૮ ટીમ, ૫૫ દિવસ, ૧૦ શહેરઃ આઇપીએલના જંગનો આરંભ

Saturday 09th April 2016 08:08 EDT
 
 

મુંબઇઃ નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં શુક્રવારે સાંજે રંગારંગ ઉદ્ઘાટન સમારંભ સાથે જ આઇપીએલ-સિઝન નવનો ઔપચારિક પ્રારંભ થઇ ગયો છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ આઠ નવી ભાગ લઇ રહી છે, જેમાં બે નવી ટીમો ગુજરાત લાયન્સ અને રાઇઝીંગ પૂણે સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે. કુલ ૫૫ દિવસ ચાલનારા જંગમાં આ ટીમો વચ્ચે ૧૦ શહેરમાં ૫૯ મેચ રમાશે. આ ટૂર્નામેન્ટમાં રમી રહેલી ટીમોનો પરિચય.

ગુજરાત લાયન્સ

આઈપીએલમાં આ વખતે પ્રથમ વખત એન્ટ્રી લઈ રહેલી ગુજરાત લાયન્સ ટીમની કમાન સુરેશ રૈનાને સોંપાઇ છે. રૈનાને મેક્કુલમ, ડ્વેન સ્મિથ, બ્રાવો, ફોકનર, ફિન્ચ અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં મજબૂત બેટિંગલાઇન ધરાવતા ખેલાડીઓનો સાથ છે. સ્ટેન, અમિત મિશ્રા, પ્રવીણ તાંબે, પ્રવીણકુમાર પર બોલિંગલાઇનનો આધાર રહેલો છે. ટીમમાં ટી૨૦ ક્રિકેટનો અનુભવ ધરાવતા ખેલાડીઓની ભરમારને કારણે કહી શકાય કે ગુજરાત લાયન્સ ટીમ પાસે અંતિમ ઇલેવનમાં રમનાર મજબૂત ટીમ છે, પરંતુ બેન્ચ સ્ટ્રેન્થ ઘણી નબળી છે જે ટીમને નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે.

દિલ્હી ડેર ડેવિલ્સ

આઈપીએલની ડિક્શનરીમાં શરૂઆતથી જ જગ્યા શોધી રહેલી દિલ્હી ડેર ડેવિલ્સની ટીમને હંમેશાં નિષ્ફળતા જ હાથ લાગી છે. સફળતા મેળવવા માટે ઘણી વખત ટીમમાં ધરખમ ફેરફાર કર્યા છતાં ટીમને ધારી સફળતા મળી નથી. તેમાં પણ છેલ્લી ત્રણ સિઝનમાં ટીમ લીગ રાઉન્ડથી આગળ વધી શકી નથી. મજબૂત ટીમ બનાવવા માટે પાણીની જેમ પૈસા વાપર્યા છતાં ટીમ ટાઇટલ જીતી શકી નથી. આ વખતે ઝહીરના નેતૃત્વમાં ટીમને સારા દેખાવની આશા છે. ટીમે કાર્લોસ બ્રાથવેઇટને ખરીદ્યો છે, જેણે વર્લ્ડ કપની ફાઇનલમાં ચાર છગ્ગા લગાવી વિન્ડીઝને ચેમ્પિયન બનાવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર

સ્ટાર ખેલાડીઓની ભરમાર ગણાતી રોયલ ચેલેન્જર્સ બેંગલોર એકેય વખત આઈપીએલમાં ચેમ્પિયન બની શકી નથી. ટીમ પાસે વિરાટ કોહલી, એબી ડી વિલિયર્સ, ક્રિસ ગેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનો છે જ્યારે આ વખતે શેન વોટસન, કેન રિચર્ડસન અને ટ્રેવિસ હેડ સહિતના બેટ્સમેનો પણ ટીમ સાથે જોડાયા છે જેને કારણે ટીમ વધુ મજબૂત બની છે. બોલિંગમાં પણ સ્ટાર્ક, એડમ મિલન, સેમ્યુઅલ બદરી, વરુણ એરોન સામેલ હોવાથી ટીમ માટે આ વખતે જીતની તક વધુ છે. આ સિઝનમાં બેંગલોરના ખેલાડીઓ ઝળકશે તો તેઓ ટાઇટલ જીતી શકે તેમ છે.

કોલકાતા નાઇટ રાઇડર્સ

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની માલિકીવાળી અને બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ફરીથી પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરવામાં સક્ષમ છે. આ ટીમની ખાસિયત એ છે કે, કોઇ પણ સમયે કોઇ પણ ખેલાડી મેચવિનર સાબિત થાય છે. ટીમ પાસે ગૌતમ ગંભીરના રૂપમાં શાનદાર કેપ્ટન છે. આ ઉપરાંત ઓલરાઉન્ડરોમાં આંદ્રે રસેલ અને શાકીબ અલ હસન જેવા ખેલાડીઓ છે, જે બોલિંગ અને બેટિંગ બંનેમાં મેચનું પાસું પલટાવી નાખવામાં સક્ષમ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, દરેક વખતે ટીમની મદદે આવતા સુનિલ નારાયણને બોલિંગ કરવાની છૂટ મળી ગઈ છે. જોકે તેના પિતાનું તાજેતરમાં જ નિધન થયું હોવાથી તે ક્યારે ટીમ સાથે જોડાશે તે નક્કી નથી.

મુંબઇ ઇન્ડિયન્સ

ગત ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સની ટીમ દરેક વખતે સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે. રિલાયન્સના મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની ટીમ હોવાથી આ ટીમ પર લોકોની ખાસ નજર પણ હોય છે. રોહિત શર્માની આગેવાનીમાં મુંબઇએ ગત સિઝનની ફાઇનલમાં આઇપીએલમાં સૌથી મજબૂત ગણાતી ટીમ ચેન્નઇ સુપરકિંગ્સને હરાવી ટ્રોફી જીતી હતી. રોહિત ઉપરાંત ટીમમાં લિન્ડેલ સિમન્સ, કિરોન પોલાર્ડ, કોરી એન્ડરસન, અંબાતી રાયડુ અને હાર્દિક પંડયા છે. ઇંગ્લેન્ડના જોસ બટલરને સામેલ કરી ટીમે બેટિંગલાઇનને મજબૂતી બક્ષી છે.

કિંગ્સ ઇલેવન પંજાબ

આઇપીએલની દરેક સિઝનમાં શાનદાર દેખાવ કરવા છતાં કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ અત્યાર સુધી એક પણ વખત ચેમ્પિયન બની શકી નથી. આ વખતે ટીમનું સુકાન વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલર પાસે છે જે મેચનું પાસું એકલા હાથે પલટાવવામાં સક્ષમ છે. આ ઉપરાંત મેક્સવેલ પણ દરેક સિઝનમાં ઘાતક સાબિત થઇ રહ્યો છે. સારી બેટિંગ લાઇન ધરાવતી પંજાબની ટીમમાં હંમેશાં બોલિંગની ખોટ સાલે છે અને આ વખતે પણ આ ટીમમાં મોહિત શર્મા અને કાઇલ એબોટ સિવાય કોઇ સારા બોલરો નથી.

રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટ્સ

બે વર્ષનો પ્રતિબંધ લગાવાયા બાદ આઇપીએલની શકિતશાળી ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ વિખેરાઇ ગઇ છે. રાઇઝિંગ પૂણે પાસે આઇપીએલનો સૌથી ચતુર કેપ્ટન તરીકે એમ. એસ. ધોની છે, પણ તેની સેનામાં ઘણા ખેલાડીઓ બદલાઇ ગયા છે. ધોની પાસે ફાફ ડુપ્લેસીસ અને અશ્વિન જૂની ટીમના ખેલાડીઓ છે જ્યારે અજિંક્ય રહાણે અને કેવિન પીટરસનના રૂપમાં બે સારા બેટ્સમેનોનો સમાવેશ થયો છે. ઓલરાઉન્ડરોમાં સ્ટીવન સ્મિથ, મિચેલ માર્શ અને ઇરફાન પઠાણ હશે. બોલિંગમાં અશ્વિન ઉપરાંત ઇશાંત શર્મા, અશોક ડિંડા અને આર. પી. સિંહની ત્રિપુટી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ

ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદના રૂપમાં એક વખત ચેમ્પિયન બનેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં હંમેશાં સાતત્યતાનો અભાવ રહ્યો છે. જોકે નવી હરાજીમાં તેની પાસે હાલમાં સંપન્ન થયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં ફોર્મમાં રહેલા કેટલાક ખેલાડીઓની હાજરીથી ફેરફાર જોવા મળે તો નવાઇ નહીં થાય. તેની પાસે શિખર ધવન અને કેન વિલિયમસન જેવા ખેલાડીઓ બેટિંગ લાઇન વધારવામાં મદદ કરશે. પ્રાથમિક તબક્કે ઇજાગ્રસ્ત હોવાથી યુવરાજ સિંહની ખોટ સાલશે કારણ કે વર્લ્ડ કપમાં થયેલી ઇજામાંથી તે હજુ મુક્તિ મેળવી શક્યો નથી. બોલિંગમાં તેની પાસે આશિષ નહેરા, ભુવનેશ્વર કુમાર અને મુસ્તફિઝુર રહેમાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter