વિમ્બલ્ડનમાં સાનિયાએ ઇતિહાસ રચ્યો

Wednesday 15th July 2015 06:29 EDT
 
 

લંડનઃ ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ વિમ્બલ્ડનમાં પ્રથમ વખત ટાઇટલ જીતી ઇતિહાસ રચ્યો હતો. સાનિયા મિર્ઝાએ સ્વિત્ઝર્લેન્ડની માર્ટિના હિંગિસ સાથે મળી મહિલા ડબલ્સનું ટાઇટલ જીતી લીધું હતું. સાનિયા મિર્ઝા-માર્ટિના હિંગિસની જોડીએ બે કલાક ૪૭ મિનિટ સુધી ચાલેલા ફાઇનલ મુકાબલામાં રશિયાની એકટેરિના મેકેરોવા અને એલિના વેસ્નિનાની જોડીને ૫-૭, ૭-૬ (૪), ૭-૫થી જીતી લીધો હતો.
પ્રથમ વાર ચેમ્પિયન
સાનિયા મિર્ઝા વિમ્બલ્ડનમાં મહિલા ડબલ્સમાં ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. સાનિયા અગાઉ ૨૦૦૯માં અને ૨૦૧૨માં મહેશ ભૂપતિ સાથે ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનમાં મિક્સ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું જ્યારે ૨૦૧૪માં બ્રાઝિલના બ્રૂનો સોઆરેસ સાથે યુએસ ઓપનમાં મિક્સ ડબલ્સમાં ચેમ્પિયન બની હતી.
જોકોવિચ મેન્સ ચેમ્પિયન
ટોચના ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે રવિવારે બે કલાક ૫૬ મિનિટ સુધી રમાયેલી વિમ્બલ્ડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ‘ફેડ એક્સ’ સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને ૭-૬ (૭-૧), ૬-૭ (૧૦-૧૨), ૬-૪, ૬-૪થી હરાવીને સતત બીજા વર્ષે ચેમ્પિયન બનવાની સિદ્ધિ મેળવી હતી. નોંધનીય છે કે ૨૦૧૪માં ચેમ્પિયન બનેલા જોકોવિચે પાંચ સેટ સુધી રમાયેલી ફાઇનલમાં ફેડરરને હરાવ્યો હતો. જોકોવિચની આ ત્રીજો વિમ્બલ્ડન તથા કારકિર્દીનો નવમો ગ્રાન્ડસ્લેમ છે. વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ સેરેના વિલિયમ્સે જીત્યું હતું. તેણે આ ટાઇટલ જીતવાની સિદ્ધિ છઠ્ઠી વખત મેળવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter