૩૫મી વખત ઇંગ્લિશ ચેનલ પારઃ ઓસીઝ મહિલા સ્વિમરે ૧૪ વર્ષ જૂનો મેન્સ રેકોર્ડ તોડયો

Saturday 22nd August 2020 06:53 EDT
 
 

સિડનીઃ ઓસ્ટ્રેલિયાની મહિલા સ્વિમર કોલે મેકકાર્ડેલે મેન્સનો ૧૪ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ૩૫ વર્ષીય મેકકાર્ડેલ ૩૫મી વખત ઇંગ્લિશ ચેનલ પાર કરીને રવિવારે ફ્રાન્સની કાલિસ સિટી પહોંચી હતી.
મેકકાર્ડેલે સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડના ડોવરથી નોર્ધન ફ્રાન્સ વચ્ચેનું ૩૫ કિલોમીટરનું અંતર ૧૦ કલાક ૪૦ મિનિટમાં કાપ્યું હતું. ૨૦૧૬માં ૨૦મી વખત ઇંગ્લિશ ચેનલ પાર કરીને મેકકાર્ડેલે તે સમયે જ કોઇ પણ ઓસ્ટ્રેલિયન દ્વારા સૌથી વધારે વખત ઇંગ્લિશ ચેનલ પાર કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ઓસીઝ મહિલા સ્વિમરે ૩૫મી વખત ઇંગ્લિશ ચેનલ પાર કરવાની સાથે સૌથી વધારે વખત આ ચેનલ ઓળંગવાનો મેન્સ સ્વિમર્સનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલાં મેન્સમાં કેવિન મર્ફીએ ૨૦૦૬માં ૩૪મી વખત ઇંગ્લિશ ચેનલ પાર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
મેકકાર્ડેલે સ્વિમિંગ કરતા પહેલાં બ્રિટિશ તથા ઓસ્ટ્રેલિયન સરકારની મંજૂરી લીધી હતી. ઇંગ્લિશ ચેનલને પાર કરવાની મંજૂરી મળી તે સાથે જ મેકકાર્ડેલે ફ્રાન્સ પહોંચીને જાતે જ ક્વોરન્ટાઇન થઇ ગઇ હતી.
હવે ટોપ-૨માં બંને
મહિલા સ્વિમર્સ
ઓસ્ટ્રેલિયન સ્વિમર હવે બ્રિટનની લોંગ ડિસ્ટન્સ સ્વિમર એલિસન સ્ટ્રિટર બાદ બીજા ક્રમે છે. એલિસને ૪૩ વખત ઇંગ્લિશ ચેનલ પાર કરી છે. આમ હવે સૌથી વધારે વખત ઇંગ્લિશ ચેનલ પાર કરનાર મેન્સ અને વિમેન્સ સ્વિમર્સમાં ટોપ-૨માં બંને મહિલાએ સ્થાન મેળવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter