સ્પિનર્સના ચક્રવ્યૂહમાં ઇંગ્લીશ ક્રિકેટર્સ ફસાયા

Wednesday 23rd November 2016 05:32 EST
 
 

વિશાખાપટ્ટનમ્ઃ ટીમ ઇંડિયાએ બીજી ટેસ્ટ મેચના પાંચમા તથા અંતિમ દિવસે પ્રવાસી ઇંગ્લેન્ડને ૨૪૬ રનના મોટા માર્જિનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ હાંસલ કરી છે. ભારતીય સ્પિન ત્રિપુટી અશ્વિન, જયંત યાદવ અને રવીન્દ્ર જાડેજાની ત્રિપુટીએ સંયુક્ત રીતે આઠ વિકેટ ખેરવીને ઇંગ્લેન્ડની બેટીંગ હરોળને વેરવિખેર કરી નાખી હતી અને મેચ ડ્રોમાં ખેંચી જવાના તેના પ્રયાસોને રફેદફે કરી નાખ્યા હતા. ભારતે મેચ જીતવા આપેલા ૪૦૫ રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૯૭.૩ ઓવરમાં ૧૫૮ રનના સ્કોરે સમેટાયો હતો. કેપ્ટન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ થયો હતો. ત્રીજી ટેસ્ટ આવતા શનિવારથી મોહાલીમાં રમાશે.
રાજકોટ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ થોડાક દબાણ હેઠળ આવેલી ટીમ ઇંડિયાએ વિઝાગની પિચ પર ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. ટીમે પાંચ દિવસના સંઘર્ષ બાદ ઇંગ્લેન્ડ સામેનો વિજય પાક્કો કર્યો હતો. ઈંગ્લેન્ડે તેની આઠ વિકેટ માત્ર ૬૬ રનમાં ગુમાવી હતી. અશ્વિન તથા યાદવે ૩-૩ જ્યારે જાડેજા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ખેરવી હતી.
ઇન ફોર્મ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાની સતત ત્રીજી ટેસ્ટ સદી (૧૧૯) અને કોહલી (૧૬૭) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૨૨૬ રનની ભાગીદારી વડે ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં ૪૫૫ રન કર્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ ૨૫૫ રનમાં સમેટાયો હતો. ઈંગ્લેન્ડના ધબડકામાં અશ્વિને પાંચ વિકેટ ઝડપીને મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ માત્ર એક રને ફોલોઓન થઇ રહ્યું હોવા છતાં ભારતે દાવ લેવાનું પસંદ કર્યું હતું. કોહલીના અણનમ ૮૧ રનની મદદથી ભારતે ૨૦૪ રન કર્યા હતા. આમ ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે ૪૦૫ રનનું લક્ષ્યાંક મળ્યું હતું. જોકે તેનો દાવ ૧૫૮ રનમાં જ સમેટાતાં ભારતનો ૨૪૬ રને વિજય થયો હતો.
ઇંગ્લેન્ડના બીજા દાવમાં જોની બેરિસ્ટો ૪૦ બોલમાં સાત બાઉન્ડ્રી વડે ૩૪ રન બનાવીને અણનમ રહ્યો હતો, પરંતુ બીજા છેડે સતત વિકેટો પડતી રહી હતી. ઇંગ્લેન્ડનો બીજો દાવ લંચ બાદ ૪.૩ ઓવરની રમત બાદ જ સમેટાયો હતો.

૨૧ વખત ડીઆરએસ

બીજી ટેસ્ટમાં કુલ ૨૧ વખત અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)નો ઉપયોગ કરાયો હતો. જેમાં ઇંગ્લેન્ડે ૧૨ અને ભારતે નવ વખત ડીઆરએસનો સહારો લીધો હતો. પાંચ દિવસની રમતમાં છ વખત ફિલ્ડ અમ્પાયરે આપેલા નિર્ણયને રેફરલ સિસ્ટમ દ્વારા બદલાયો હતો. જેમાં ત્રણ-ત્રણ વખત બન્ને ટીમો માટે નિર્ણયને સાચો જાહેર કરાયો હતો. થર્ડ અમ્પાયર દ્વારા બદલાયેલા છમાંથી ચાર નિર્ણય રોડ ટકરે આપ્યા હતા. ફિલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાના નિર્ણયને બે વખત બદલાયો હતો.

અશ્વિને હેરાથનો રેકોર્ડ તોડ્યો

અશ્વિને સોમવારે બીજી ટેસ્ટના અંતિમ દિવસે શાનદાર સિદ્ધિ મેળવી હતી. શ્રીલંકન્ સ્પિનર રંગાના હેરાથને પાછળ રાખીને તે ૨૦૧૬માં સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર બન્યો હતો. અશ્વિન બીજી ટેસ્ટના અંતિમ દિવસે હેરાથ કરતાં એક વિકેટ પાછળ હતો. તેણે ડકેટ્ટની વિકેટ ઝડપીને હેરાથના ૫૪ વિકેટના રેકોર્ડની બરાબરી કરી હતી. પછી તેણે અન્સારીને (૦)ને બોલ્ડ કરીને શિકારની સંખ્યા ૫૫ પહોંચાડી હેરાથનો રેકોર્ડ તોડ્યો હતો. અશ્વિને ૨૦૧૬માં અત્યાર સુધીમાં ૯ ટેસ્ટમાં ૨૨.૨૩ની સરેરાશથી ૫૫ વિકેટ ખેરવી છે.

કેપ્ટન કોહલીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

કોહલી બીજી ટેસ્ટમાં કુલ ૨૪૮ રન કરીને એક જ ટેસ્ટમાં કોઈ ભારતીય કેપ્ટનનું ચોથા ક્રમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ યાદીમાં ૨૮૯ તથા ૨૭૮ રન સાથે ગાવસ્કર પહેલા બે સ્થાને છે. ઓસ્ટ્રેલિયા સામે ૨૫૬ રન કરીને વિરાટ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.

એન્ડરસનનો ‘અણગમતો’ રેકોર્ડ

ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ૧૧૦ વર્ષ જૂના ઇંગ્લિશ રેકોર્ડને સરભર કર્યો છે. એન્ડરસન બીજી ટેસ્ટના બન્ને દાવમાં પ્રથમ બોલે આઉટ થયો હતો. આમ તેણે ‘કિંગ પેર’ના નામે ઓળખાતો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી છેલ્લે ૧૯૦૬માં ટેસ્ટ ક્રિકેટમાં ‘કિંગ પેર’ નોંધાઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી છેલ્લે એર્ની હેયસે ‘કિંગ પેર’ નોંધાવી હતી. ૧૯૦૬માં હેયસ સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટના બન્ને દાવમાં પ્રથમ બોલે જ આઉટ થયો હતો.

પરાજયથી નિરાશઃ કૂક

ઇંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકે પોતાની ટીમને મળેલા પરાજય અંગે હતાશા વ્યક્ત કરી હતી. જોકે તેણે જણાવ્યું હતું કે યજમાન ભારતને વિજય માટે સંઘર્ષ પણ અમે કરાવ્યો હતો. પિચ પર ટોસની ભૂમિકા મહત્ત્વની રહી હતી અને પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો થયો હતો. પ્રથમ ઇનિંગ્સમાં અમારે રન બનાવવાની જરૂર હતી. તેમ છતાં અમે ઘણો સંઘર્ષ કર્યો છે. જોકે શ્રેણીમાં અમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ત્રણ મેદાન પર પૂજારાની સદી

પૂજારાએ ટેસ્ટની યજમાનીમાં પદાર્પણ કરી રહેલા ત્રણેય નવા મેદાન પર સદી ફટકારવાની અનોખી સિદ્ધિ મેળવી છે. પૂજારાએ ગયા મહિના ન્યૂઝીલેન્ડ સામે ઇન્દોરમાં અણનમ ૧૦૧, રાજકોટમાં ૧૨૪ અને અહીં વિશાખાપટ્ટનમમાં ૧૧૯ રનની ઝમકદાર ઇનિંગ્સ રમ્યો હતો.

સાત લેફ્ટી સાથે ઇતિહાસ

વિશાખાપટ્ટનમ્ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે સાત ડાબોડી બેટ્સમેન રમાડીને અનોખો રેકોર્ડ કર્યો છે. ઇંગ્લેન્ડે ક્રિસ વોકિસના સ્થાને જેમ્સ એન્ડરસનને ટીમમાં સામેલ કર્યો હતો અને આ સાથે એક જ ટેસ્ટમાં સર્વાધિક ડાબોડી બેટ્સમેન રમાડવાનો ઇતિહાસ નોંધાયો હતો. ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ ૧૯૩૨ની ૨૫થી ૨૮ જૂન લોર્ડસમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી. આ પછી અત્યાર સુધીમાં કોઈ હરીફ ટીમે ભારત સામે સાત ડાબોડી બેટ્સમેન રમાડ્યા હોય તેવો આ પ્રથમ બનાવ છે. ઇંગ્લેન્ડની ટીમમાં ડાબોડી બેટ્સમેનોમાં એલિસ્ટર કૂક (૧૩૭મી ટેસ્ટ), બેન ડકેટ્ટ (ચોથી ટેસ્ટ), મોઇન અલી (૩૪મી ટેસ્ટ), બેન સ્ટોક્સ (૨૯મી ટેસ્ટ), ઝફર અન્સારી (ત્રીજી ટેસ્ટ), સ્ટુઅર્ટ બ્રોડ (૧૦૧મી ટેસ્ટ) તથા જેમ્સ એન્ડરસ (૧૨૦મી ટેસ્ટ)નો સમાવેશ થાય છે. રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે છ ડાબોડી બેટ્સમેન રમાડ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter