બર્મિંગહામ: યુવા કેપ્ટન ગિલની સાથે અગાઉની સરખામણીમાં ઓછા અનુભવી બોલરો-બેટ્સમેનો ધરાવતી ટીમ ઈન્ડિયાએ તેના ઈતિહાસમાં વિદેશની ભૂમિ પરનો સૌથી મોટા અંતરનો વિજય મેળવીને બધાને ચોંકાવી દીધા છે. કોહલી-રોહિત જેવા દિગ્ગજોની નિવૃત્તિ અને બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ખેલાડીઓએ જબરજસ્ત પર્ફોર્મન્સ આપતાં ઈંગ્લેન્ડને તેના જ મેદાનમાં કારમો પરાજય આપ્યો હતો.
શ્રેણી શરૂઆતની બંને ટેસ્ટમાં ભારતીય બેટ્સમેનોએ તો ઇંગ્લેન્ડના બોલરોને મેદાનની ચારેબાજુ ફટકારતાં એવા વિક્રમોની હારમાળા સર્જી હતી કે, જે અગાઉ ધુરંધર બેટ્સમેનોની હાજરી પણ નોંધાયા નહતા. ભારતની જીતથી ટેસ્ટમાં ટીમની ઉજ્જવળ આવતીકાલની આશા વધુ દ્રઢ બની છે.
ટેસ્ટ ઇતિહાસનો વિદેશની ધરતી પર સૌથી મોટો વિજય
લીડ્સના હેડિંગ્લેમાં પ્રભુત્વસભર દેખાવ બાદ જીતથી વંચિત ભારતીય ટીમે બર્મિંગહામના એજબસ્ટનમાં ઈંગ્લેન્ડ પર આગવું પ્રભુત્વ મેળવતા 336 રનથી જીત મેળવી હતી. ભારતના ટેસ્ટ ઈતિહાસનો વિદેશની ભૂમિ પરનો સૌથી મોટો વિજય એ મેદાન પર નોંધાયો હતો, કે જ્યાં અગાઉ એશિયાની કોઈ પણ ટીમ એકેય ટેસ્ટ જીતી શકી નહોતી. આ વિરલ સિદ્ધિ યુવા કેપ્ટન ગિલ અને તેની ટીમે નોંધાવતા ઈતિહાસમાં આગવું સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે હરીફ ટીમ પર કાઉન્ટર એટેક કરીને મેચનું પાસું પલ્ટાવી નાંખવા માટે જાણીતી ઈંગ્લેન્ડની બેઝબોલ વ્યુહરચનાની પીછેહઠ જોવા મળી હતી. ભારતીય બોલરોની સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ મોટી ઈનિંગ રમવા માટે તેમનો વ્યુહ બદલવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ઇંગ્લેન્ડનું ઘમંડ ચકનાચૂર
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય યુવા ટીમે ઇંગ્લેન્ડનું ઘમંડ તોડીને 336 રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો જંગી લક્ષ્યાંક આપ્યો હતો, જેનો પીછો કરતી યજમાન ટીમ રમતના પાંચમા દિવસના બીજા સત્રમાં 271 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જીતના હીરો આકાશદીપે પહેલી ઇનિંગમાં 4 અને બીજી ઇનિંગમાં 6 મળી કુલ 10 વિકેટ ઝડપી હતી. ભારત અને ઇંગ્લેન્ડ હવે 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-1થી બરાબર છે.
58 વર્ષ બાદ એજબસ્ટનમાં વિજય
એજબેસ્ટન મેદાન પર ભારતે પહેલી વાર ટેસ્ટ મેચ જીતી છે. અગાઉ ભારતીય ટીમને આ મેદાન પર રમાયેલી 8 ટેસ્ટ મેચમાંથી સાતમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે એક મેચ ડ્રો રહી હતી. ભારતીય ટીમે જુલાઈ 1967માં આ મેદાન પર પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેને 132 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ જીત સાથે 58 વર્ષના દુકાળનો અંત આવ્યો છે. 25 વર્ષીય યુવા કેપ્ટન શુભમન ગિલની સેનાએ બર્મિંગહામના એજબેસ્ટનમાં અનુભવીઓથી ભરેલી અંગ્રેજી બ્રિગેડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી હતી. બીજી ઇનિંગ્સના આધારે ભારતીય ટીમે બેન સ્ટોક્સની બેઝબોલ ટીમને 608 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ પછી આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ જેવા ઓછા અનુભવી બોલરોની ઘાતક બોલિંગના આધારે ભારતે ક્યારેય જીત ન મેળવવાનું મેણું ભાંગ્યું હતું. રનની દ્રષ્ટિએ આ ભારતની સૌથી મોટી જીત છે. આ અગાઉ 1986માં 279 રનની જીત આવી હતી, જેમાં કપિલ દેવ કેપ્ટન હતા. ભારત માટે શુભમન ગિલે પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી જ્યારે બીજી ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. બોલિંગ એટેકની વાત કરીએ તો પહેલી ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજે 6 વિકેટ, જ્યારે આકાશ દીપે 4 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં પણ આકાશદીપે કમાલ કરતા 6 વિકેટ લઈને અંગ્રેજોની હાલત બગાડી હતી.
દિગ્ગજોની ગેરહાજરી છતાં...
આ જીત ઐતિહાસિક પણ છે કારણ કે, વિશ્વનો નંબર વન બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં નહોતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ તાજેતરમાં નિવૃત્તિ લઈ ચૂક્યા છે. મોહમ્મદ શમી પણ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે. ટોસ જીત્યા બાદ ઇંગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ તેમનો નિર્ણય ખોટો સાબિત કર્યો. ભારતીય ટીમે તેમની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેટિંગ કરીને બધી વિકેટ ગુમાવ્યા બાદ 587 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
આ ઇનિંગની સૌથી મોટી ખાસિયત યુવા ઓપનર શુભમન ગિલનું અસાધારણ પ્રદર્શન હતું, જેણે (269 રન) શાનદાર બેવડી સદી ફટકારી હતી. જેનાથી ભારત મજબૂત સ્થિતિમાં આવ્યું હતું. ભારતના 587 રનના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં 89.3 ઓવરમાં 407 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 180 રનની લીડ સાથે બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે પોતાની બીજી ઇનિંગમાં પણ આક્રમક રમત રમીને 6 વિકેટ ગુમાવીને 427 રન પર ઇનિંગ ડિકલેર કરી હતી. બીજી ઇનિંગ્સમાં પણ ગિલે શાનદાર બેટિંગ કરતાં (161 રન) શાનદાર સદી ફટકારી હતી. ગિલ ઉપરાંત, કેએલ રાહુલે 55, રિષભ પંતે 65 અને રવિન્દ્ર જાડેજાએ 69 રનનું યોગદાન આપ્યું હતું. જેના આધારે ભારતે ઇંગ્લેન્ડને જીતવા માટે 608 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો.