વિક્રમોની વણઝાર સાથે વિજયપતાકા ભારતનો ઈંગ્લેન્ડ સામે શ્રેણીવિજય

Wednesday 14th December 2016 06:03 EST
 
 

મુંબઈઃ ભારતીય ટેસ્ટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને ૩૬ રને હરાવીને પાંચ મેચની સિરીઝ ૩-૦થી કબ્જે કરી છે. ભારતીય બેટિંગ હરોળે વિજયનો પાયો નાખ્યો હતો, અને ઓફ સ્પિનર અશ્વિને છ વિકેટ ઝડપીને તેના પર સફળતાનું નિર્માણ કર્યું હતું. આમ ચોથી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતે ઇંગ્લેન્ડને કારમો પરાજય આપ્યો હતો.
પાંચમા દિવસે ભારતે વિજય હાંસલ કરવા માત્ર ૩૪ મિનિટનો સમય લીધો હતો. અશ્વિને ઇંગ્લેન્ડની બાકીની ચારેય વિકેટ ઝડપી લેતાં પ્રવાસી ટીમ ૫૫.૩ ઓવરમાં ૧૯૫ રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે ૨૦૦૮ બાદ પ્રથમ વખત એટલે કે આઠ વર્ષ બાદ ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય હાંસલ કર્યો છે. હવે બન્ને ટીમો ૧૬થી ૨૦ ડિસેમ્બર ચેન્નઈમાં પાંચમી ટેસ્ટ રમાશે.
પ્રથમ દાવમાં ધમાકેદાર બેવડી સદી નોંધાવનાર કોહલી (૨૩૫)ને મેન ઓફ ધ મેચ થયો હતો. અંતિમ દિવસે ઇંગ્લેન્ડે છ વિકેટે ૧૮૨ રનના સ્કોરને આગળ વધારવાનું શરૂ કર્યું હતું. અશ્વિને બેરિસ્ટોને (૫૧) કેરમ બોલ દ્વારા એલબીડબ્લ્યૂ આઉટ કર્યા બાદ ક્રિસ વોકિસ (૦)ને ઓફ બ્રેક બોલમાં બોલ્ડ કર્યો હતો. પછી રશીદે (૨) અશ્વિનના બોલ પર ડીપ મિડવિકેટ પર રાહુલને કેચ આપ્યો હતો. આ સાથે જ અશ્વિને ઇનિંગ્સમાં પાંચ વિકેટ પૂરી કરી હતી. જેમ્સ એન્ડરસન (૨) પણ ફ્લિક શોટ રમ્યો હતો, પરંતુ બોલ યાદવના હાથમાં કેચ સ્વરૂપે ગયો હતો અને ભારતના વિજયની ઔપચારિકતા પૂરી થઈ હતી.

૧૪ વર્ષ બાદ ઇનિંગ્સથી હાર

ભારતે ૧૪ વર્ષ બાદ ઇંગ્લેન્ડને ઇનિંગ્સના અંતરથી હરાવ્યું છે. ભારતે છેલ્લે ૨૦૦૨માં ઇનિંગ્સ તથા ૪૬ રને પરાજય આપ્યો હતો. અત્યાર સુધી ભારતે ૩૬ વખત ઇનિંગ્સથી વિજય મેળવ્યો છે.

૨૩ વર્ષ બાદ ત્રણ ટેસ્ટ જીતી

ભારતે ૨૩ વર્ષ કરતાં પણ વધારે લાંબા સમય બાદ ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં સતત ત્રણ ટેસ્ટ જીતી છે. છેલ્લે ૧૯૯૩માં ગ્રેહામ ગૂચની ઇંગ્લિશ ટીમને મોહમ્મદ અઝહરુદ્દીનની ટીમે ૩-૦થી પરાજય આપ્યો હતો. આ પછી ભારત ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ૨૦૦૧-૦૨, ૨૦૦૬, ૨૦૦૮ તથા ૨૦૧૨માં રમાયેલી ચાર શ્રેણીમાં ત્રણ ટેસ્ટ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.

અશ્વિને કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો

અશ્વિને વાનખેડે સ્ટેડિયમમાં ૧૨ વિકેટ ઝડપી હતી, જે કોઈ પણ સ્પિનર તરીકેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ મેચમાં અશ્વિને કપિલ દેવના એક વિશેષ રેકોર્ડને તોડી નાખ્યો હતો. અશ્વિને ઇંગ્લેન્ડના બીજા દાવમાં ૫૫ રન આપીને છ વિકેટ ખેરવી હતી. તેણે પ્રથમ દાવમાં ૧૧૨ રનમાં છ વિકેટ ઝડપી હતી.

૨૪મી વખત પાંચ કે વધુ વિકેટ

અશ્વિને રશીદને રાહુલના હાથે કેચઆઉટ કરાવીને ઇનિંગ્સમાં પાંચમી વિકેટ ઝડપી હતી. તેણે ૨૪મી વખત ટેસ્ટ મેચના એક દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવીને કપિલના (૨૩) રેકોર્ડને તોડી નાખ્યો હતો. ટેસ્ટમાં સર્વાધિક વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાના મામલે અશ્વિન ત્રીજા ક્રમે છે.

નેગેટિવ માઇન્ડ ગેમ નહીંઃ કોહલી

જેમ્સ એન્ડરસને કરેલા વિવાદાસ્પદ નિવેદનને વધારે પ્રાધાન્ય આપ્યા વિના કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લિશ બોલરને સમય સાથે આગળ વધવાની સલાહ આપતા કહ્યું હતું કે હું નકારાત્મક માઇન્ડ ગેમમાં માનતો નથી. કોહલીએ ઉમેર્યું હતું કે મેચ દરમિયાન અશ્વિને પણ એન્ડરસનને પરાજય કબૂલાત કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. નોંધનીય છે કે એન્ડરસને ચોથા દિવસની રમત પૂરી થયા બાદ કોહલીને ‘ઘરઆંગણાના શેર’ જેવો ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ભારતની સપાટ પિચો ઉપર કોહલીની બેટિંગ ટેક્નિકની નબળાઈઓ બહાર આવતી નથી. એન્ડરસન પાંચમા દિવસે બેટિંગમાં આવ્યો કે અશ્વિને તેની સાથે શાબ્દિક ટપાટપી કરી હતી. વિવાદ વકરે તે પહેલાં કોહલી તથા બન્ને અમ્પાયર્સે હસ્તક્ષેપ કરીને તેમને છૂટા પાડ્યા હતા. કોહલીએ જણાવ્યું હતું કે એન્ડરસનના નિવેદનથી અશ્વિન અપસેટ હતો અને તેણે મને સવારે આ બાબતની જાણ કરી હતી.

સતત ૧૭ ટેસ્ટમાં અજેય

મુંબઈમાં ચોથી ટેસ્ટ જીતવાની સાથે ભારતીય ટીમે એક વિશેષ રેકોર્ડ સરભર કર્યો છે. ભારતે ઇંગ્લેન્ડને એક ઇનિંગ્સ તથા ૩૬ રનથી હરાવવાની સાથે સતત ૧૭ ટેસ્ટમાં અજેય રહેવાની સિદ્ધિ હાંસલ કરવા ઉપરાંત ૨૯ વર્ષ જૂનો રેકોર્ડ સરભર કર્યો છે. કોહલીની ટીમે ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ૧૯૮૫થી ૧૯૮૭ સુધી ટેસ્ટ મેચમાં અપરાજિત રહેવાના વિક્રમની બરોબરી કરી છે. હવે કોહલી સામે સુનિલ ગાવસ્કરના નેતૃત્વમાં સતત ૧૮ ટેસ્ટમાં અપરાજિત રહેવાના રેકોર્ડને તોડવાનો પડકાર રહેશે. ગાવસ્કરની ટીમ ૧૯૭૬થી ૧૯૮૦૯ સુધી સતત ૧૮ ટેસ્ટમાં અજેય રહી હતી.

રવિન્દ્ર જાડેજાની ૧૦૦ ટેસ્ટ વિકેટ

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં કેપ્ટન એલિસ્ટર કુકને લેગબિફોર વિકેટ આઉટ કર્યો હતો. આ સાથે તેણે કારકિર્દીની ૧૦૦ ટેસ્ટ વિકેટ પુરી કરવાની સિદ્ધિ મેળવી હતી. જાડેજા ભારતનો એવો ૨૦મો બોલર બન્યો છે કે જેણે ટેસ્ટમાં ૧૦૦ કે વધુ વિકેટ ઝડપી હોય. આ પછી તેણે મોઈન અલીની વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવામાં ઈરફાન પઠાણને ઓવરટેક કરતાં ૧૯મો ક્રમ મેળવ્યો હતો. ઈરફાન હવે ૨૦મા ક્રમે છે. યાદીમાં કુમ્બલે નંબર વન છે, જેણે ૬૧૯ વિકેટ ઝડપી છે. જ્યારે કપિલ દેવ ૪૩૪ વિકેટ સાથે બીજા અને હરભજન સિંઘ ૪૧૭ વિકેટ સાથે ત્રીજા ક્રમે છે.

જયંતની સદી, નાનીના અંતિમ શ્વાસ

ભારતીય બેટ્સમેન જયંત યાદવ રવિવારે ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારવા તરફ આગળ વધી રહ્યો હતો તે જ સમયે તેના નાની અંતિમ શ્વાસ લઈ રહ્યા હતા. જયંત યાદવના પિતા જયસિંહ યાદવ પણ પુત્રની પ્રથમ સદી નિહાળી શક્યા નહોતા. રવિવારે સવારે જયંતના નાનીનું નિધન થતાં તેઓ દિલ્હીથી જલંધર જવા નીકળી ગયા હતા. રવિવારે સવારે પ્રથમ સત્ર દરમિયાન તેમણે ટીવી પર પુત્રની ઇનિંગ્સ નિહાળવા ટીવી ચાલુ કર્યું ત્યારે જલંધરથી દુખદ સમાચાર આવ્યા હતા. આથી તેઓ અંતિમક્રિયામાં સામેલ થવા માટે તાત્કાલિક જલંધર જવા રવાના થયા હતા. સાંજના સમયે જયંતને આ બાબતની માહિતી અપાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter