‘હું, શાહિદ આફ્રિદી પાકિસ્તાનના લોકોની માફી માંગુ છું’

Thursday 31st March 2016 05:37 EDT
 
 

દુબઈઃ કોચ વકાર યુનિસે જાહેરમાં માફી માંગ્યાના એક દિવસ બાદ પાકિસ્તાની કેપ્ટન શાહિદ આફ્રિદીએ પણ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમના કંગાળ પ્રદર્શન માટે દેશવાસીઓની માફી માંગી છે. આફ્રિદીએ ફેસબુક પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે લોકો મારા વિશે શું કહે છે તેની મને કંઈ પડી નથી, પરંતુ હું પાકિસ્તાની જનતાને જવાબ આપવા બંધાયેલો છું. આજે હું શાહિદ આફ્રિદી પાકિસ્તાનની જનતાની માફી માંગુ છું કે અમે તેમની અપેક્ષાઓ પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં.
આફ્રિદી હાલમાં દુબઈ છે અને પાકિસ્તાન પરત ફરશે ત્યારે કેપ્ટનપદેથી તેની હકાલપટ્ટી કરવામાં આવશે. આ ઉપરાંત તે પોતાના ભવિષ્યનો નિર્ણય પણ લે તેવી સંભાવના છે કેમ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને સ્પષ્ટ કહ્યું છે કે ટીમમાં તેના સ્થાનની કોઈ ગેરંટી નથી. ટી૨૦ વર્લ્ડ કપ રમવા ભારત પહોંચ્યા બાદ આફ્રિદીએ કહ્યું હતું કે ‘અમને પાકિસ્તાન કરતાં પણ ભારતમાં વધારે પ્રેમ મળે છે’ અને તેના આ નિવેદનથી પણ વિવાદ થયો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ તેનાથી નારાજ થયું હતું.
પાકિસ્તાની કેપ્ટને પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે ‘હું છેલ્લા ૨૦ વર્ષથી દેશ માટે જનૂન સાથે ક્રિકેટ રમ્યો છું. આ ટીમ ફક્ત ૧૧ ખેલાડીઓની નથી, પરંતુ સમગ્ર દેશની ટીમ છે.’
આફ્રિદીએ ગયા વર્ષે રમાયેલા વર્લ્ડ કપ બાદ વન-ડે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. તેણે ૩૯૮ વન-ડેમાં ૮,૦૬૪ રન નોંધાવ્યા છે અને ૩૯૫ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter