વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપ મુલત્વીઃ વર્ષ ૨૦૨૨ના બદલે હવે ૨૦૨૩માં રમાશે

Saturday 28th November 2020 06:55 EST
 
 

દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોઇન્ટ સિસ્ટમમાં ફેરફાર કરવાની સાથે બીજો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. આઇસીસીની બેઠકમાં વિમેન્સ ટી૨૦ વર્લ્ડ કપને એક વર્ષ માટે સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાયો છે. ટૂર્નામેન્ટ ૨૦૨૨ના નવેમ્બરમાં સાઉથ આફ્રિકામાં રમાવાની હતી પરંતુ હવે ૨૦૨૩ના ફેબ્રુઆરીમાં રમાશે. વર્ષ ૨૦૨૩માં વિમેન્સ ક્રિકેટની કોઇ મેજર ઇવેન્ટ યોજાવાની નહીં હોવાની બાબતને ધ્યાનમાં રાખીને આઇસીસીએ આ નિર્ણય લીધો છે.
આઇસીસીના આ નિર્ણયના કારણે ૨૦૨૨માં કોમનવેલ્થ ગેમ્સ સહિત ૩ મેજર સ્પોર્ટ્સ ઇવેન્ટ યોજાશે. કોરોનાની મહામારીના કારણે આઇસીસીએ ૨૦૨૧માં રમાનારા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપને સ્થગિત કર્યો હતો, જે ૨૦૨૧ના ફેબ્રુઆરી અને માર્ચમાં રમાવાનો હતો. આ ટૂર્નામેન્ટ હવે ૨૦૨૨માં રમાશે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૨માં યોજાનારી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ માટે વિમેન્સ ક્રિકેટ ટીમોની ક્વોલિફિકેશન પ્રક્રિયાની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે. આઇસીસી અને કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન (સીજીએફ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સ ૨૮મી જુલાઇથી આઠમી ઓગસ્ટ સુધી યોજાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter