શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીનું સુકાન રોહિતને સોંપાયું: પુજારા-રહાણે બહાર

Saturday 26th February 2022 06:18 EST
 
 

નવી દિલ્હી: આખરે સહુ કોઇએ ધાર્યું હતું તેમ જ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શ્રીલંકા સામેની ઘરઆંગણાની ટી૨૦ અને ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. જેમાં રોહિતને કેપ્ટન્સી સોંપાઇ છે. જ્યારે બુમરાહને વાઈસ કેપ્ટન બનાવાયો છે. ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ તરીકેની ઓળખ ધરાવતા ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજાને પડતા મૂકાયા છે.
ભારતીય ટીમના સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી અને યુવા વિકેટકિપર-બેટ્સમેન રિષભ પંતને ૧૦ દિવસનો બ્રેક આપવામાં આવ્યો છે. આમ તેઓ શ્રીલંકા સામેની ટી૨૦ શ્રેણીમાં રમતા નહીં જોવા મળે. બાદમાં તેઓ ટેસ્ટ ટીમ સાથે જોડાશે. વેટર્ન વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સહા અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને પણ ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.
શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસમાં ૨૪ ફેબ્રુઆરીથી ત્રણ ટી૨૦ મેચની શ્રેણી રમશે. બાદમાં ચોથી માર્ચથી બે ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થશે.
• ભારતીય ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રિયાંક પંચાલ, અગ્રવાલ, કોહલી, શ્રેયસ ઐયર, વિહારી, ગિલ, પંત (વિકેટકીપર), ભરત, રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, આર. અશ્વિન, કુલદીપ, સૌરભ કુમાર, સિરાજ, ઉમેશ યાદવ, શમી
• ભારતીય ટી૨૦ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સુર્યકુમાર, સેમસન, કિશન (વિકેટકીપર), વેંકટેશ ઐયર, દીપક ચાહર, દીપક હૂડા, રવિન્દ્ર જાડેજા, ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ, સિરાજ, બી.કુમાર, હર્ષલ પટેલ, બુમરાહ (વાઈસ કેપ્ટન), અવેશ ખાન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter