સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસઃ ચાર ટેસ્ટ, પાંચ વન-ડે રમાશે

Wednesday 29th July 2015 09:18 EDT
 
 

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ૨૯ સપ્ટેમ્બરથી ભારત પ્રવાસનો પ્રારંભ કરશે. આ પ્રવાસ દરમિયાન ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે ચાર ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝ રમાશે.
સાઉથ આફ્રિકન ટીમનો આ પ્રવાસ ૭૨ દિવસનો હશે, જે તેનો અત્યાર સુધીનો સૌથી લાંબો ભારતપ્રવાસ હશે. બંને દેશના ક્રિકેટ બોર્ડ દ્વારા સંયુક્તપણે ક્રાર્યક્રમ જાહેર કરાયો છે, જેમાં સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત ભારતમાં ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આ સિરીઝનો પ્રારંભ ૨૯મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાતમી ડિસેમ્બરે પૂર્ણ થશે. ત્રણ ટી-૨૦ મેચ પહેલાં અભ્યાસ મેચ સાથે સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસ શરૂ થશે.
બીજી ઓક્ટોબરે પ્રથમ ટી૨૦ મેચ રમાશે જ્યારે પાંચમીએ બીજી અને આઠમીએ ત્રીજી ટી૨૦ મેચ યોજાશે. સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ વખત ભારતમાં ટી૨૦ સિરીઝ રમશે. આ પછી પાંચ વન-ડે મેચ રમાશે. પ્રથમ વન-ડે ૧૧ ઓક્ટોબરે, બીજી ૧૪મીએ, ત્રીજી ૧૮મીએ, ચોથી ૨૨મીએ અને પાંચમી ૨૫મી ઓક્ટોબરે રમાશે.
વન-ડે સિરીઝ બાદ ટેસ્ટ સિરીઝના પ્રારંભ પૂર્વે બે દિવસીય અભ્યાસ મેચ રમાશે. ટેસ્ટ સિરીઝ પાંચમી નવેમ્બરથી શરૂ થશે. સાઉથ આફ્રિકાની ટીમ ૨૦૧૦ બાદ પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ સિરીઝ રમશે. ૨૦૧૦માં બે ટેસ્ટ મેચની સિરીઝ યોજાઈ હતી, જે ૧-૧થી સરભર રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમ ભારતની ધરતી પર છેલ્લે ૨૦૧૧ના વન-ડે વર્લ્ડ કપમાં ભારત સામે ટકરાઈ હતી જેમાં સાઉથ આફ્રિકાનો ત્રણ વિકેટે વિજય થયો હતો.

ભારત-સાઉથ આફ્રિકા સિરીઝનો કાર્યક્રમ ટી-૨૦ મેચનો કાર્યક્રમ
ટ્વેન્ટી૨૦ સિરીઝ
• પ્રથમ મેચઃ ૨ ઓક્ટોબર - ધર્મશાલા • બીજી મેચઃ ૫ ઓક્ટોબર - કટક • ત્રીજી મેચઃ આઠમી ઓક્ટોબર - કોલકતા

વન-ડે સિરીઝ
• પ્રથમ મેચઃ ૧૧ ઓક્ટોબર - કાનપુર • બીજી મેચઃ ૧૪ ઓક્ટોબર - ઇન્દોર • ત્રીજી મેચઃ ૧૮ ઓક્ટોબર - રાજકોટ • ચોથી મેચઃ ૨૨ ઓક્ટોબર - ચેન્નઈ • પાંચમી મેચઃ ૨૫ ઓક્ટોબર - મુંબઈ
ટેસ્ટ સિરીઝ
• પ્રથમ મેચઃ ૫થી ૯ નવેમ્બર - મોહાલી • બીજી મેચઃ ૧૪થી ૧૮ નવેમ્બર - બેંગ્લૂરુ • ત્રીજી મેચઃ ૨૫થી ૨૯ નવેમ્બર - નાગપુર • ચોથી મેચઃ ૩થી ૭ ડિસેમ્બર - દિલ્હી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter