વિરાટ કોહલીની વિરાટ સિદ્ધઃ વિઝડન ક્રિકેટર ઓફ ધ યર

Thursday 06th April 2017 03:25 EDT
 
 

લંડનઃ ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ‘ક્રિકેટના બાઇબલ’ તરીકે જગવિખ્યાત મેગેઝિન 'વિઝડન'એ વર્ષ ૨૦૧૬માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રનના ઢગલા ખડકનારા વિરાટ કોહલીને 'વિઝડન લીડીંગ ક્રિકેટર ઓફ ધ યર' તરીકેનું સન્માન આપ્યું છે. આ સાથે જ કોહલીને વિઝડન ક્રિકેટર્સ આલ્મનાકના કવર પર સ્થાન આપવામાં આવ્યું છે. કોહલીની સાથે સાથે ઓસ્ટ્રેલિયાની એલીસ પેરીને વિઝડન વિમેન ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ‘વિઝડન’એ પરંપરા પ્રમાણે પાંચ સ્ટાર ક્રિકેટરોના નામ જાહેર કર્યા છે. જેમાં પાકિસ્તાનના મિસબાહ ઉલ-હક અને યુનુસની સાથે સાથે ક્રિસ વોક્સ, ટોબી રોલેન્ડ-જહોન્સન અને બેન ડકેટનો સમાવેશ થાય છે.

‘વિઝડન’ના એડીટર લોરેન્સ બૂથે લખ્યું કે, કોહલી માટે વર્ષ ૨૦૧૬નું વર્ષ તેના સપનાનું વર્ષ બની રહ્યું છે. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં જબરજસ્ત પર્ફોમન્સ આપતા રનના ઢગલા ખડક્યા હતા. વર્ષ ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાં તેની બેટીંગ એવરેજ ૭૫ની રહી હતી. આ ઉપરાંત વન-ડેમાં તેણે ૯૨ રનની અને ટ્વેન્ટી૨૦માં ૧૦૬ની સરેરાશથી રન ફટકાર્યા હતા. જે ખરેખર વિશિષ્ટ સિદ્ધિ છે.

કોહલી માટે વર્ષ ૨૦૧૬ ડ્રીમ યર રહ્યું હતું અને આ સમયગાળામાં સારો દેખાવ કરવા બદલ તેને પોલી ઉમરીગર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ના એવોર્ડમાં તેને ક્રિકેટર ઓફ યર જાહેર કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીની વિશિષ્ટ સિદ્ધિ

કોહલીએ વર્ષ ૨૦૧૬માં ટેસ્ટ ક્રિકેટમાં ૭૫.૯૩ની સરેરાશથી ૧,૨૧૫ રન ફટકાર્યા હતા. જ્યારે વન-ડેમાં તેના ૯૨.૩૭ની સરેરાશથી ૭૩૯ રન ફટકાર્યા હતા. જ્યારે ટ્વેન્ટી૨૦માં તેણે ૧૦૬.૮૩ની સરેરાશથી ૬૪૧ રન નોંધાવ્યા હતા. એક જ કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન ફટકારવામાં કોહલી સાતમા ક્રમે છે, છતાં તેની રન સરેરાશની નજીક અન્ય કોઈ પહોંચી શક્યું નથી.

કોહલી ત્રીજો ભારતીય

ભારતીય કેપ્ટન કોહલીને 'વિઝડન' સન્માન આપવામાં આવ્યું છે અને તે આવી સિદ્ધિ મેળવનારો ત્રીજો ભારતીય ક્રિકેટર બન્યો છે. અગાઉ ભારતના દિગ્ગજ ઓપનર વિરેન્દ્ર સેહવાગને બે વખત વિઝડન લિડીંગ ક્રિકેટર ઓફ ધ યરનો ખિતાબ મળી ચૂક્યો છે. જ્યારે સચિન તેંડુલકરને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે.

ફાઈવ ક્રિકેટર ઓફ ધ યર

‘વિઝડન’એ જાહેર કરેલા ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં પાકિસ્તાનના બે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મિસબાહ અને યુનુસનો સમાવેશ થાય છે. વર્ષ ૧૯૯૭ પછી પહેલી વખત પાકિસ્તાનના ક્રિકેટરોને વિઝડન ફાઈવ ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં બેન ડકેટ, ટોબી રોલેન્ડ-જોન્સ અને ક્રિસ વોક્સનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter