અમદાવાદઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝ બાદ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડનારી ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત સુકાની રોહિત શર્માને હટાવીને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને વન-ડે ટીમનું નેતૃત્વ સોંપાયું છે. શનિવારે અહીં મળેલી પસંદગી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નિયમિત વન-ડે કેપ્ટન રોહિત શર્મા હાજર રહેનારો હતો પરંતુ તેની ગેરહાજરીએ અલગ જ સંકેત આપી દીધા હતા. જોકે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન-ડેની સિરીઝ રમનારી ભારતીય ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીને સામેલ કરાયા છે જેઓ એક ખેલાડી તરીકે રમશે.
શુભમન ગિલે તાજેતરમાં ટેસ્ટ મેચોમાં સફળ આગેવાની સંભાળી છે તે જોતાં વન-ડે ટીમમાં તેને કેપ્ટન બનાવવાની ગણતરી અપેક્ષિત હતી. ગિલને રમતના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન બનાવવાની ગણતરી સાથે પસંદગીકારોએ શનિવારે આ નિર્ણય લીધો હોવાનું મનાય છે.
રોહિતની સફળતાની ટકાવારી શાનદાર
રોહિત શર્મા ભારતીય ક્રિકેટમાં મહેન્દ્રસિંહ ધોની બાદ એવો બીજો કેપ્ટન છે જેણે આઈસીસીની ત્રણ લિમિટેડ ઓવરની ટુર્નામેન્ટમાં ભારતની આગેવાની લીધી હોય. તેણે ભારતને ટી20 વર્લ્ડ કપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટાઈટલ અપાવ્યું હતું અને આઈસીસી વન-ડે વર્લ્ડ કપ (2023)માં ભારતીય ટીમ રનર્સઅપ રહી હતી. વન-ડે કેપ્ટન તરીકે રોહિત શર્માએ ભારતને 56 મેચમાંથી 42 મેચમાં વિજય અપાવ્યો હતો અને કેપ્ટન તરીકેની તેની સફળતાની ટકાવારી 76 ટકાની રહી છે. જોકે રોહિત શર્મા અને વિરાટ કોહલીને ભારતની વન-ડે ટીમમાં સામેલ કરાયા છે પરંતુ તેમની કારકિર્દી વિશે પસંદગી સમિતિએ અલગ જ સંકેત આપી દીધા છે. જેમ કે 2027ના વન-ડે વર્લ્ડ કપ અગાઉ ભારત નવોદિતોની ટીમ તૈયાર કરવા માગે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને શુભમન ગિલને કેપ્ટન અને શ્રેયસ ઐયરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્ત હાર્દિક ઓસ્ટ્રેલિયા પ્રવાસ ગુમાવશે
ઓલરાઉન્ડર હાર્દિક પંડયા ઇજાના કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં રમતો જોવા મળશે નહીં. તાજેતરમાં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકા સામેની સુપર-4ની મેચમાં તેને ઇજા થઇ હતી. પગના સ્નાયુ ખેંચાઇ જવાના કારણે તેને મેદાન છોડવાની ફરજ પડી હતી. તેના સ્થાને નીતીશકુમારની પસંદગી કરાઇ છે જે ઓલરાઉન્ડરનો વિકલ્પ પૂરો પાડશે. પેસ બોલર મોહમ્મદ શમીના નામ ઉપર પસંદગીકારોએ વિચારણા કરી નહોતી અને તેની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકી દેવામાં આવ્યું છે તેવું માનવામાં આવી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે અને પાંચ ટી20
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 19, 23 અને 25મી ઓક્ટોબરે અનુક્રમે પર્થ, એડિલેડ અને સિડની ખાતે વન-ડે સિરીઝ રમાશે અને ત્યાર બાદ 29 અને 31મી ઓક્ટોબરે કેનબેરા અને મેલબોર્ન તથા નવેમ્બરની બીજી, છઠ્ઠી અને આઠમીએ હોબાર્ટ, ગોલ્ડ કોસ્ટ અને બ્રિસબેન ખાતે ટી20 મેચો રમાશે.
• વન-ડે ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઇસ કેપ્ટન), રોહિત શર્મા, જયસ્વાલ, કોહલી, લોકેશ રાહુલ, ધ્રુવ જુરેલ નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સિરાજ, હર્ષિત રાણા
• ટી20 ટીમ: સૂર્યકુમાર (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ, તિલક વર્મા, નીતીશ રેડ્ડી, શિવમ દૂબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, વરુણ ચકવર્તી, બુમરાહ. કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર