શ્રીલંકાને ૩૦૪ રને હરાવી વિદેશમાં સૌથી મોટો વિજય મેળવતું ભારત

Wednesday 02nd August 2017 07:19 EDT
 
 

ગાલેઃ ભારતીય ટીમે શ્રીલંકાને પ્રથમ ટેસ્ટમાં ૩૦૪ રને કચડી નાખીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી છે. જીતવા માટેના ૫૫૦ રનના તોતિંગ લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ ૨૪૫ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
શ્રીલંકા તરફથી ઓપનિંગ બેટ્સમેન કરૂણારત્ને સદી ચૂકી ગયો હતો. ટીમ તરફથી તેણે સૌથી વધુ ૯૭ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી બંને સ્પિનરો રવીન્દ્ર જાડેજા અને રવીચન્દ્રન અશ્વિને ત્રણ-ત્રણ અને ઉમેશ યાદવ તથા મોહંમદ શમીએ એક-એક વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગ્સમાં શાનદાર ૧૯૦ રન બનાવનારા શિખર ધવનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બીજી ટેસ્ટ મેચ કોલંબોમાં ૩ ઓગસ્ટથી શરૂ થશે.
આ પહેલા ભારતીય ટીમે ત્રણ વિકેટે ૧૮૯ રનથી પોતાની ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ૭૬ રને અણનમ રહેલા કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કારકિર્દીની ૧૭મી સદી પૂરી કરી હતી. તેણે અજિન્ક્ય રહાણે સાથે ચોથી વિકેટની ભાગીદારીમાં ૫૧ રન જોડયા હતા. કોહલીએ ૧૩૬ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૦૩ (અણનમ) અને રહાણેએ ૧૮ બોલમાં ૨૩ રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમે ત્રણ વિકેટે ૨૪૦ રન સાથે કુલ ૫૪૯ રનની લીડ લઇ ઇનિંગ્સ ડિકલેર્ડ કરી હતી.
૫૫૦ રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનિંગ બેટ્સમેન ઉપુલ થરંગા ૧૦ અને ગુણાથિલાકા બે રન બનાવી અનુક્રમે મોહંમદ શમી અને ઉમેશ યાદવના શિકાર બન્યા હતા. ત્યારબાદ મેન્ડિસ અને કરુણારત્નેએ ભારતીય બોલરોને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે ૭૯ રન જોડયા હતા. મેન્ડિસને આઉટ કરી જાડેજાએ ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝ પણ ફક્ત બે રન બનાવી આઉટ થતા શ્રીલંકાની ટીમ મુસીબતમાં વી ગઇ હતી.
ઐતિહાસિક સિદ્ધિ
આ જીત સાથે ભારતના ૮૫ વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં ટીમે વિદેશની ધરતી પર સૌથી મોટો વિજય મેળવ્યો છે. આ પહેલા ૧૯૮૬માં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ટીમને લીડ્સ ખાતે ૨૭૯ રને હરાવી હતી.
આ ઉપરાંત ટીમે શ્રીલંકા સામે ૨૭૮ રને, ન્યૂઝીલેન્ડ સામે ૨૭૨ અને વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૩૭ રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકા સામે આ ટીમનો સૌથી મોટો વિજય રહ્યો છે.
ઓવરઓલ વિજયની વાત કરીએ તો ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ટીમનો આ ચોથો સૌથી મોટો વિજય રહ્યો છે. આ પહેલા ટીમે દક્ષિણ આફ્રિકાને ૩૩૭ રને, ન્યૂઝીલેન્ડને ૩૨૧, અને ઓસ્ટ્રેલિયાને ૩૨૦ રને પરાજય આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter