સાઇના નેહવાલ ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન

Monday 13th June 2016 12:38 EDT
 
 

સિડનીઃ ભારતની સ્ટાર શટલર સાઇના નેહવાલે ઓલિમ્પિક્સ પૂર્વે ‘ચાઇના વોલ’ને ભેદતો ઝમકદાર દેખાવ કર્યો છે. સાઇનાએ રવિવારે ચીનની સુન યુને પરાજય આપી ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. ૭.૫ લાખ ડોલરની પ્રાઇઝ મની ધરાવતી આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં સાઇનાએ ૧૧-૨૧, ૨૧-૧૪, ૨૧-૧થી જીત મેળવી સિઝનનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. સાઇના નેહવાલે આ સિઝનમાં પાંચ વિવિધ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપન પહેલાં સેમિ-ફાઇનલથી આગળ વધી શકી નહોતી. સાઇનાએ આ ટાઇટલ જીતીને રિયો ઓલિમ્પિક્સમાં ભારત માટે મેડલ જીતવાની આશા બળવત્તર બનાવી છે. સાઇના નેહવાલ રિયો ઓલિમ્પિક્સને ધ્યાને રાખી આકરી મહેનત કરી રહી છે જેનું પરિણામ ઓસ્ટ્રેલિયન ઓપનમાં જોવા મળ્યું છે.
ફાઇનલ મુકાબલામાં સાઇના પ્રથમ સેટમાં ૫-૧૦થી પાછળ રહ્યા બાદ મેચમાં પરત ફરી શકી નહોતી. વર્લ્ડ રેન્કિંગમાં ૧૨મો ક્રમાંક ધરાવતી સુન યુએ પ્રથમ સેટ ૨૧-૧૧થી આસાનીથી સેટ જીતી લીધો હતો. બીજા સેટની શરૂઆતમાં બંને વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. બંને ૮-૮ની બરાબરી પર હતી ત્યારે સાઇનાએ સતત સારો દેખાવ કરી ૧૮-૧૪ની લીડ મેળવી હતી. આ પછી સતત ત્રણ પોઇન્ટ જીતીને બીજો સેટ ૨૧-૧૪થી જીતી લીધો હતો. બંને ખેલાડીઓ ૧-૧ સેટ જીતતાં મેચ ત્રીજા સેટમાં પહોંચી હતી, જ્યાં બંને ખેલાડીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો હતો. બંને ખેલાડીઓ ૧-૧ પોઇન્ટ મેળવવા માટે આકરી મહેનત કરી રહી હોવાથી સેટ ૧૦-૧૦થી સરભર થયો હતો. સાઇનાએ તે પછી ૧૫-૧૪ની નજીવી સરસાઈ મેળવ્યા બાદ સતત ત્રણ પોઇન્ટ જીતીને ૧૮-૧૪ની લીડ મેળવી હતી. આ સમયે સુન યુએ પણ સતત ત્રણ પોઇન્ટ જીતી લીડ ઘટાડતાં ૧૮-૧૭ કરી હતી. સાઇનાએ ત્યારબાદ મેચમાં પોતાની પકડ બનાવીને ૨૧-૧૯થી ત્રીજો સેટ જીતી લઈ ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
સાઇનાએ ઓસ્ટ્રેલિયન ઓપનની સેમિ-ફાઇનલમાં ચોથી ક્રમાંકિત ચીનની વોંગ યિહાનને પરાજય આપીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની રત્ચાનોક ઇંતાનોનને પરાજય આપ્યો હતો, જે સાઇના માટે ઘણી મહત્ત્વપૂર્ણ જીત હતી. સાઇનાએ ટાઇટલ જીતતાં ગુરુવારે જાહેર થનાર બેડમિન્ટન રેન્કિંગમાં સુધારો થશે.
ઉલ્લેખનીય છે કે સાઇનાએ બે વખત ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ જીત્યું છે. આ પહેલાં વર્ષ ૨૦૧૪માં પણ ચેમ્પિયન બની હતી. સાઇનાએ બેડમિન્ટન સર્કિટ પર કુલ ૨૨ ટાઇટલ જીત્યા છે. સૌથી વધુ ઇન્ડોનેશિયા ઓપનમાં ત્રણ વખત ટાઇટલ જીત્યાં છે. સાઇના અને સુન યુ સાતમી વખત ટકરાયા હતા, જેમાં સાઇનાએ છઠ્ઠી વખત સુન યુને પરાજય આપ્યો હતો.
સાઇના નેહવાલે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ટાઇટલ જીતતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવતાં લખ્યું કે, સાઇના નેહવાલની સિદ્ધિ પર શુભેચ્છા. સમગ્ર દેશને આ સિદ્ધિ પર ગર્વ છે. અમિતાભ બચ્ચન અને ક્રિકેટર શિખર ધવને પણ સાઇનાને જીત બદલ શુભેચ્છા આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter