વર્લ્ડ કપમાં ભારતનો ધમાકેદાર પ્રારંભઃ સાઉથ આફ્રિકાને હરાવ્યું

Saturday 08th June 2019 07:48 EDT
 
 

સાઉધમ્પટનઃ ભારતે વર્લ્ડ કપ મિશનનો ધમાકેદાર પ્રારંભ કરતા સાઉથ આફ્રિકાને ૧૫ બોલ બાકી હતા ત્યારે જ ૬ વિકેટે આસાન પરાજય આપ્યો હતો. સાઉથ આફ્રિકાએ ૫૦ ઓવરોમાં ૯ વિકેટે ૨૨૭ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ભારતે ઓપનર અને મેન ઓફ ધ મેચ રોહિત શર્માના ૧૪૪ બોલમાં ૧૩ ચોગ્ગા અને બે છગ્ગા સાથેના અણનમ ૧૨૨ રનની મદદથી ૪૭.૩ ઓવરોમાં ૪ વિકેટે વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
ભારતના વિજયમાં સ્પિનર યુજવેન્દ્ર ચહલનું પણ મહત્ત્વનું યોગદાન હતું. તેણે ૧૦ ઓવરમાં ૫૧ રન આપીને ૪ મહત્ત્વની વિકેટ ઝડપી હતી. બુમરાહે બંને ઓપનર અમલા (૬) અને ડી’કોક (૧૦)ને બીજી અને ત્રીજી ઓવરમાં આઉટ કરીને સાઉથ આફ્રિકાને ઝટકો આપ્યો હતો. આ પછી ચહલે મિડલ ઓર્ડરમાં ગાબડા પાડતાં ડુ પ્લેસિસ, હુસેન અને મિલરની વિકેટ ઝડપી હતી. આ ત્રણેય બેટસમેનો સેટ થઈ ગયા હતા. એક તબક્કે તો ૮૯ રનમાં સાઉથ આફ્રિકાની અડધી ટીમ પેવેલિયનમાં પહોંચી ગઈ હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી મોટી ૬૬ રનની ભાગીદારી ફેલુકાવ્યો અને મોરિસે નોંધાવી હતી. બુમરાહ અને ભુવનેશ્વરે બે-બે વિકેટ ઝડપી હતી.
સાઉથ આફ્રિકાના મુખ્ય સ્ટ્રાઈક બોલર સ્ટેન અને એન્ડિગી પણ અનફીટ હોઈ બોલિંગ હરોળ ખૂબ જ સામાન્ય જણાતી હતી. ભારતના બેટસમેનો ક્યારેય પણ દબાણમાં જોવા મળ્યા નહોતા. ભારત પર રનરેટનું સહેજ પણ દબાણ નહોતું. ધવન અને કોહલી ૨૮ રને આઉટ થયા તો પણ ભારતની બેટિંગ લાઈનઅપ મજબૂત હતી. રોહિત શર્મા અડીખમ બેટિંગ કરતો હતો. સામે છેડે નાની-મોટી ભાગીદારીની જ જરૂર હતી. રોહિત શર્મા અને રાહુલ વચ્ચે ત્રીજી વિકેટની ૮૫ રનની ભાગીદારી થઈ હતી. જ્યારે રોહિત શર્મા અને ધોની વચ્ચે ચોથી વિકેટની ૮૪ રનની ભાગીદારી નોંધાઈ હતી.
સાઉથ આફ્રિકા તરફથી રબાડાએ ૧૦ ઓવરોમાં ૩૯ રન આપીને ૨ વિકેટ ઝડપી હતી. સ્પિનર શામ્શી અને તાહિર પ્રભાવ નહોતા પાડી શક્યા.

કોહલીનો ૫૦મો વન-ડે વિજય

વર્લ્ડ કપમાં ભારતના વિજયી પ્રારંભની સાથે કોહલીએ કેપ્ટન તરીકે ૫૦મો વન-ડે વિજય મેળવીને રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતું. કોહલીની કેપ્ટન તરીકેની કારકિર્દીની ૬૯મી વન- ડેમાં ૫૦મા વિજયની સિદ્ધિ હાંસલ કરી છે. સૌથી ઓછી મેચોમાં ૫૦ વિજય મેળવવામાં તે ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે ક્લાઈવ લોઈડ અને રિકી પોન્ટિંગ છે, જેઓએ કેપ્ટન તરીકે શરૂઆતની માત્ર ૬૩ વન-ડેમાં જ ૫૦ વિજય મેળવ્યા હતા. જ્યારે બીજા ક્રમે સાઉથ આફ્રિકાનો સ્વ. કેપ્ટન હેન્સી ક્રોનીએ છે, જેણે ૬૮ વન ડેમાં આ સિદ્ધિ મેળવી હતી.

૯મી વખત સદી સાથે અણનમ

ભારતને વર્લ્ડ કપમાં વિજયી શુભારંભ અપાવવામાં રોહિત શર્માએ અણનમ ૧૨૨ રન ફટકાર્યા હતા. આ સાથે તે કારકિર્દીમાં વન-ડેમાં રન ચેઝ કરતાં સદી સાથે ૯મી વખત અણનમ રહ્યો હતો. આ યાદીમાં કોહલી રન ચેઝમાં સદી સાથે ૧૧ વખત અણનમ રહીને પ્રથમ ક્રમે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter