વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ડ્રો કે ટાઇ થશે તો ભારત-ન્યૂઝીલેન્ડ સંયુક્ત વિજેતા બનશે

Wednesday 02nd June 2021 12:35 EDT
 
 

દુબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮મી જૂને ઇંગ્લેન્ડના આંગણે સાઉથમ્પ્ટનમાં રમાનારી પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલની પ્લેઇંગ કન્ડિશનની આઇસીસીએ જાહેરાત કરી દીધી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ જણાવ્યું છે કે મેચ ડ્રો કે ટાઇ થાય તો તેનો નિર્ણય અલગથી નહીં કરાય, પરંતુ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આઇસીસીએ અગાઉ રિઝર્વ દિવસની પણ જાહેરાત કરી હતી, જે અનુસાર ૨૩ જૂન રિઝર્વ-ડે તરીકે રહેશે. જોકે આઇસીસીએ સ્પષ્ટતા કરી દીધી છે કે પાંચ દિવસના રેગ્યુલર દિવસમાં સમય વેડફાયો હોય તો જ રિઝર્વ-ડેનો ઉપયોગ કરાશે અને મેચ રેફરી ટેસ્ટના પાંચમા દિવસે આ અંગેનો નિર્ણય લેશે. જો નિર્ધારિત પાંચ દિવસમાં વિજય, પરાજય, ડ્રો કે ટાઇનું પરિણામ આવશે તો રિઝર્વ-ડેના દિવસે રમત રમાશે નહીં. આ નિર્ણય ૨૦૧૮માં ચેમ્પિયનશિપ શરૂ કરતાં પહેલાં જ લેવામાં આવ્યો હતો.

મેચ રેફરી કરશે રિઝર્વ-ડેનો નિર્ણય
આઇસીસીએ જણાવ્યું હતું કે રિઝર્વ-ડેનો નિર્ણય મેચ રેફરીએ લેવાનો રહેશે. તે સમય અંગે કોઇ પણ મુશ્કેલી નડશે તો બંને ટીમો અને મીડિયાને આ બાબતની જાણકારી આપીને રિઝર્વ-ડેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવશે તેની માહિતી આપશે. રિઝર્વ-ડેના દિવસે રમત રમાશે કે નહીં, કેટલી ઓવર્સ કે કેટલા સમયની રમત રહેશે તે બાબતે રેફરી પાંચમા દિવસની રમત પૂરી થવાના એક કલાક પહેલાં જાહેરાત કરશે.

રિવ્યૂ નિયમોમાં ફેરફાર
આઇસીસી, ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સમિતિએ ડીઆરએસમાં એલબીડબ્લ્યૂના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. નવા નિયમ મુજબ એલબીડબ્લ્યૂના રિવ્યૂ માટે વિકેટ ઝોનની ઊંચાઇ સ્ટમ્પના સૌથી ઉપરના ભાગ સુધી કરી દેવામાં આવી છે. હવે રિવ્યૂ લેવામાં આવશે તો બેઇલ્સની ઉપરના ભાગને ગણતરીમાં લેવાશે. જો બોલ ૫૦ ટકા બેઇલ્સના ઉપરના ભાગને અડકતો હશે તો તેને અમ્પાયર્સ કોલ આપવામાં આવશે.

ગ્રેડ-૧ ડયૂક બોલનો ઉપયોગ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ ગ્રેડ-૧ ડયૂક બોલથી રમાશે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝમાં આ પ્રકારના બોલનો ઉપયોગ કરાય છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા જેવા દેશોમાં એસજી બોલનો ઉપયોગ થાય છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં કૂકાબૂરા બોલ વાપરવામાં આવે છે. આઇસીસીએ ફેબ્રુઆરીમાં ડીઆરએસ તથા અમ્પાયર્સ કોલ અંગેનો નિર્ણય જારી રહેશે તેવી પણ સ્પષ્ટતા કરી હતી.

રિવ્યૂ પહેલાં ખેલાડી અમ્પાયરને પૂછશે
આઇસીસીએ બીજો ફેરફાર પણ એલબીડબ્લ્યૂના રિવ્યૂ અંગે કર્યો છે. નવા નિયમ મુજબ અમ્પાયર્સના નિર્ણય સામે રિવ્યૂ લેતાં પહેલાં ખેલાડી અમ્પાયર સાથે વાતચીત કરીને તેણે બોલને યોગ્ય રીતે રમવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં તે અંગે પૂછપરછ પણ કરી શકશે. આ પ્રક્રિયામાં બેટ્સમેનને રિવ્યૂ લેવામાં સરળતા રહેશે અને કોઇ ટીમનો રિવ્યૂ બરબાદ થશે નહીં.

DRS અને અમ્પાયર્સ કોલનો નિર્ણય યથાવત્
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેની ભારતની ટેસ્ટ શ્રેણી ડીઆરએસના કારણે વિવાદોમાં પણ રહી હતી. તેમાં એલબીડબ્લ્યૂના નિયમ અંગે અમ્પાયર્સ કોલ સામે પણ ઘણા પ્રશ્નાર્થ થયા હતા. ડીઆરએસ નિયમની પુનઃ વિચારણા કરવા માગણી પણ થઇ હતી, પરંતુ આઇસીસીએ માર્ચમાં તેને જારી રાખવાનો નિર્ણય કર્યો છે. ડીઆરએસ મેદાનમાં થતી ભૂલોને સુધારવા માટે ઉપયોગમાં લેવાય છે.
શોર્ટ રનનો નિર્ણય હવે થર્ડ અમ્પાયરના હાથમાં હશે. ત્રીજો ફેરફાર આઇસીસીએ શોર્ટ રન અંગે કર્યો છે. નવા નિયમ મુજબ શોર્ટ રનનો નિર્ણય ટીવી અમ્પાયર કરશે. આઇસીસીએ જણાવ્યું હતું કે થર્ડ અમ્પાયર રિપ્લેમાં આ બાબતની સમીક્ષા કરશે. જો તેમાં કોઇ ભૂલ જણાશે તો ઓવરનો નવો બોલ નખાય તે પહેલાં ફિલ્ડ અમ્પાયરને તેની જાણ કરશે. આ ઉપરાંત મેચનાં તમામ પાંચ દિવસ પિચના સ્ક્વેર ઉપર એક પણ ટીમને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter