પરંતુ મેચ બાદ રવીન્દ્ર જાડેજાની ચર્ચા એક હીરોની જેમ થઈ રહી છે. લોર્ડ્સમાં ભારતની જીત માટે જે રીતે તેણે લડત આપી, તેના માટે જાડેજાના વખાણ થવા સ્વાભાવિક છે.
ઈંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ કોઈપણ ભારતીય બેટ્સમેનની સરખામણીમાં લોર્ડ્સ ક્રીઝ પર સૌથી વધુ સમય વિતાવ્યો. લોર્ડ્સ ટેસ્ટમાં, તે કુલ 473 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો. ભારત જીતશે તેવી આશા સાથે. જોકે આવું બન્યું નહીં પરંતુ તેમના નામે એક અજોડ રેકોર્ડ ચોક્કસ નોંધાઈ ગયો.
જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દાવમાં 207 મિનિટ બેટિંગ કરીને 82 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં 266 મિનિટ સુધી બેટિંગ કરી 61 રન બનાવ્યા પછી અણનમ રહ્યો. આમ તેણે લોર્ડ્સ ટેસ્ટમાં કુલ 473 મિનિટ એટલે કે 7 કલાક 53 મિનિટ બેટિંગ કરીને 133 રન બનાવ્યા.
રવીન્દ્ર જાડેજા છેલ્લા 72 વર્ષમાં લોર્ડ્સમાં ટેસ્ટ મેચમાં બંને ઈનિંગ્સમાં 50થી વધુ રન બનાવનાર વિનુ માંકડ બાદ બીજો ખેલાડી બન્યો હતો. 1952માં ભારત-ઈંગ્લેન્ડ લોર્ડ્સ ટેસ્ટની પહેલી ઈનિંગમાં વિનુ માંકડે 72 અને બીજી ઈનિંગમાં 183 રનની જોરદાર ઈનિંગ્સ રમી હતી.
જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના 7000 રન પણ પૂરા કર્યા હતા. તે 7000થી વધુ રન બનાવનાર અને 600થી વધુ વિકેટ લેનાર વિશ્વનો ચોથો ક્રિકેટર બન્યો હતો. જાડેજા પહેલા કપિલ દેવ, શોન પોલોક અને શાકિબ અલ હસન પણ આ સફળતા મેળવી ચૂક્યા છે.
કુંબલેના નિવેદને ચર્ચા છંછેડી
જાડેજાએ ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે ઈંગ્લેન્ડ સામે 193 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતને મેચમાં બનાવી રાખવા માટે લડાયક ઈનિંગ રમી. જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ અને બ્રાયડન કાર્સની ઘાતક ફાસ્ટ બોલિંગ સામે ભારતની ટોપ અને મીડલ ઓર્ડરની બેટિંગ વિખેરાઈ ગઈ હતી. પરંતુ જાડેજાએ મોર્ચો સંભાળ્યો અને હાર માનવાનો ઈનકાર કરી દીધો. જોકે, ભારત લક્ષ્યથી 22 રનથી દૂર રહી ગયું. જાડેજાએ બુમરાહ અને સિરાજ સાથે 58 રન ઉમેર્યા અને 181 બોલમાં 61 રન બનાવી અણનમ રહ્યો. જાડેજાએ સાવધાનીપૂર્વક બેટિંગ કરી અને ઈંગ્લેન્ડને કોઈ તક ન આપી. ચેન્નાઈ સુપર કિંગ્સના આ ઓલરાઉન્ડરે 48મી ઓવરમાં ક્રિસ વોક્સના બોલ પર છગ્ગો ફટકારીને પોતાનો ઈરાદો દર્શાવ્યો, પરંતુ તે પછી ભારતે 107 બોલ સુધી કોઈ બાઉન્ડ્રી ન લગાવી. હવે પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ કહ્યું કે, ‘જાડેજાએ વોક્સ અને સ્પિનરો સામે થોડું વધુ જોખમ લેવાની જરૂર હતી, જેથી ભારત લક્ષ્ય વધુ નજીક પહોંચી શક્યું હોત. તેણે એક કે બે તક લેવી જોઈતી હતી.’
ગાવસ્કર અને ગિલે કર્યો બચાવ
જોકે બેટિંગ દિગ્ગજ સુનીલ ગાવસ્કરે જાડેજાની વ્યૂહનીતિનો બચાવ કર્યો અને કહ્યું કે ‘જાડેજા તે પરિસ્થિતિમાં કંઈ ખાસ કરી પણ નહોતો શકતો. તે નીચલા ક્રમના બેટ્સમેન સાથે રમી રહ્યો હતો અને શક્ય તેટલી સ્ટ્રાઈક પોતાની પાસે રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે સમયે તમે આવી પિચ પર હવામાં શોટ રમવાનું ટાળો છો. આ જ તેનો ઉદ્દેશ્ય હતો.’ બીજી તરફ કેપ્ટન ગિલે જાડેજાની વ્યૂહનીતિનું સમર્થન કરતા કહ્યું કે, ભારત નાની-નાની પાર્ટનરશિપ દ્વારા ધીમે-ધીમે ઈંગ્લેન્ડ પર દબાણ બનાવવા માગતું હતું. ભારતની બીજી યોજના બીજા નવા બોલની રાહ જોવાની હતી, જે માત્ર 5.1 ઓવર દૂર હતો.