‘વિરાટ’ ઇનિંગ પણ ભારત હાર્યું, ગેઇલ રહ્યો ફેઇલ છતાં વિન્ડીઝ જીત્યું

Friday 01st April 2016 03:48 EDT
 
 

મુંબઈઃ ટી૨૦ વર્લ્ડ કપના મહત્ત્વપૂર્ણ સેમિ-ફાઇનલમાં વેસ્ટ ઇંડિઝે ટીમ ઇંડિયાને હરાવીને ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું છે. વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે રમાયેલી રોમાંચક મેચમાં ભારતે વિરાટ કોહલીના અણનમ ૮૯ રન સાથે બે વિકેટે ૧૯૨ રન કર્યા હતા, જવાબમાં વેસ્ટ ઇંડિઝે ત્રણ વિકેટ ગુમાવીને વિજયી લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલી વિરુદ્ધ ક્રિસ ગેઇલનો જંગ ગણાવાતા આ મેચમાં ગેઇલ ઝીરોમાં આઉટ થયો હતો. હવે રવિવારે કોલકતાના ઇડન ગાર્ડન મેદાનમાં રમાનારી ફાઇનલમાં વેસ્ટ ઇંડિઝનો મુકાબલો ઇંગ્લેન્ડ સાથે થશે. બુધવારે રમાયેલી પહેલી સેમિ-ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂ ઝીલેન્ડને હરાવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી.

ટી૨૦ વર્લ્ડ કપના મહત્ત્વપૂર્ણ સેમિ-ફાઇનલ મુકાબલામાં વિરાટ કોહલીના નસીબ સામે સિમન્સનું લક ભારે પડયું હોય તેમ વેસ્ટ ઇંડિઝે ભારતને સાત વિકેટે સજ્જડ પરાજય આપ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં વિરાટ કોહલીના અણનમ ૮૯ રન અને રોહિત શર્માના ૪૩ રનની મદદથી બે વિકેટ ગુમાવી ૧૯૨ રન ફટકાર્યા હતા. જેના જવાબમાં વેસ્ટ ઇંડિઝે સિમન્સના અણનમ ૮૩ રન અને ચાર્લ્સના ૫૨ રનની મદદથી ૧૯.૪ ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ભારતીય બેટ્સમેન કોહલી એક રને હતો ત્યારે રનઆઉટ થતાં બે વખત બચ્યો હતો અને તેણે અણનમ ૮૯ રન બનાવ્યા હતા. આ જ રીતે સિમન્સ મેચમાં ત્રણ વખત નો બોલના કારણે બચી ગયો હતો અને તેણે અણનમ ૮૩ રન ફટકારી ભારતનો પરાજય નિશ્ચિત કર્યો હતો.

૧૯૩ રનના ટાર્ગેટ સામે વેસ્ટ ઇંડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલને જસપ્રિત બુમરાહે બોલ્ડ કર્યા બાદ ૧૯ રનના કુલ સ્કોરે સેમ્યુઅલ્સ પણ આઉટ થતાં ભારતે મેચ પર પકડ મેળવી હતી. જોકે સિમન્સ અને ચાર્લ્સે મધ્ય ઓવરોમાં આક્રમક બેટિંગ કરી વેસ્ટ ઇંડિઝને મેચમાં લાવી દીધું હતું. ચાર્લ્સ અને સિમન્સ સેટ થઈ ગયા હતા ત્યારે ધોનીએ કોહલીને બોલિંગ આપી હતી. કોહલીએ પણ પ્રથમ બોલે જ ચાર્લ્સને આઉટ કરી ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. ચાર્લ્સ આઉટ થયા બાદ સિમન્સ અને ચાર્લ્સે ભારતીય બોલરોની દિશાવિહીન બોલિંગનો ફાયદો ઉઠાવતાં ૧૯.૪ ઓવરમાં જીત અપાવી હતી.

બે નો બોલ ભારે પડ્યાઃ ધોની

વેસ્ટ ઇંડિઝ સામે અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિ-ફાઇનલમાં અશ્વિન અને હાર્દિક પંડ્યાના એક-એક નો બોલના કારણે લિન્ડલ સિમન્સ આઉટ હોવા છતાં બચી ગયો. આ પછી પોતાની ટીમને અણનમ ૮૩ રન બનાવી જીત અપાવવાની સાથે ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી દીધી હતી. ધોનીએ મેચ બાદ જણાવ્યું હતું કે, સિમન્સ પહેલા અશ્વિનની બોલિંગમાં કેચઆઉટ થયો ત્યારે ૧૬ અને ૪૯ રને હતો પછી પોતાની ટીમને મેચ જીતાડી ગયો હતો. ધોનીએ આ સાથે જ કહ્યું હતું કે, હાલ નિવૃત્તિ લેવાનો તેનો કોઈ ઇરાદો નથી અને હાલ તો આ અંગે વાત કરવા માગતો નથી. ધોનીએ વેસ્ટ ઇંડિઝના બેટ્સમેનોની પણ પ્રશંસા કરી હતી, પરંતુ તેણે મુખ્યત્વે પોતાના બોલરો પર જ હારનો બળાપો કાઢ્યો હતો.

ભારતની હારનાં ૭ કારણો
૧) હાર્દિક અને અશ્વિનનાં નો બોલ ટીમ ઇંડિયાને નડી ગયા
૨) ઓવર કોન્ફિડન્સ અને બોલરોનો કંગાળ દેખાવ ભારતને ભારે પડ્યો
૩) સ્પિનરોનું સુરસુરિયું, અને ફાસ્ટર્સ ફાવ્યા નહીં
૪) ગેઇલનું રટણ કરનાર ભારતીય બોલરોને સિમન્સે ધોયા
૫) દિશાહીન અને નબળી બોલિંગ લાઇનને કારણે સિમન્સને ત્રણ-ત્રણ વખત જીવતદાન મળ્યા
૬) ધોનીની રણનીતિ પર પ્રશ્નાર્થ. છેલ્લી બે ઓવરોમાં સ્પિનર પર દાવ લગાવ્યો. ભારતે મુખ્ય બોલર બુમરાહ અને નેહરાની ઓવર ૧૮ ઓવર વખતે જ પૂર્ણ કરી દીધી હતી. જેના કારણે અંતિમ બે ઓવર સ્પિનર પાસે નખાવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જેમાં વિન્ડીઝે ૧૯.૪ ઓવરમાં જ જીત મેળવી લીધી.
૭) વન મેન આર્મી કોહલી પર નિર્ભરતા ભારે પડી. ભારતીય ટીમ વન મેન આર્મીની જેમ રમી રહેલા વિરાટ કોહલી પર નિર્ભર રહી હતી. કોહલીએ પોતાની ક્ષમતા મુજબ બેટિંગ કરી ભારતને જંગી સ્કોર કરી આપ્યો હતો. તે પછી ભારતના મુખ્ય બોલરો ચારેતરફ ધોવાઈ રહ્યા હતા ત્યારે ફરી કોહલી ટીમની વહારે આવ્યો હતો અને ભારતને સફળતા અપાવી હતી. જોકે ટીમના મુખ્ય બોલર્સ નિષ્ફળ જતાં ભારતનો પરાજય થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter