વરસાદના વિઘ્ન વચ્ચે વિન્ડીઝને ૫૯ રને હરાવતું ભારત

Wednesday 14th August 2019 08:56 EDT
 
 

પોર્ટ ઓફ સ્પેનઃ મેન ઓફ ધ મેચ કેપ્ટન વિરાટ કોહલીની ઝમકદાર સદી (૧૨૦) બાદ પેસ બોલર ભુવનેશ્વર કુમારે ઝડપેલી ચાર વિકેટની મદદથી ભારતે બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝને ૫૯ રને હરાવ્યું હતું. ક્વિન્સ પાર્ક ઓવલમાં રમાયેલી બીજી વન-ડેમાં વરસાદના વિઘ્ન બાદ મેચનું પરિણામ ડકવર્થ લુઇસ નિયમના આધારે નક્કી થયું હતું.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ૫૦ ઓવરમાં સાત વિકેટે ૨૭૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો. રનચેઝ કરતી યજમાન ટીમને ઇનિંગ્સ દરમિયાન ૧૨.૫ ઓવર બાદ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. આથી ડકવર્થ લુઇસ નિયમના આધારે વિન્ડીઝને ૪૬ ઓવરમાં ૨૭૦ રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. જેની સામે કેરેબિયન ટીમ ૪૨ ઓવરમાં ૨૧૦ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ભુવનેશ્વરે ૮ ઓવરમાં માત્ર ૩૧ રન આપીને ૪ વિકેટ ખેરવી હતી.
આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી લીધી હતી. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે પ્રથમ વન-ડે ધોવાઈ ગઈ હતી. રનચેઝમાં વિન્ડીઝની શરૂઆત ધીમી રહી હતી અને નવમી ઓવરના ત્રીજા બોલે ૪૫ રનના સ્કોરે ક્રિસ ગેઇલ (૧૧) પેવેલિયન પરત ફર્યો હતો. ગેઇલે આ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી સર્વાધિક વન-ડે રમવાનો રેકોર્ડ નોંધાવીને બ્રાયન લારાને (૨૭૯) પાછળ રાખી દીધો હતો. ઓપનર ઇવિન લુઇસે સર્વાધિક ૬૫ રન બનાવ્યા હતા. નિકોલ પૂરને ૪૨ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે મોહમ્મદ શમી તથા કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.
પ્રારંભે ભારતની ઇનિંગ્સ પણ નિરાશાજનક રહી હતી અને ત્રીજા જ બોલે ઓપનર ધવનની વિકેટ ગુમાવી હતી. કોહલીએ ૧૨૫ બોલમાં ૧૪ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૧૨૦ રન બનાવ્યા હતા. રિષભ પંતે ૨૦ રન બનાવ્યા બાદ લગભગ વિકેટ ફેંકી દીધી હતી. શ્રેયસ ઐય્યરે ૬૮ બોલમાં શાનદાર ૭૧ રનની ઇનિંગ્સ રમી હતી. કાર્લોસ બ્રાથવેઇટે ૫૩ રનમાં વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter