વર્લ્ડ કપ સેમિ-ફાઇનલઃ ભારત-ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ-સાઉથ આફ્રિકા ટકરાશે

Saturday 21st March 2015 08:24 EDT
 

એડિલેડ, સિડનીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો જુવાળ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયેલી ગ્રૂપ-એ અને ગ્રૂપ-બીની કુલ આઠ ટીમોમાંથી યજમાન દેશો ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ ઉપરાંત ભારત અને સાઉથ આફ્રિકાની ટીમે સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.
ટુર્નામેન્ટની ટોચની ચાર ટીમમાં સ્થાન મેળવવા માટે ભારતે બાંગ્લાદેશને, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને, સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને અને ન્યૂ ઝીલેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું છે. હવે ક્રિકેટચાહકોની નજર ૨૪ માર્ચે ન્યૂ ઝીલેન્ડ-સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારા અને ૨૬ માર્ચે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારા જંગ પર છે.
ન્યૂ ઝીલેન્ડ-વેસ્ટ ઇંડિઝ
વેલિંગ્ટનમાં રમાયેલી ટૂર્નામેન્ટની અંતિમ ક્વાર્ટર ફાઇનલમાં યજમાન ન્યૂ ઝીલેન્ડે ૧૪૩ રને વેસ્ટ ઇંડિઝને હરાવીને સેમિ-ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. ન્યૂ ઝીલેન્ડના વિજયમાં ગુપ્ટીલના અણનમ ૨૩૭ રનનું મહત્ત્વનું પ્રદાન હતું. ન્યૂ ઝીલેન્ડે ૫૦ ઓવરમાં છ વિકેટે ૩૯૩ રનનો પડકારજનક જુમલો ખડક્યો હતો. આની સામે વેસ્ટ ઇંડિઝનો દાવ ૩૦.૩ ઓવરમાં ૨૫૦ રનમાં જ સમેટાઇ ગયો હતો. બ્રેન્ડન મેક્કુલમે ગુપ્ટીલની ધમાકેદાર ઇનિંગ અંગે બાદમાં કહ્યું હતું કે વન-ડેમાં ભાગ્યે જ જોવા મળે તેવી ઇનિંગ જોવા મળી છે.

ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન
બોલર્સ અને બેટ્સમેનોના ઉપયોગી યોગદાનની મદદથી વર્લ્ડ કપના સંયુક્ત યજમાન ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ૨૦ માર્ચે રમાયેલી ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં પાકિસ્તાનને છ વિકેટે કારમો પરાજય આપીને સેમિ-ફાઇનલમાં સ્થાન પાકું કર્યું છે. હવે ૨૬ માર્ચે સિડનીમાં ઓસ્ટ્રેલિયાનો સેમિ-ફાઇનલમાં મુકાબલો ભારતીય ટીમ સામે થશે, જે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજીત રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય પાકિસ્તાન માટે ખોટા સાબિત થયો હતો અને સમગ્ર ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૧૩ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. આના જવાબમાં સ્ટીવ સ્મિથ તથા શેન વોટસનની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ૩૩.૫ ઓવરમાં ચાર વિકેટના ભોગે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ૩૫ રનમાં ચાર વિકેટ ઝડપનાર હેઝલવુડને મેન ઓફ ધ મેચ થયો હતો. પાકિસ્તાનની ઇનિંગ્સમાં તમામ ખેલાડીઓ કેચઆઉટ થયા છે. વર્તમાન વર્લ્ડ કપમાં આવો બનાવ ચોથી વખત અને વર્લ્ડ કપના ઇતિહાસમાં છઠ્ઠી વખત બન્યો છે.
ભારત-બાંગ્લાદેશ
સિડનીમાં ૧૯ માર્ચે રમાયેલા બીજા ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતે રોહિત શર્માની સદી અને રૈના અર્ધી સદી બાદ બોલરોના ઉમદા પ્રદર્શનને આધારે બાંગ્લાદેશને ૧૦૯ રને પરાજય આપી સેમિ-ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં મેન ઓફ ધ મેચ રોહિતના શાનદાર ૧૩૭ રન અને રૈનાના આક્રમક ૬૫ રનની મદદથી છ વિકેટે ૩૦૨ રન કર્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની સમગ્ર ટીમ ૪૫ ઓવરમાં ૧૯૩ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરનાર ભારતીય ટીમે ઓપનર રોહિત શર્મા અને શિખર ધવને ધીમી પરંતુ મક્કમ શરૂઆત કરતાં પ્રથમ વિકેટ માટે ૭૫ રનની ભાગીદારી નોંધાવી હતી. આ સમયે શાકિબે ૧૭મી ઓવરમાં ધવનને સ્ટમ્પિંગ કરાવી ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. ધવન બાદ કોહલી પણ ત્રણ રનના સ્કોરે આઉટ થયો હતો. ટીમનો સ્કોર ૧૦૦ રનની પાર પહોંચ્યો ત્યારે રહાણેની વિકેટ પડતાં ભારત પર દબાણ વધ્યું હતું. આ પછી રોહિત અને રૈનાની જોડીએ ચોથી વિકેટ માટે ૧૨૨ રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જાડેજાએ ૧૦ બોલમાં અણનમ ૨૩ રન કર્યા હતા.
બાંગ્લાદેશે ૩૩ રનમાં બે વિકેટ ગુમાવી હતી. આ સમયે બાંગ્લાદેશની નજર મહમદુલ્લાહ પર હતી, જેણે છેલ્લી બન્ને મેચમાં સદી ફટકારી હતી. જોકે, મહમદુલ્લાહ આક્રમક થાય તે પહેલાં શમીએ તેને કેચઆઉટ કરાવ્યો હતો. આ પછી બાંગ્લદેશની ટીમ વિખેરાઈ ગઈ હોય તેમ ૧૩૯ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. નાસિર અને શબ્બીરે ઝઝૂમીને સ્કોર ૧૮૯ રન સુધી પહોંચાડ્યો હતો, પણ નાસિરના આઉટ થયા બાદ સમગ્ર ટીમ ૧૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

સાઉથ આફ્રિકા-શ્રીલંકા
સિડનીમાં ૧૮ માર્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સાઉથ આફ્રિકાએ નોકઆઉટ રાઉન્ડમાં હારી જવાની ૨૩ વર્ષ જૂની પરંપરા તોડી હતી. આ મેચમાં સાઉથ આફ્રિકાએ શ્રીલંકાને નવ વિકેટે પરાજય આપ્યો હતો. મેન ઓફ ધ મેચ ઇમરાન તાહિર (૪/૨૬) અને હેટ્રિક ઝડપનાર જે. પી. ડ્યુમિની (૩/૨૯) ટીમના વિજયશિલ્પી હતા. સાઉથ આફ્રિકા હવે સેમિ-ફાઇનલમાં ૨૪ માર્ચે ઓકલેન્ડમાં ન્યૂ ઝીલેન્ડ સામે ટકરાશે.
શ્રીલંકાએ ટોસ જીતીને દાવ લેતાં ચાર રનના સ્કોરે ઓપનર દિલશાન (૦) અને કુશલ (૩) પેવેલિયન ભેગા થયા હતા. આ પછી ત્રીજી વિકેટ માટે સંગાકારા (૪૫) અને થિરિમાને (૪૧)એ ૬૫ રન ઉમેર્યા. થિરિમાનેના આઉટ થતાં જ ટીમ લથડી ગઈ હતી. સાત બેટસમેનનો સ્કોર બે આંકમાં પણ પહોંચ્યો નહોતો. આની સામે સાઉથ આફ્રિકાએ લક્ષ્યને ૧૮ ઓવરમાં એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધું. ડી કોક (૭૮) અને અમલા (૧૬)એ પહેલી વિકેટની ભાગીદારીમાં ૪૦ રન ઉમેર્યા હતા. ડીકોક અને ફાફડૂ પ્લેસિસ (૨૧)એ ૯૪ રન ઉમેર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter