સ્પેન ફિફા ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયન

Tuesday 21st July 2026 07:05 EDT
 
 

ન્યૂયોર્કઃ સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર ડિફેન્સનું પ્રદર્શન કર્યા બાદ સ્પેને પોતાની લય જાળવી રાખતાં રવિવારે રમાયેલી ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં ફેવરિટ આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં સ્પેને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું અને આર્જેન્ટિનાને એકેય તક આપી ન હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફાના વડા જિયાન્ની ઇન્ફેન્ટિનોના હસ્તે વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાઈ હતી. ફાઇનલ મેચમાં નિયત 90 મિનિટની રમતમાં એક પણ ગોલ થયો ન હતો જેને અંતે એક્સ્ટ્રા ટાઇમની મદદ લેવાઈ હતી જેમાં બીજા હાફની પહેલી મિનિટ અને મેચની 106મી મિનિટે ફેરાન ટોરેસના ગોલની મદદથી સફળતા હાંસલ કરી હતી. ટૂર્નામેન્ટને અંતે સ્પેનને ચેમ્પિયન બનવા બદલ 475 કરોડ રૂપિયાનો પુરસ્કાર એનાયત થયો હતો. ફ્રાન્સના કિલિયન એમ્બાપ્પેને ગોલ્ડન બૂટ તથા સ્પેનના કેપ્ટન રોડ્રીને ગોલ્ડન બોલ એવોર્ડ અપાયો હતો.

ઇંગ્લેન્ડનો 60 વર્ષમાં પહેલો મેડલ

ફિફા વર્લ્ડ કપમાં ત્રીજા સ્થાન માટે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે રમાયેલો મુકાબલો રોમાંચથી ભરપૂર હતો. આ મુકાબલામાં ઇંગ્લેન્ડે ફ્રાન્સને 6-4 થી હરાવ્યું. આ જીતનો અર્થ એ છે કે 1966માં વર્લ્ડ કપ જીત્યા પછી ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડનું સર્વશ્રેષ્ઠ ફિનિશ છે. ઇંગ્લેન્ડે 60 વર્ષ પછી કોઈ મેડલ જીત્યો છે. બીજી તરફ, ફ્રાન્સે આ પહેલા વર્લ્ડ કપ મેચમાં ક્યારેય છ ગોલ ખાધા નહોતા. ઇંગ્લેન્ડે પ્રથમ હાફમાં જ 4 ગોલની લીડ મેળવી લીધી હતી. એપ્રિલ 1930 પછી આ પ્રથમ પ્રસંગ હતો, જ્યારે ફ્રાન્સ કોઈ મેચના હાફ-ટાઈમમાં ચાર ગોલથી પાછળ રહ્યું હોય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter