વન્ડર વિમેન્સઃ ભારત પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન

Wednesday 05th November 2025 04:49 EST
 
 

મુંબઈ: શેફાલી વર્માના ઓલરાઉન્ડ પ્રદર્શન અને મિડલ ઓર્ડરમાં દીપ્તિ શર્માએ નોંધાવેલી આક્રમક અડધી સદીની મદદથી ભારતે આઈસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. ભારત અગાઉ બે વખત 2005 અને 2017માં રનર્સ-અપ બન્યું હતું. ભારતના સાત વિકેટે 298 રનના સ્કોર સામે સાઉથ આફ્રિકાની પૂરી ટીમ 246 રન નોંધાવી શકી હતી. વિમેન્સ વન-ડે વર્લ્ડ કપના 52 વર્ષના ઈતિહાસમાં ભારત પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે. આ પહેલાં ભારત બે વખત રનર્સ-અપ બન્યું હતું. રસપ્રદ બાબત એ છે કે 2000થી અત્યાર સુધી રમાયેલા છ વર્લ્ડ કપમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ પાંચ વખત ચેમ્પિયન બની છે. શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ તથા દીપ્તિ શર્મા પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બની છે.
વડાપ્રધાનના ટીમને અભિનંદન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન આપતાં સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 ફાઇનલમાં ભારતીય ટીમનો શાનદાર વિજય, ફાઇનલમાં તેમનું પ્રદર્શન મહાન કૌશલ્ય અને આત્મવિશ્વાસથી ભરેલું હતું. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ ટીમવર્ક અને મક્કમતા દર્શાવી. આપણા ખેલાડીઓને અભિનંદન. આ ઐતિહાસિક જીત ભવિષ્યના ચેમ્પિયનોને રમતગમતમાં જોડાવા માટે પ્રેરિત કરશે.
ટીમને રૂ. 51 કરોડનું ઈનામ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વિશ્વ કપ જીતી લેતાં દેશભરમાં ખુશીનો માહોલ છે. ઇતિહાસ રચનારી ટીમ ઈન્ડિયાને આઈસીસી તરફથી લગભગ 43 કરોડ રૂપિયાનું ઈનામ મળ્યું છે. બીજી તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પણ મહિલા ખેલાડીઓ માટે પોતાનો ખજાનો ખોલી નાખ્યો છે. બીસીસીઆઈએ રવિવારે રાત્રે મુંબઈમાં દેશને પ્રથમ મહિલા વિશ્વકપની ભેટ આપનાર ટીમ ઈન્ડિયાને રૂ. 51 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય મહિલા ખેલ ઇતિહાસમાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ઇનામ છે. જેને ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફ વચ્ચે વહેંચવામાં આવશે.
બીસીસીઆઈના સચિવ દેવજિત સૈકિયાએ જણાવ્યું હતું કે આ જીત ભારતીય ક્રિકેટનું બેકગ્રાઉન્ડ બદલી નાખશે. તેમણે ઉમેર્યું હતું કે 1983માં કપિલ દેવે ભારતને વિશ્વકપ જીતાડીને ક્રિકેટમાં એક નવા યુગની અને પ્રોત્સાહનની શરૂઆત કરી હતી. આજે મહિલાઓએ પણ તે જ ઉત્સાહ અને પ્રોત્સાહન દેખાડયું છે. હરમનપ્રિત કૌર અને તેની ટીમે આજે ફક્ત ટ્રોફી જ નથી જીતી પણ સાથે તમામ ભારતીયોના દિલ પણ જીતી લીધા છે. તેમણે ઉમેર્યું હતું કે જય શાહની આગેવાની હેઠળ મહિલા ક્રિકેટમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter