હરારે વન-ડેઃ ટીમ ઇંડિયાનો રોમાંચક વિજય

Saturday 11th July 2015 06:46 EDT
 
 

હરારેઃ યુવા ખેલાડીઓની બનેલી ટીમ ઇંડિયાએ ઝિમ્બાબ્વે પ્રવાસનો રોમાંચક વિજય સાથે પ્રારંભ કર્યો છે. છેલ્લા બોલ સુધી અત્યંત રોમાંચક બનેલી પ્રથમ વન-ડેમાં ભારતે ઝિમ્બાબ્વેને ચાર રનથી પરાજય આપીને ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવી છે.
શુક્રવારે રમાયેલી આ મેચમાં ભારતે અંબાતી રાયડુના અણનમ ૧૨૪ રનની મદદથી છ વિકેટે ૨૫૫ રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઝિમ્બાબ્વે એલ્ટન ચિગુમ્બુરાના અણનમ ૧૦૪ રન છતાં વિજયી લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહોતું અને સાત વિકેટ ૨૫૧ રનમાં તેનો દાવ સમેટાયો હતો.
બેટિંગ માટે મુશ્કેલ જણાતી પિચ પર રનચેઝમાં ઝિમ્બાબ્વેની શરૂઆત ધીમી રહી હતી અને ૨૩ ઓવરમાં તેણે ૮૯ રનના સ્કોરે સિબાન્ડા (૨૦), ચિભાભા (૩) તથા મસાકદ્ઝા (૩૪)ની વિકેટ ગુમાવી દીધી હતી. એક બાજુ વિકેટ પડતી હતી ત્યારે ચિગુમ્બુરાએ ભારતીય બોલર્સને ચોમેર ફટકારીને ટીમને વિજયની નજીક પહોંચાડી દીધી હતી. તેણે ૧૦૧ બોલમાં આઠ બાઉન્ડ્રી તથા એક સિક્સર ફટકારી હતી. તેણે સિકંદર રઝા સાથે ૪૮ તથા ક્રેમર સાથે સાતમી વિકેટ માટે ૮૬ રનની ભાગીદારી નોંધાવી હતી. રઝાએ ૩૩ બોલમાં ૩૭ અને ક્રેમરે ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી સ્ટુઅર્ટ બિન્નીએ ૫૪ રનમાં બે અને અક્ષર પટેલે ૪૧ રનમાં બે વિકેટ ઝડપી હતી.
આ પૂર્વે ઝિમ્બાબ્વેના બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગના કારણે ભારતે ઇનિંગ્સનો નબળો પ્રારંભ કર્યો હતો અને ૮૭ રનના સ્કોર સુધીમાં પાંચ વિકેટો ગુમાવી દીધી હતી. જોકે રાયડુ તથા બિન્નીએ ૧૬૦ રનની વિક્રમજનક ભાગીદારી નોંધાવીને ભારતને શરૂઆતના સંકટમાંથી બહાર કાઢીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter